Translate

24 April 2020

હવન અને યજ્ઞમાં શું તફાવત છે


ॐ विश्वानि देव सवितुर्दुरितानि परासुव। यद्भद्रं तन्नासुव ।
અર્થાત  
હે ઈશ્વર અમારા બધા દુર્ગુણોને દુર કરી દો અને જે સારા ગુણ, કામ અને સ્વભાવ છે 
તે અમને પ્રદાન કરો. યજ્ઞનો અર્થ આગમાં ઘી નાખીને મંત્ર બોલવાનો નથી થતો. 
યજ્ઞનો અર્થ છે
શુભકર્મ. શ્રેષ્ઠકર્મ અને સતકર્મ.

પશ્ચિમી જીવનશૈલી અને આધ્યાત્મિક હતાશામાં આજે લોકો યજ્ઞ અને હવનનું મહાત્મય ભૂલી ગયા છે. યજ્ઞ અને હવનનો અર્થ માત્ર આગમાં ઘી, દ્રવ્ય કે સમિધ નાખી દેવા કે હોમવા એવો નથી, યજ્ઞનું મહાત્મય છે અને આજની પેઢી તથા કર્મકાંડી આચાર્યો મહારાજો પાસે દ્રવ્ય યજ્ઞ સિવાય અન્ય કોઈ જાણકારી નથી, યજ્ઞના આમતો અસંખ્ય પ્રકાર છે તેમાં મુખ્યત્વે ૨૧ પ્રકાર છે તેમાં મુખ્ય ૧૧ પ્રકાર છે તેમાંથી મુખ્ય ૫ પ્રકાર છે અને તેમાંથી ૨ પ્રકારના યજ્ઞ છે એ બે પ્રકાર એટલે દિતિ અને અદિતિ યજ્ઞ તેવી જ રીતે યજ્ઞમાં પ્રજ્વ્વ્લિત થતી અગ્નિ પણ ૨૭ પ્રકારની હોય છે. જેમ કે ગર્ભાધાન માટે “મારૂત”, પુંસવન માટે “ચંદ્રમાં”, શુંગાકર્મ માટે “શોભન”, સીમન્ત માટે “મંગલ”, જાતકર્મ માટે “પ્રગલ્ભ”, નામકરણ માટે “પાર્થિવ”, અન્નપ્રાશન માટે “શુચિ”, ચૂડાકર્મ માટે “સત્ય” વ્રતબંધ માટે “સમુદ્દ્રવ”, ગોદાન માટે “સૂર્ય”, કેશાંત માટે “અગ્નિ”, વિસર્ગ માટે “વૈશ્વાનર”, વિવાહ માટે “યોજક”, ચતુર્થી માટે “શિખી”, ધૃતિ માટે અગ્નિ”, પ્રાયશ્ચિત્ત માટે “બીધુ”, વૃક્ષોત્સર્ગ તથા ગૃહપ્રવેશ માટે “સાહસ”, લક્ષ્ય હોમ માટે “વહની”, કોટીહોમ માટે “હુતાશન”, પુર્ણાહુતી માટે “મૂડ”, શાંતિ માટે “વરદ”, પૌષ્ટિક માટે “બલદ”, અભીચારિક માટે “ક્રોધાગ્ની”, વશીકરણ માટે “શમન”, વરદાન માટે “અભીદુષક”, કોષ્ઠ માટે “જઠર:, અને મૃત્ભક્ષણ માટે “ક્રવ્યાદ”,

    આમ ૨૭ પ્રકારના અગ્નિથી માત્ર એક યજ્ઞ થાય છે અને એ છે દ્રવ્ય યજ્ઞ, યજ્ઞોના ૨૧ પ્રકાર અને ૧૧ પ્રકાર હું અહી નહિ જણાવી શકું કેમકે એને વાંચવા માટે જે ધૈર્ય વાંચક પાસે હોવું જોઈએ તે દરેક પાસે નહિ હોય તેથી યજ્ઞના પાંચ પ્રકાર અને એના મુખ્ય બે પ્રકાર વિશે આપણે વાત કરીશું,

દેવસમ્મત કર્મ.
વેદાનુસાર યજ્ઞ પાંચ પ્રકારના હોય છે. જે આ મુજબ છે ચાલો જાણીએ યજ્ઞના પ્રકારો વિશે વિગતવાર. પાંચયજ્ઞોને પુરાણો અને અન્યગ્રંથમાં વિસ્તારથી આપવામાં આવ્યું છે. યજ્ઞને વધારે લોકો કર્મકાંડથી જોડીને જોવે છે પરંતુ વાસ્તવમાં એનો મોટો અને ઊંડો વૈજ્ઞાનિક આધાર છે. આવો જાણીએ કેવી રીતે….

