Translate

20 April 2020

બર્ડાઇ બ્રહ્મસમાજનો લક્ષ્મણ


અખૂટ અને અપાર શ્રદ્ધાવાન

વાત છે જામનગર જીલ્લાના ગામ જામગઢકાની અને રાજયગુરૂ પરીવારના એક મહાન જવાનની, જેમણે ગત ૧૬ એપ્રીલ ૨૦૨૦ ને દિવસે સમાજ અને આપણી વચ્ચેથી બપોરના મધ્યાહન સમયે કાયમી માટે વિદાય લઇ લીધી છે, જુનો જામનગર જીલ્લો અને હવે દેવભૂમિદ્વારકા તરીકે ઓળખાતા જીલ્લાના કલ્યાણપુર તાલુકામાં જામગઢકા ગામ, એ ગામમાં વિપ્ર નારણજી દામજી રાજયગુરૂનો પરીવાર રહે, મોતીબેન નારણજીભાઈ રાજયગુરૂ એમના ધર્મપત્ની, બે પુત્ર અને ચાર પુત્રી એમ એના સંતાન, એના નાનાપુત્ર અને ચારેય બહેનોના મોટાભાઈની આ વાત છે. નારણજીભાઈનું બીજું સંતાન જન્મે દિવ્યાંગ પરંતુ એ શરીરથી દિવ્યાંગ હતું, મન, બુદ્ધિ અને સંસ્કારમાં આખા રાજયગુરૂ પરીવારને ગૌરવ અપાવે તેવા એના કાર્યો, નામ એનું જમનભાઈ, મોટાપુત્રના વેવિશાળ કર્યા પછી લગાતાર ત્રણ વર્ષ દુષ્કાળ પડેલો એ દુષ્કાળમાં નારણજીભાઈનો આખો પરીવાર જામગઢકા છોડીને ભાણવડ તાલુકાના હનુમાનગઢમાં સ્થાયી થયો, પિતાજીના આશીર્વાદ મેળવીને જમનભાઈએ એની કારકિર્દીના શ્રીગણેશ કર્યા મીઠાઈ-ફરસાણની એક દુકાનથી, દુકાન ખુબ સારી ચાલે પરંતુ એનું મન જાણે એને કોઈ ભગીરથ કાર્ય માટે સતત આકર્ષિત કરતું હોય તેમ દુકાનની અડધી આવક તેઓ લોકકલ્યાણ અર્થે વાપરે, ઘરની સ્થિતિ સાધારણ પરંતુ દાન આપવામાં દાનેશ્વરીઓ પણ ઝાંખા પડે તેવું દાન આપે અને એ પણ ગુપ્તદાન.

   આવા એના ગુણ ઉડીને એક સમયે બાપુનીવાવે ભગવાનજી બાપા સુધી પહોચ્યા, ભગવાનજીબાપાને પણ ભાણવડમાં મીઠાઈની દુકાન ધમધોકાર ચાલે અને બાપા ભાણવડ તાલુકા પંચાયતના પ્રમુખ એટલે એની નજરે વેરાન બાપુનીવાવ અવારનવાર નજરે પડતી, બાપાએ જાતે સેવા કરવાનું બીડું ઝડપ્યું અને સાથીદાર તરીકે સમાજના બર્ડાઇ બ્રહ્મસમાજના લક્ષ્મણ કહી શકાય તેવા જમનાદાસ પાસે બાપાએ આદેશ સાથે વિચાર રજુ કર્યો, એક જ ઝાટકે દુકાનની બહાર આવીને જમનભાઈએ બાપાને કોલ આપ્યો કે આજે ને આજે, અત્યારે ને અત્યારે મને બાપુનીવાવ મૂકી જાવ ત્યાંથી બહાર હવે પછી મારો મૃતદેહ નીકળશે હું નહી એ તમને વચન આપું છું. ૧૯૭૨/૭૩ માં યુવાનવયે અને વિવાહ પણ નહોતા થયા એ ઉમરમાં એમણે બાપુનીવાવને પોતાની બાકીની આખી ઉમર આપી દેવાનું બીડું ઉઠાવી લીધું, ૧૯૯૦ સુધી ભગવાનજી બાપાના માર્ગદર્શન અને પૂજ્યપાદ ત્રીકમાચાર્યજી બાપુની નિશ્રામાં જમનાદાસ નો ત્યાગ મહેકવા લાગ્યો, ૧૯૭૭/૭૮ માં બાપુનીવાવે ટ્રસ્ટમંડળની સંસ્થાપના થઇ અને જમનભાઈના જીવનનિર્વાહ માટે તત્કાલીન ટ્રસ્ટીઓએ પાનસો રૂપીયાનું મહેનતાણું આપવાનું નક્કી કર્યું. પણ આ દેવતાઈ પુરુષને મહેનતાણાની તો ક્યાં કોઈ જરૂર હતી તો પણ એ રકમને ત્રીકમજી બાપુના આશીર્વાદ માનીને માથે ચડાવી લીધી, ૧૯૯૯ માં ભગવાનજી બાપાએ દુનીયામાંથી કાયમી વિદાય લીધી, અને જમનભાઈ ભગવાનજીબાપાની આત્મા, એથી જમનભાઈ ઉપર નિર્માણ થયેલી આખી બાપુનીવાવને સંભાળવાની જવાબદારી આવી, કહેવાય છે કે ૧૯૯૯ થી ૨૦૧૦ સુધી એક પણ રૂપિયો તેને જીવનનિર્વાહ માટે મળેલો નહિ, કેમકે આ એ સમય હતો જયારે ત્યાં કોઈ ટ્રસ્ટમંડળ ઉપસ્થિત હતું નહિ, પોતાને એક પત્ની, એક પુત્રી અને એક પુત્રના આ આખા પરીવારને આજના યુગમાં કોઈ માણસ આવક વિના એક મહીનો પણ ન નિભાવી શકે ત્યારે દસ વર્ષ સેવા પણ કરવી અને જીવનનિર્વાહ પણ ચલાવવો એ અશક્ય જેવું કામ હતું, જેને જમનભાઈ એ શક્ય કરી બતાવ્યું.

