Translate

22 April 2020

સ્ત્રીની દુશ્મન એ સ્ત્રી પોતે જ છે.


તમે જેવા છો એવા બેસ્ટ છો.

સ્ત્રી અને સમાજ માટે જો કઈ કહેવું હોય તો, સ્ત્રીનો દુશ્મન સમાજ નહિ, સ્ત્રી પોતે જ છે. સ્ત્રીનો દુશ્મન પુરૂષ છે જ નહિ, સ્ત્રીની દુશ્મન બીજી સ્ત્રી પણ નથી, સ્ત્રીની દુશ્મન એ પોતે જ છે. અરીસામાં જોઇને એ નક્કી કરે કે ફલાણી કેવી પાતળી છે તેણે કમર સુધીનો ડ્રેસ કે સાડી કેવા સરસ પહેર્યા છે, એ પાતળી હોવાથી કેટલી સરસ દેખાય છે, હું પાતળી હોત તો આનાથી પણ વધુ સુંદર લાગતી હોત, અલ્યા ભઈ એ પાતળી છે તો ૮૦% તો એ ભૂખી રહે છે અને એના જેવું સુંદર થઈને તમારે ક્યા એની જગ્યા પૂરવાની છે. તમને જે શોખ છે તેમાં આવી સાડી કે ડ્રેસ નહિ પહેરાય અને તમારે ક્યાં, ત્યાં જવાનું છે. મોટાભાગની સ્ત્રીઓ એવું માને છે કે સુંદર હોવું અને યુવાન હોવું એ જ સ્ત્રીત્વ છે. તમે ટીવી તો જોતા જ હશો તેમાં જેટલી પણ જાહેરાત આવે છે તેમાં સુંદર દેખાવ, પાતળા દેખાવ, ઉંચા દેખાવ, ચામડી ટાઈટ રાખો, કમર પાતળી રાખો, વાળ કાળા કરો, આ સિવાયની કોઈ જાહેરાત ક્યારેય જોઈ છે. આનું સહુથી મોટું કારણ શું ? તો આવી જાહેરાતોનું સહુથી મોટું કારણ છે સ્ત્રીઓને બ્યુટીમાર્કેટ બનાવવામાં આવે છે અને અહેસાસ કરાવવામાં આવે છે કે ભરાવદાર છાતી, પાતળી કમર એ જ સ્ત્રીત્વનો પર્યાય છે એ જાહેરાતો મુજબ તો યુવાન અને સુંદર નથી એ સ્ત્રી જ નથી એવું એના મગજમાં ઠસાવવામાં આવે છે. 

આવી બહેનોને મારે કહેવું છે કે અંતરીક્ષ યાત્રી સુનીતા વિલિયમ્સ, ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ, પૂર્વ પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધી આથી આ મહિલાઓ કેવી દેખાતી હતી એ તમે સાંભળ્યું નહિ હોય, સાંભળ્યું છે કે લક્ષ્મીબાઈની આંખો કેવી નમણી હતી? સુનીતા વિલિયમ્સના હોઠ કેવા પરવાળા જેવા હતા? ઇન્દિરાજીની ચામડી કેવી તકતકતી હતી? આ મહિલાઓએ ફેર એન્ડ લવલી કે ઈત્યાદી પ્રોડક્ટ જોઇને કે અપનાવીને પોતાનું સ્ત્રીત્વ સાબિત નથી કર્યું. ટીવીની જાહેરખબર જોઇને તમે જો તમારૂં સ્ત્રીત્વ સાબિત કરવા મથતા હોવ તો તમે મહામુર્ખ સ્ત્રી છો, સ્ત્રીઓ એ સમજવા જ તૈયાર નથી કે સુંદરતા કે યુવાની એ સ્ત્રીત્વનો પર્યાય નથી, સ્ત્રીત્વનો ખરો પર્યાય છે એનો આત્મવિશ્વાસ, એની ક્ષમતા, એની નીતિમતા એનો સ્પષ્ટ વર્તાવ. વુમન એમ્પાવરમેન્ટના તમામ લેકચરો મેં અનેક ખ્યાતનામ વક્તાઓના સાંભળ્યા છે તેમાં મેં ક્યાંય એ નથી સાંભળ્યું કે સ્ત્રીઓની કમર પાતળી હોય તો એ ઝડપથી પ્રગતિ સાધી શકે કે સ્ત્રીઓ યુવાન હોય તો એ વધુ ઝડપે પ્રગતિ સાધી શકે. મેં ભાગ્યે જ એવી સ્ત્રી જોઈએ છે જેમણે સ્ત્રીત્વ માટે યૌવન અને યુવાનીને ગણકારી હોય. અન્યથા મોટાભાગની સ્ત્રીઓ એની પચીસ વર્ષની ઉમર સુધી સુંદરતા અને યુવાનીની કેર કરવામાં જ વિતાવે છે. આ પચીસ વર્ષ તમને જાહેરખબરોએ પ્લાન્ટ કરી હોય છે, પુરૂષો સાથે લડે કે પુરૂષોને પોતાના માટે લડાવે એ સ્ત્રી એમ્પાવર્ડ સ્ત્રી છે જ નહિ, એમ્પાવર્ડ સ્ત્રી એ છે જે માને કે પોતાને આગળના ભવિષ્ય માટે કેવો પુરુષ જોઇશે, પોતાના સ્ત્રીત્વને પુરવાર કરવા એ પુરૂષ પોતાને કેટલો અનુરૂપ થશે.