વૈશ્વદેવયજ્ઞ :
આ યજ્ઞને ભૂતયજ્ઞ પણ કહેવાય છે. પંચ મહાભૂતથી જ માનવ શરીર છે. બધા પ્રાણીઓ તથા વૃક્ષો પ્રતિ કારુણા અને કર્તવ્ય સમજવું એને અન્નપાણી આપવું જ ભૂતયજ્ઞ અથવા વૈશ્વદેવ યજ્ઞ કહેવાય છે. અર્થાત જે કંઈપણ ભોજન કક્ષમાં ભોજ્નાર્થ સિદ્ધ થઇ એનો અંશ એ અગ્નિમાં હોમીને જેનાથી ભોજન પકવવામાં આવે છે. પછી તેનો અમુક અંશ ગાય, કુતરા અને કાગડાને દેવાની વેદ-પુરાણની આજ્ઞા છે.

અતિથી યજ્ઞ :
અતિથીનો અર્થ મહેમાનોની સેવા કરવી એને અન્નપાણી આપવું. અપંગ, મહિલા, વિદ્યાર્થી, સંન્યાસી, ચિકિત્સક અને ધર્મના રક્ષકોની સેવા-સહાયતા કરવી એ અતિથી યજ્ઞ છે. એનાથી સંન્યાસ આશ્રમ પુષ્ટ થાય છે. આ એક મોટું પુણ્ય છે અને માણસનું આ સામાજિક કર્તવ્ય પણ છે.

બ્રહ્મયજ્ઞ :
જડ અને પ્રાણીજગતથી વધીને છે મનુષ્ય. મનુષ્યથી વધીને છે પિત્રુઓ, અર્થાત માતાપિતા અને આચાર્ય. પિત્રોથી વધીને છે દેવ, અર્થાત પ્રકૃતિની ૫ શક્તિઓ અને દેવથી વધીને છે ઈશ્વર અને આપણા ઋષિગણ. ઈશ્વર અર્થાત બ્રહ્મ. આ બ્રહ્મયજ્ઞ સંપન્ન થાય છે નિત્ય સંધ્યાવંદન, સ્વાધ્યાય તથા વેદપાઠ કરવાથી. એને કરવાથી ઋષીઓનો ઋણ અર્થાત ઋષિ ઋણચૂકતો થાય છે. એનાથી બ્રહ્મચર્ય આશ્રમનું જીવન પણ પુષ્ટ થાય છે.

દેવયજ્ઞ :
દેવયજ્ઞ, સત્સંગ તથા અગ્નિહોત્ર કર્મથી સંપન્ન થાય છે. એના માટે વેદીમાં અગ્નિ પ્રગટાવી હોમવામાં આવે છે. આને અગ્નિહોત્ર યજ્ઞ કહેવાય છે. એ પણ સંધિકાળમાં ગાયત્રીમંત્રની સાથે કરવામાં આવે છે. એને કરવાના કેટલાક નિયમ છે. એનાથી દેવઋણ; ચૂકતો થાય છે.

પિતૃયજ્ઞ :
સત્ય અને શ્રદ્ધાથી કરેલા કામ શ્રાદ્ધ અને જે કર્મથી માતાપિતા અને આચાર્ય તુત્પ થાય તે તર્પણ છે. વેદાનુસાર આ શ્રાદ્ધ-તર્પણ આપણા પૂર્વજો, માતા પિતા અને આચાર્ય પ્રતિ સમ્માનનો ભાવ છે. આ યજ્ઞ સંપન્ન થાય છે સન્તાનોત્પત્તી થી અને એનાથી પિતૃ ઋણચૂકતો થાય છે.

