Translate

11 April 2020

ક્યારે આપણે જાતિગત માનસિકતા બદલાવીને રાષ્ટ્રીયતા વાળી માનસિકતા કેળવશું



પાછલાં ૩૦ વર્ષથી પત્રકારિત્વ કરી રહ્યો છું, ૧૦ વર્ષથી રાજનીતિને પણ નજીકથી જોતો આવ્યો છું આ દરમ્યાન એક પણ વખત આ વિષય ઉપર મેં જાહેરમાં ક્યાંય મારું મંતવ્ય વ્યક્ત કર્યું નથી, પરંતુ આજે લાગે છે કે આ સવેદનશીલ વિષય પર ના બોલીને મેં ઘણું જ સહન કર્યું અને એ ખોટું સહન કર્યું, બ્રાહ્મણ, ક્ષત્રીય, વૈશ્ય અને શુદ્રમાંથી વકરી ને આ વિષય હિન્દુ, મુસ્લીમ, શીખ, ઈસાઈમાં પરિણમ્યો આટલું ઓછું હોય એમ વકરી ને આ વિષય હવે બ્રાહ્મણ, લોહાણા, વાણીયા, દરબાર, પટેલ, સગર, આહીર, સોની, દરજી જેવી જાતીયતા ઉપર પરિણમ્યો. આપણે દરેક જે હોઈએ તે પરંતુ આખરે એક દેશના નાગરીક છીએ અને આ દેશ ભારત આપણા બધાનો હોય ત્યારે આર્ય-અનાર્ય જેવા વ્યવ્ધાનો ક્યાંથી આવ્યા ? કેમ આવ્યા ? પરંતુ લાગે છે આ કડવું સત્ય આજે મારે સ્વીકારવું પણ જોઈએ અને કહેવું પણ જોઈએ, તો સહુ પ્રથમ મારી જ જાતિનો દાખલો આપી ને આગળ કહું, તો ભારતની કુલ વસ્તીના માત્ર ૭.૫ ટકા વસ્તી બ્રાહ્મણ જાતિની છે અને એ જાતિના ભારદ્વાજ ગોત્રની જોશી અવન્ટક માંથી હું આવું છું. આર્થિક રીતે સક્ષમ હોવું એ બ્રાહ્મણ જાતિની કોઈ કુટિલતા નથી, શૈક્ષણિક રીતે અવલ્લ આવવું એ કોઈ કુટિલતા નથી, શસ્ત્રો મુકીને શાસ્ત્રોમાં પારંગત હોવું એ કોઈ કુટિલતા છે? આટલી ઓછી વસ્તી હોવા છતાં ભારતની ક્રીમ પોપ્યુલેશનમાં બ્રાહ્મણનું હોવું શું એ કુટિલતા છે અને જો એ કુટિલતા હોય તો બ્રાહ્મણો એ તો અનેક જાતિઓને આ તક આપી છે કેમ આવી કુટિલતા કોઈ ગ્રહણ ન કરી શક્યું ? પાંચ હજાર વર્ષ પહેલા એકલવ્યનો અંગુઠો દ્રોણાચાર્યે દક્ષિણામાં માંગી લીધો અને એ ઘટના બ્રાહ્મણ સમાજ માટે શરમથી માથું ઝૂકાવવા જેવી ઘટના છે તો ૨૦૦૦ વર્ષ પહેલા ચાણક્ય એ બ્રાહ્મણ શાશક ધનાનંદને સત્યનું ભાન કરાવવા ચંદ્રગુપ્ત મૌર્યને મગધનો શાશક બનાવ્યો એ ઘટના પ્રશંશનીય કેમ નહિ ? બ્રાહ્મણ ઋષિ અને રાક્ષસી કન્યા દ્વારા ઉત્પન્ન થયેલ બાળક રાવણ કેટલાક માટે આદર્શ છે તો એ રાવણને બ્રાહ્મણોએ તો પોતાનો આરાધ્ય ક્યારેય નથી બનાવ્યો, એ માટે એની પ્રશંશા શા માટે નહિ ? કેટલાક લોકોની નજરે ૭૨ વર્ષ પહેલા વૈભવ ભોગવતો બ્રાહ્મણ આઝાદી પછી અનામત ઉપર અનામત સહન કરતો આવ્યો છે અને છતાં પણ સાડા સાત ટકા વસ્તી સાથે એ એનું મસ્તક ઊંચું રાખી શકે છે તો એમાં કઈ કુટિલતા દેખાય છે? એ બ્રાહ્મણોનો સંઘર્ષ કેમ નહિ દેખાતો હોય? એક હલ્કી રાજનીતિના ભોગ બનીને જે બ્રાહ્મણોને આરાધ્ય ન માનો ન સહી પણ સંઘર્ષશીલ પ્રજા કોઈએ પણ માનવી પડે તે સાડા સાત ટકાને ગાળો કાઢવા નેવું ટકા જનતાને કેટલાક નેતાઓએ પોતાના હિત સાધવા કામે લગાડી દીધા અને આજે આ આગ બ્રાહ્મણોની સાથે સાથે હવે જાતી જાતી ઉપર આવી ગઈ તોય આપણે જાતિની પેટા જાતી કરીને ઝહેર ઓછું કરવાને બદલે હજુ વધુને વધુ ઘોળીએ છીએ? આ પરિસ્થિતિ ક્યારેય રાષ્ટ્રીયતા પેદા ન થવા દેય ત્યારે આવી વિખુટી રાષ્ટ્રીયતા ન ચાહતી કે ઇચ્છતી હોવા છતાં પણ ગુલામી આસાનીથી નિભાવી શકે અને પાછલા ૧૨૦૦ વર્ષથી એ જ જોવાઈ રહ્યું છે કે બૌ સરસ રીતે આપણે બધા ભારતીયો ગુલામી પ્રથા નિભાવી રહ્યા છીએ અને એ માહોલમાં પણ આપણે સરસ જાતિવાદ નિભાવી રહ્યા છીએ, અત્યારે ભારત એની કુલ વસ્તીના સાડા સાત ટકા વસ્તી બ્રાહ્મણ ધરાવતો હોવા છતાં અને એ જનસંખ્યામાંથી પાંચ ટકા જનસંખ્યા તો માંસાહાર આરોગતી હોવા છતાં માત્ર અઢી ટકા વસ્તી એના સમાજનું ભારતનું અને વિશ્વનું પ્રતિનિધિત્વ બખૂબી રીતે કરી રહી છે.

ત્યારે કોઈ પણ ભગવાન પર બ્રાહ્મણ જાતિનો પેઢીગત ઈજારો તો નથી જ છતાં પણ વખત આવ્યે મંત્રો, શાસ્ત્રો અને શસ્ત્ર વિદ્યાઓ એ એના મનમાં સંગ્રહી શક્યો છે. હવે જોઈએ કઈ ગેરસમજોથી બ્રાહ્મણોને લોકો ગાળો કાઢી રહ્યા છે અને બ્રાહ્મણો એને ચુપચાપ સાંભળીને ગાળો આપનાર લોકોનું મનોબળ વધારી રહ્યા છે, ગેરસમજ (૧) મનુંવેદ કે મનુંસંહિતા, બ્રાહ્મણોને ગાળો આપનારાઓને મારો વિનમ્ર પ્રશ્ન છે કે મનુવેદ કે મનુસંહિતા ક્યા બ્રાહ્મણે લખી છે ? અથવા આજે પણ કયો બ્રાહ્મણ એને અનુસરે છે ? જો મહારાજ મનુ સુધી જાવું જ હોય તો મનુ એ ક્ષત્રીય અથવા મહારાજા હતા અને આવો કોઈ વેદ બ્રાહ્મણ લખી જ ન શકે કેમકે જો દેવ અને દાનવના યુગની વાત કરીએ તો સપ્તઋષીઓમાંના એક ઋષિ શુક્રાચાર્ય જેઓએ સંજીવની વિદ્યા હસ્તગત કરીને દાનવો, અસુરોને સજીવન કરવાનું કાર્ય દેવોની સામે કર્યું, એટલું જ નહી એને નિભાવ્યું પણ તો આ શુક્રાચાર્યના