     અવિવાહિત સ્ત્રીના જીવનનો મોડલ પુરૂષ મોટાભાગે એનો પિતા જ હોય છે, પરંતુ એના બધા પ્રશ્નો તો પીતાજી દ્વારા પુરા થવાના જ નથી, એક પુરૂષ તો એને એવો જોશે જ જેને એ એનું સર્વસ્વ આપી શકે. ત્યારે સર્વસ્વ ન્યોછાવર જે પુરુષને કરો બદલામાં એ તમારા સ્ત્રીત્વને પુરવાર કરવા તમારી સાથે, તમારી પાસે ઉભો રહે એવો પુરૂષ હોવો જોઈએ. પછી એ પુરૂષ કેટલું કમાય છે, કેટલો હેન્ડસમ છે, કેટલો બહાદુર છે, કેટલો પત્નીભક્ત છે એ એની ગુણવતા નથી, એ ગમે તેવો હોય પણ તમારી સાથે, તમારી પાસે એ ઉભો રહી શકશે તો એવો પુરૂષ એ તમારો પુરૂષ છે. તમારા સર્વસ્વનો અધિકારી એ પુરૂષ છે. તમે જે પુરૂષને પરણો છો એને પરણ્યા પછી એની હેલ્થપોલીસી, એના આર્થિકવ્યવહાર, એની કૌટુમ્બિક સ્થિતિ, એનો અન્ય સ્ત્રીઓ તરફનો વ્યવહાર, આ બધું તમે અક્ષરસ જાણો છો તો તમે એમ્પાવર્ડ મહીલા છો, જો આ એમ્પાવરને ન કેળવીને તમે સુંદરતા કે અન્ય સ્ત્રી આકર્ષણોને કેળવવામાં માનો છો તો માફ કરજો તમે એમ્પાવર્ડ નહિ પરંતુ મહામુર્ખ સ્ત્રી છો. તમે ગમે તેટલા રૂપાળા હશો પરંતુ તમારા પતિના સંયુક્ત કુટુંબમાંથી વિભક્ત થવાના દિવસો આવવાના જ છે અને આવશે ત્યારે તમને તમારી કુનેહ કામ લાગશે, સુંદરતા નહિ, ત્યારે તમેં જો તમારા પુરૂષને અસહાય અનુભવશો તો તમને આગળનો માર્ગ તમારી કુનેહ કાપી આપશે, સુંદરતા કે યુવાની નહિ. દરેક સ્ત્રીના જીવનમાં યૌવન એ એક શોર્ટટાઈમ પીરીયડ છે એને કાયમ ટકાવી રાખવા તમને કોઈ ક્રીમ કામ નહિ આવે પણ કામ આવશે તમે કેળવેલી કે અપનાવેલી કુનેહ.

    મારે આ તકે પુરૂષોને પણ એક વાત કહેવી છે, મોટાભાગે પુરૂષો એવું સામાન્ય નિવેદન આપતા રહેતા હોય છે કે બૈરાઓને શું ખબર પડે ? કેમ, લ્યા!! કાલ ઉઠીને તું તારા સંયુક્ત કુટુંબમાંથી વિભક્ત થઈશ અને ભગવાન ન કરે તું કદાચ મરી જઈશ તો તારા બૈરાને ખબર કોણ, પાડોશી આપવા આવશે? અને એને ખબર જ નોતી પડતી તો પરણ્યો શું લેવા ? અને પરણ્યો છો તો તને તારી ખબર છે કે આ ભીડભાડમાં ક્યા વાહનની હડફેટે ચડી જઈશ અને માર્યો જઈશ તો ? કહેવાનો મતલબ તમે જો એક સ્ત્રીને પરણ્યા છો, કોઈ કારણોસર કુટુંબમાંથી અલગ પણ થયા છો તો તમારી રજ રજની માહિતી તમારા બૈરા પાસે હોવી જ જોઈએ. જેથી કોઈ અનિચ્છનીય સ્થિતિમાં એ દર દરની ઠોકર ખાવા મજબુર ન બને, અને એવા પુરૂષની બધી વિગતની સહુથી વધુ ખબર એની પત્નીને હોવી જોઈએ, એ સ્ત્રી ખરી એમ્પાવર્ડ છે.