આ સિવાયના બે પ્રકાર છે જે દિતિ અને અદિતિ કહેવાય છે, અર્થાત આવા કોઈ યજ્ઞમાં સહયોગ આપવો અથવા બાધા ઉત્પન્ન ન કરવી એ એક પ્રકાર અને આવા યજ્ઞોમાં બાધા ઉત્પન્ન કરવી અથવા સક્ષમતા હોવા છતાં સહયોગ ન આપવો એ બીજો પ્રકાર છે. આટલી પ્રારંભીક વાત કહીને એક દ્રષ્ટાંત આપું છું જેનાથી વર્તમાન સ્થિતિનો ખ્યાલ પણ આવશે અને આપણી વાત સમજવામાં સહાયતા પણ થશે. યજ્ઞના મુખ્ય બે પ્રકાર છે એ આદિઅનાદીથી અવિરતપણે ચાલ્યા આવે છે જેથી અત્યારે કોઈ ખરાબ પરિસ્થિતિ છે ને યુગો અગાઉ બૌ સારી પરિસ્થિતિ હતી તેવા કોઈ નિષ્કર્ષ કરવા ન જોઈએ, ભગવાન શ્રીરામ અને લક્ષ્મણ પણ રામાયણ કાળમાં ઋષિ વિશ્વામિત્રના એક યજ્ઞમાં રાક્ષસોથી યજ્ઞનું અને ધર્મનું રક્ષણ કરવા ગયા હતા, યજ્ઞ અને હવન એ બંને અલગ અલગ વસ્તુ છે, કોઈ ખાસ ઉદેશ્યથી પ્રજ્વલ્લિત અગ્નિને આપવામાં આવતી આહુતિ એ હવન કહેવાય અને કોઈ ખાસ ઉદેશ્યથી કરવામાં આવતો ત્યાગ, તેને લઈને પડતી મુશ્કેલીઓ સહન કરવાના કરવામાં આવતા કર્મને યજ્ઞ કહેવાય આમ યજ્ઞ અને હવન એ અલગ અલગ છે. ધર્મ ઉપર વિધર્મીઓનો અત્યાચાર ત્યારે પણ હતો અને અત્યારે પણ છે. એટલે એવા બહાના હેઠળ પણ કોઈએ છટકી ન જવું કે અમે મજબુર છીએ, મુલત આધ્યાત્મિક હતાશા આજના બધા પ્રશ્નો માટે જવાબદાર કહી શકાય, પ્રકૃતિનો એક નિયમ છે એ હમેશા કલ્યાણમાં માને છે જેને અનાદીકાળમાં જીવ કલ્યાણ ત્યારબાદ જનકલ્યાણ અને ક્રમશ ઘટીને એ આજે સ્વકલ્યાણ સુધી સીમિત થઇ ગઈ, આમ કેમ થયું એના ગુઢાર્થમાં આ લેખ છે.