યોગદાનને ધ્યાનમાં રાખીને કેમ કોઈએ પ્રશંશા ન કરી ? અથવા કમસેકમ બ્રાહ્મણો કુટિલ નથી એમ કેમ ન કહ્યું, ગેરસમજ (૨) બ્રાહ્મણોએ છુઆછૂત ફેલાવી, આવું વિચારનારા અને કહેનારાઓને પણ આ ગેરસમજ દુર કરવા મારી વિનમ્ર પ્રાર્થના છે, જેના અનેક ઉદાહરણો પૈકી બે જાણીતા ઉદાહરણ અત્રે આપવા માંગુ છું, રાવણના પિતા બ્રાહ્મણ હતા, માતા રાક્ષસી, સંત જ્ઞાનેશ્વરના પિતા બ્રાહ્મણ હતા, માતા ભીલ હતા, આધુનીક યુગમાં બાબાસાહેબના બે પત્ની પૈકી એક બ્રાહ્મણ કુળના પત્ની હતા, એ પણ ભણેલા ગણેલા બેરીસ્ટર, અસંખ્ય ઉદાહરણો છે. જો આવી કોઈ પ્રવૃત્તિ બ્રાહ્મણ કરતા હોત તો આવા ઉદાહરણો સ્થાપિત થવા દીધા પણ ન હોત, વાત અહી બ્રાહ્મણોની પ્રશંશા કરવી જોઈએ બધાએ એ નથી, વાત અહી જાતિવાદને ભૂલીને રાષ્ટ્રવાદ સ્થાપવાની છે. અને એ રાષ્ટ્રવાદ એટલે કોઈ પક્ષ કે પાર્ટીવાદ નહિ, રાષ્ટ્રવાદ એટલે સર્વોપરી એકતા જેનાથી કોઈ પણ પક્ષ કે પાર્ટી જ નહિ અપીતું ગમે તેવા શાશકને પણ વિવશ કરી શકાય તેવો રાષ્ટ્રવાદ, રાષ્ટ્રવાદ એટલે ટીલા ટપકા કરવાનો વાદ નહિ, રાષ્ટ્રવાદ એટલે જાતિવાદને નાબુદ કરવાનો વાદ અને આવા રાષ્ટ્રવાદ તરફ આપણે વળવું જ જોઈએ અન્યથા આપણને સહુને ગુલામી પસંદ છે અને આથી ગુલામી કરીએ છીએ એ સંદેશ અન્ય તમામ બુદ્ધીજીવીઓ પાસે જાય છે અને એનો લાભ એ ઉઠાવી જાય છે એ સ્પષ્ટ થાય છે, પછી આવા બુદ્ધિજીવી એ મોગલ પણ હતા અને અંગ્રેજો તથા ફિરંગીઓ પણ હતા એ સ્વીકારવું જ રહ્યું. આજે પણ બ્રાહ્મણોમાં તુલસીકૃત રામાયણથી વધુ વાલ્મીકી ઋષિ દ્વારા લખવામાં આવેલી રામાયણનું મહત્વ વધારે છે ક્યા સુધી આપણે ટુકડાઓમાં જીવવું છે, બ્રાહ્મણ જ નહિ કોઈ પણ માણસ એ કુદરતની અનમોલ ભેટ છે અને આ ભેટને આપણે જ રગદોળીએ ? આ આપણે જ આપણી સાથે અન્યાય કરીએ છીએ, પરશુરામ એક બ્રાહ્મણ છે એટલે નહિ પરંતુ પરશુરામ એ ક્રૂર શાશકોને સબક શીખડાવનાર એકલવીર યોદ્ધા હતા, કૃષ્ણ એક યાદવ છે એટલે નહિ પરંતુ કૃષ્ણ પણ ક્રૂર શાશકોને સબક શીખડાવનાર એકલવીર યોદ્ધા હતા, મહાવીર, બુદ્ધ, આ બધા મહાપુરુષોના યોગદાનને આપણે ટુકડામાં મૂલવતા રહેશું,