    જો કે બાપુનીવાવે કોઈ આવક ન હતી તેવું ન હતું, પરંતુ એમને પોતાનો પગાર જાતે કરવાનો અધિકાર તો ન જ હતો, બીજું એ ભગવાનજી બાપાને વચન આપી ચુકેલા હતા કે બાપુનીવાવને તે જીવતાજીવ ક્યારેય નહિ છોડે, પરિસ્થિતિ ગમે તેવી પરીક્ષા લઈલે. પણ એનો મોટેરો ભાઈ એ આખો બર્ડાઇ બ્રાહ્મણ સમાજ હતો અને એના સંસ્કાર લક્ષ્મણ જેવા જેથી અંગત બધી જ તકલીફો એણે હસતા હસતા સહન કરી પરંતુ મોટાભાઈને ક્યારેય એ ન જણાવા દીધું કે મારી સેવા કરવામાં કોઈ તકલીફ નથી આવતી પણ ઘર ચલાવવા બૌ મોટી તકલીફ પડે છે, આજના યુગમાં ભલભલા માણસો આદર્શ, સંસ્કારને કોરાણે મુકીને પોતાનું ઘર ભરી લેવામાં માને છે ત્યારે સમાજની આ સ્થિત મૂડીના પોતે એક રખેવાળ છે, ચોકીદાર છે, અને એને ઘરના ભોગે પણ પોતાના આખરી શ્વાસ સુધી ઉની આંચ ન આવવા દીધી. જમનભાઈ માટે લખવા બેસું તો લાખો શબ્દો ઓછા પડે પણ એક લાઈનમાં જો એના માટે કઈ લખવું હોય તો જમનભાઈની વચન નિભાવવાની પરંપરા, ઈમાનદારી, કર્તવ્યનિષ્ઠા અને ધીરજ એ આજના જમાનામાં ભલભલાને ઘરની ભૂખ સામે ડગમગાવી દે છે ત્યારે ઘરને સંભાળવાની સાથે સાથે સમાજ એટલે કે મોટાભાઈની સંપતિને ઉની આંચ ન આવવા દેનાર જમનભાઈ માત્ર બર્ડાઇબ્રાહ્મણ સમાજના જ નહિ પણ કળીયુગના સાચા અર્થના લક્ષ્મણ છે,

આ તકે બાપુનીવાવના વર્તમાન ટ્રસ્ટીમંડળને નમ્રતા સાથે એક પ્રાર્થના જરૂર કરી શકું છું કે જમનભાઈ જેવા અલગારી અને સંતપુરૂષના પરીવારને નિભાવવો એ આપણી સહુની આથી સામાજીક જવાબદારી છે, જો હું કોઈ અતિશયોક્તિ કરતો હોય તેવું ન લાગતું હોય તો એ જગ્યામાં આજે ત્રીકમજીબાપુની સાથે-સાથે ભગવાનજી બાપાની જેમ હવે દર્શનપૂજા થાય છે તેમજ જમનભાઈની દીપપૂજા ન થાય તો પણ એને આવનારા સમયમાં દરેક મુલાકાતી કાયમી રીતે જોઈ શકે તે રીતે તેમના જીવનચરિત્રને એક તસ્વીરમાં કંડારીને ત્યાં જરૂર રાખી શકાય, તેવો મારો અંગત મત સાર્વજનિક રીતે પ્રકટ કરું છું, ઈશ્વર એમના પરીવારને આવી પડેલ દુઃખ સહન કરવાની શક્તિ આપે અને નિ:સંદેહ એમનો પવિત્ર અને દિવ્યઆત્મા ઈશ્વરના ચરણકમળમાં જ પહોચ્યો હશે. માત્ર જમનભાઈના પરીવારે જ નહિ પરંતુ ૧૬ એપ્રીલના રોજ સમસ્ત બર્ડાઇ બ્રહ્મસમાજે એનું એક રત્ન ગુમાવ્યું છે, સ્વ.જમનભાઈને શતશત વંદન સાથે શબ્દ સ્મરણાંજલી અર્પતા મને ગૌરવની અનહદ અનુભૂતિ થાય છે. 
અસ્તુ !!