બેંકમાં એવા કેટલાય લોકર બંધ પડ્યા છે એ બેવકૂફીની બદોલત છે, જે પુરૂષો એમ કહેતા હોય કે બૈરાને ખબર ન પડે અને સંજોગોવશાત એ પુરૂષ આ દુનિયામાં ન હોય, લોકરમાં પૈસા અને દાગીના પડ્યા હોય, પણ એની ખબર બેખબર પત્નીને ન હોય એટલે એ દુઃખી હોય, આવા સંજોગોમાં તમને તમારી યુવાની કોઈ કામ નહિ આવે પણ જો મને ખબર પડે છે એમ કહીને તમને ખબર ન પડે એવું કહેતા પુરૂષોને કહી શકશો તો તમે એમ્પાવર્ડ વુમન છો. અન્યથા તમે તમારા પોતાના દુશ્મન છો એમાં કોઈ પુરૂષ કે સમાજને વાગોવવાથી નહિ ચાલે. લક્ષ્મીબાઈના પતિ યુદ્ધમાં માર્યા ગયા તો બાજુબંધમાં બાળકને બાંધીને યુદ્ધ લડી બતાવ્યું એટલે એ લક્ષ્મીબાઈ રાણી બન્યા, અન્યથા એના પતિને પણ રાણીવાસમાં અન્ય સુંદર પત્નીઓ હતી જ. કહેવાનું તાત્પર્ય એ છે કે તમે જાડા છો, પાતળા છો, વાળ કાળા નથી, સુંદર નથી કે ભરયુવાનીમાં યુવાન દેખાતા નથી, એ જેવા છો એ સારામાં સારા છો. જાડાઈ-પાતળાઈ, કાળા-ધોળા વાળ, સુંદરતા-કદરૂપતા એ બધું જ એક શોર્ટ-ટાઈમ છે. લાંબો સમય સાથ તો તમને માત્ર તમારી કુનેહાઈ જ આપી શકે. અરીસામાં પોતાને જોતી વખતે કોઈ સ્ત્રીના દેખાવને યાદ કરીને દુઃખી ન થાવ, પણ ખુદને જોઇને ખુશ થાવ એ જ તમારો એમ્પાવર્ડ છે.

ઘણા ઘર મેં એવા જોયા છે કે એ ઘરમાં બપોરે જમવામાં પુરૂષ હાજર ન હોય તો ગૃહિણીઓ શાક બનાવવાનું ટાળે છે, જુનું ઠંડુ ઠાન્ગ્રું જમી લે છે, શા માટે ભઈ ? અને આમ કરીને તમે શું સાબિત કરો છો? એ જ ને કે તમે તમારા પુરૂષની સંપતિ છો? તો તમે જાહેરાતોથી પ્રભાવિત તમારૂં જીવન જીવી રહ્યા છો જેમાં વિવાહ પહેલા મોરની જેવી સ્ત્રી, આજાદ પંખી જેવી સ્ત્રી, વિવાહ બાદ પતિની ગુલામ સ્ત્રી બની જાય છે. આવું જો તમે એમ્પાવર્ડ હોત તો ન કરેત. ગમે તેવો સારો નરસો સમય હોય, જેટલી સંભાળ તમે તમારા પતિ અને બાળકોની લો છો તેટલી જ સંભાળ તમારે તમારી પણ લેવાની છે. પરંતુ પોતે જ પોતાની દુશ્મન હોય તેવી સ્ત્રીઓ એની યુવાની અને સુંદરતાની સંભાળ માત્ર વિવાહ થાય ત્યાં સુધી જ રાખી શકે તેવી સ્ત્રીઓ પતિ અને બાળકો જેટલી પોતાની સંભાળ નહિ રાખી શકે. સુંદરતા અને યુવાની એ સ્ત્રી હોય કે પુરૂષ દરેકના જીવનમાં આવવાની અને જવાની છે, જયારે કૌટિલ્ય અને કુનેહ એ કાયમ રહી જવાની છે. મારા મતે આ ગુણ એ સ્ત્રીત્વ છે.