ભારતને આઝાદ કરવામાં મહાત્મા ગાંધીજીનું અહીંસક મોટું યોગદાન છે તો એ હતું જ અમથે અમથા વિશ્વના બધા લોકો ગાંધીજીના લોહાને નથી માનતા, વિશ્વમાં ગાંધી બાપુ પછી બીજું કોઈ મહાનતા માટે બુદ્ધિજીવીઓના માનસપટ પર નામ છે તો છે ભારતના જ ડોક્ટર ભીમરાવ આંબેડકર આ વિભૂતિના લોહાને પણ વિશ્વ માની રહ્યું છે ત્યારે આવા અનેક નામી અનામી લોકોએ વખતો વખતના સમયમાં યોગદાન આપ્યું તો એ આપણા સહુના ભલા માટેનું હતું નહિ કે એની જાતી પુરતું!! પરંતુ આપણી ટુકડાવાદી માનસિકતાએ ક્યારેય કોઈના વિશાળ યોગદાનને વિશાળતા પ્રમાણે જોવાની તસ્દી ન લીધી અને ગમે તેવા મહાપુરુષોને ટુકડામાં કેદ કરી આપ્યા, ગુરૂનાનક, સંત રવિદાસ મહારાજ, ગુરૂ ગ્રંથસાહેબ, આવા તો અનેક મહાયોગીઓએ રાડો પાડી પાડીને આપણને સમજાવવામાં કોઈ કસર બાકી ન રાખી કે ટુકડામાં નહિ સમુહમાં જીવીએ, જે પ્રાંત, પ્રદેશ કે દેશમાં જીવીએ છે તેને અનુસરીએ, જે યોગદાન મારું તમારું કે આપણું છે એને જાતિના વાડામાં તબદીલ ન કરીએ, બ્રાહ્મણોને પણ મારી એક નમ્રતાપૂર્વકની સલાહ છે આપણે જો ખુદને પરીપૂર્ણ માનીએ તો કોઈને અપરીપૂર્ણ માનવાની ગુસ્તાખી કરવાથી આપણે આપણને દુર જ રાખીએ.
       
કહેવા માટે તો ઘણું છે પણ મારી વાતને પણ જાતીવાદમાં ન લેવાય જાય એટલે કહેતો નથી પરંતુ થોડામાં જાજુ સમજવાની આપ સહુની કાબેલિયત ઉપર મને ગર્વ છે, હું વ્યક્તિગત રીતે જ ભેદભાવ અને આભડછેટને દુર કરવા બચપણથી કાર્યરત છું, મારે તો લગ્ન પણ અનુસુચિત સમાજની કોઈ કન્યા સાથે કરવા હતા પરંતુ એ શક્ય ન બન્યું, મારા ધર્મપત્ની આ વાતને બખૂબી અનુભવે છે એટલે ભવિષ્યમાં પણ આમ કરવા મળે તો કરવાની એની અનુમતી મને પ્રદાન છે. કહેવાનો મતલબ એટલો જ કે દરેકે દરેક વ્યક્તિ એની પરંપરા કે રીવાજ પુરતો જાતિવાદ કેળવે ત્યાં સુધી એ કદાચ સ્વીકાર્નીય બનશે પરંતુ એનો અર્થ એ જરાય નથી થતો કે એક જાતિના ગર્વમાં આપણે અન્ય જાતિની ઉપેક્ષા કરી નાખીએ, માણસ માત્ર ઈશ્વરને પ્રિય છે અને ઈશ્વર ક્યારેય કોઈને ફલાણી જાતી કે ઢીકળી જાતિનું બિરુદ આપીને કોઈને જન્મ નથી આપતો, સંકુચીત માનસિકતા વાળા લોકોને પણ આ તકે મારી વિનમ્ર પ્રાર્થના છે કે સંકુચિતતાઓનો ત્યાગ કરીને એકબીજાને અપનાવો, સ્વીકારો તો જ આપણે રાજકારણ, કે વૈશ્વિક બુદ્ધિજીવીઓની ગુલામીમાંથી બહાર આવશું અન્યથા આઝાદી આપણી બરકરાર છે પરંતુ ગુલામીમાંથી આપણે જરાય મુક્ત થયા નથી.