આગળ મેં કહ્યું તેમ એક દ્રષ્ટાંત પ્રસ્તુત કરું છું, આદિકાળની જેમ એક સમયમાં કાશી વિદ્યાપીઠનું મહાત્મ્ય હતું, આવી કશી વિદ્યાપીઠ પાસે એક નગર હતું એ નગરમાં એક સોનાની યજ્ઞશાળા અને એક કથા કરી શકાય તેવો સામિયાણો હતા, આમાં દરેક વસ્તુ સોનાજડીત હતી સામિયાણામાં પડદા અને ઉપર ઢાંકવામાં આવેલ કપડાં પણ સોનાના હતા, આવા નગરના આ યજ્ઞશાળા પાસે એક બોર્ડ મારેલું હતું કે કાશી વિદ્યાપીઠથી ભણીને આવતા વિદ્યાર્થીઓને આહ્વાહન છે કે જો તે અમારા નગરના લોકોને હરેયનમઃ બોલતા બંધ કરાવી આપે તો આ યજ્ઞશાળા અને સમિયાણાનું બધું સોનું નગરવાસીઓ તેમને આપી દેશે અને જો તેમ કરવામાં તે અસફળ રહેશે તો તેની પોથી અમે ઝુટવી લેશું, અને એમાં ખાસ એક ચેતવણી પણ હતી કે જે અમારી આ ચેલેન્જને સ્વીકારે તે હારી જાય તો અમારી પાસેથી દયાની કોઈ અપેક્ષા રાખે નહિ. નગર પણ અજીબ હતું જે સામે મળે તે કોઈ પણ વાત કરે તેના પ્રારંભમાં અને અંતમાં હરેયનમઃ ખાસ બોલે. અનેક નામી અનામી વિદ્યાર્થીઓ કે ઠગભગત અથવા પોંગાપંડિતોએ આ ચેલેન્જ સ્વીકારી પણ કોઈની કારી ફાવી નહિ. તેવામાં એક ૨૧ વર્ષનો વિદ્યાર્થી એ ચેલેન્જ સ્વીકારવા તૈયાર થયો, જેણે હાલમાં જ કાશી વિદ્યાપીઠમાંથી ઉચ્ચ ડીગ્રીઓ મેળવી હતી, અને કાશી વિદ્યાપીઠ એટલે ધર્મ-વિધર્મનું પૂર્ણ શિક્ષણ આપતી વિદ્યાપીઠ હતી, જ્યાં વેદ, પુરાણ, ઉપનિષદ અને ગ્રંથોની પૂરી સમજ આપવામાં આવતી હતી.

જે વિદ્યાર્થીએ ચેલેન્જ ઉઠાવી તેણે આગ્રહ કર્યો કે હું સાત દિવસ એક કથા કરીશ અને એ દરમ્યાન યજ્ઞશાળામાં યજ્ઞો કરીશ મારી શરત એટલી કે યજ્ઞ દરમ્યાન અને કથા વાંચન દરમ્યાન દરેક નગરવાસીઓએ તેમાં ઉપસ્થિત રહેવું પડશે, નગરવાસીઓએ સંમતિ આપી, યુવાને કથા અને યજ્ઞ ચાલુ કર્યા, કથાના પહેલા દિવસે સમગ્ર નગરવાસીઓ સોનાના સમિયાણા નીચે યુવાનની સામે ગોઠવાઈ ગયા, યુવાને કથાનો પ્રારંભ કર્યો, શુકદેવજી કહે છે સાવધાન... ત્યાં તો સામેથી પડકારો આવે, હરેય્ય નમઃ, યુવાને સાત દિવસથી આખી કથા દરમ્યાન આવા અનેક પ્રયત્નો કર્યા પરંતુ એની દરેક વાત સાંભળીને નગરવાસી તેની સામે હરેય્યનમઃ ઉચ્ચારતો. સાત દિવસ બાદ આ યુવાન નિષ્ફળ ગયો, નિરાશવદને ઘરે ગયો, ઘરે એના માતા-પિતા પૂછવા લાગ્યા કે શું થયું મારા લાલને, એના મોટાભાઈએ પૂછ્યું શું થયું મારા ભાઈને, આખરે યુવાને સમગ્ર હકીકત કહી, તેના મોટાભાઈએ કહ્યું બસ આટલી વાત, ચાલ આપણે એ નગરમાં પાછા જઈએ અને હવે ત્યાં કથા હું કરીશ, યુવાનના મોટાભાઈએ યુવાન જેવી જ શરત નગરવાસીઓને કહી અને વધુ એક ચેલેન્જ શરૂ થઇ, મોટાભાઈએ કથાનો પ્રારંભ કર્યો શુકદેવજી કહે છે સાવધાન..... નગરવાસીઓએ હરેય્ય નમઃ નો પડકારો કર્યો, આ તરફ યુવાનના મોટા ભાઈએ પોતાના દરેક વાક્યના પ્રારંભમાં ફૂરરર કહેવાનું ચાલુ કર્યું, કથાના વિવિધ પ્રસંગોમાં મોટાભાઈ ફૂરરર કહેતા અને સામે નગરવાસીઓ હરેય્ય નમઃ કહેતા, કાગડો ઉડે, ફરરર, ચકલી ઉડે ફરરર, મોર ઉડે ફરરર, ની રમતની જેમ જયારે કોઈ ન ઉડતા પક્ષીને ફરરર કરે તે હારી જાય તેમ કથાના ત્રીજા દિવસથી નગરવાસીઓ હરેય્ય નમઃ ની જગ્યાએ ફર્રર્રર્ર બોલવા લાગ્યા. કહેવાનું તાત્પર્ય એ છે કે કોઈપણ એના માર્ગમાંથી ત્યારે જ ભટકી જાય જયારે તેને ભટકવાની ઈચ્છા હોય,

ધર્મ આજે પણ નાશ નથી પામ્યો, પરંતુ આપણે બસ ધર્મમાંથી વિચલિત થયા છીએ, અર્થાત યજ્ઞ અને હવન કર્મકાંડીઓના ભરણપોષણ હેતુ નથી, અગર ધર્મમાંથી તમે વિચલિત થયા હોવ કે કોઈએ તમારો માર્ગ ભુલાવી દીધો હોય તો કર્મકાંડીઓના પેટ પર પાટું મારવા તમે હવન ન કરાવો, પણ યજ્ઞ તો કરો, યજ્ઞમાં કોઈ આહુતિ તો આપો. ધર્મ હોય કે જીવન માણસ એનો માર્ગ ભટકે ત્યારે એ દુઃખી થયા વિના ન જ રહે, હવન માટે પણ કેટલાકે ગેરસમજણ ફેલાવી છે કે એ કર્મકાંડીઓના ભરણપોષણ માટે છે, બેશક એ એની આજીવીકા હશે પણ જો એ માર્ગ ભટકશે તો એ દુઃખી થાશે, પરંતુ આપણે તો માર્ગ ભટકીએ નહિ ? યજ્ઞ એ માણસના વર્ણ આધારિત નથી, યજ્ઞ દેવ-દાનવ-યક્ષ-કિન્નર-ગાંધર્વ ઈત્યાદી બધા કરે છે. હવન એ બ્રાહ્મણોનો ધર્મ છે અને એટલા માટે એ કરાવે છે. હવનનો અર્થ કરાવનારનો એક સ્વાર્થ અથવા લક્ષ્યપ્રપ્તી હોય છે તેનાથી બ્રાહ્મણને કશો મતલબ જ નથી, એ તો ઉદાર બનીને આ કાર્ય તમને કરી આપે છે.

યજ્ઞ એટલે એક એવું અશક્ય કાર્ય તમે જાતે પસંદ કરો અને જનકલ્યાણ હેતુ એને નીરંતર કરતા રહો, એ કરતા રહેવાથી તમને મુશ્કેલી પડતી હોય તો પણ કરો, હવનની સિદ્ધિ તાત્કાલિક છે જયારે યજ્ઞની સિદ્ધિ તાત્કાલિક નથી યજ્ઞ માટે તો આખું એક જીવન હોમવું પડે છે, આવા યજ્ઞના બે ઉદાહરણ આપું છું એક મહાત્મા ગાંધીજી જેમણે એક સંકલ્પ લીધો અને એ આજીવન પૂર્ણ કર્યો અને બીજું ઉદાહરણ આપું છું ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી જે એના સંકલ્પ માટે પોતાના જીવનને રાષ્ટ્ર માટે અર્પણ કરી રહ્યા છે. વાતના અંતમાં એક વાત કહીશ યજ્ઞ દરેકે કરવો જોઈએ અને યજ્ઞ વિના કોઈને કોઈ પણ પ્રકારની સિદ્ધિ મળતી નથી, જનકલ્યાણ માટે ન કરો તો, સ્વકલ્યાણ માટે, પરીવાર કલ્યાણ, કુટુંબ કલ્યાણ, ગ્રામ કલ્યાણ, રાજ્ય કલ્યાણ અને દેશ કલ્યાણ આમાંથી જે યોગ્ય લાગે તે માટે સંકલ્પબદ્ધ એક યજ્ઞ કરો એ જ ધર્મ છે અને એ જ જ્ઞાન છે. વિધર્મીઓ તમને ફર્રર્રર્રર્ર બોલાવી રહ્યા છે, આપણે વિચલિત ન થવું જોઈએ. 
અસ્તુ!!
ભાર્ગવ જોશી