Translate

17 April 2020

ધરતીનો ભગવાન કોણ છે? ધરતીપુત્ર!!

દેશ અને દુનિયા ગમે તેટલી પ્રગતિ કરે અથવા દેશ કે દુનિયા જ્યારે જ્યારે કોઈ આપદામાં સપડાય જાય ત્યારે પ્રગતિની ધરી અને આપદામાં મદદની ધરી પર ધરતીપુત્રો એની વ્હારે આવી જ જાય, ખરા રાષ્ટ્રભકત જ ખેડૂત છે. અત્યારે કોરોના સંક્રમણનો હાહાકાર દુનિયા સહિત ભારતમાં પણ પગપેસારો કરી ગયો છે ત્યારે લોકોની અને મૂંગા પશુઓની વ્હારે ધરતીપુત્ર અગ્રિમ ક્રમે છે. એ ચાહેત તો ૪૦૦ ના મણ ઘઉંને બદલે એની કિંમત વધારે લઈ શક્યો હોત (અન્ય કાળાબજારીયાઓની જેમ) એમણે પણ કટોકટીના આ સમયે વધારે પૈસા લેવાનું ચાહ્યું હોત તેને બદલે ઓછા પૈસા લઈને અથવા તદ્દન મફત ઘઉં વિતરણ કરીને ધરતીપુત્રોએ એની રાષ્ટ્રભક્તિ બતાવી. કહો કે નિભાવી. પ્રત્યેક સરકાર પાસે કીસાન નીતીની સમીક્ષા કરતો રહેતો અને સતત કિસાનની ઉપેક્ષા સહન કરતો ખેડૂત બબ્બે, ત્રણ ત્રણ વર્ષ માઠા જાય તોય હિંમત નથી હારતો અને આપણે સામાન્ય જન આજે ૨૦ દિવસના લોકડાઉનમાં ગભરાઈ ગયા ? આપણાંમાંથી કેટલાક કાળાબજાર કરી કરીને ધરાયા ન હોય તેમ આ કીસાનને જ વધુ પૈસા આપીને માલ વહેંચીએ ? ટમેટાં કે ડુંગળીના ભાવ વધે તો કાગારોળ મચાવી દેતા આપણે ક્યારેય વિચાર્યું કે કોરોનાનો ડર ખેડૂતને લાગે છે કે નહીં ? શહેરમાં સરકાર સેનીટાઈઝેશન કરાવે છે એ ગામડામાં થતું હશે ? જગત પર જો કોઈ ઈશ્વરનું સાક્ષાત સ્વરૂપ હોય તો એ કીસાન જ છે. જગતમાં જો ઈશ્વરની કૃપા વહેતી હોય તો એ અબોલજીવની દયાને આભારી છે.

સરકારી મદદ વખતે પીએમ કેર ફંડ કે સીએમ રાહતફંડમાં ધારાસભ્યોએ પાંચ લાખ, સંસદસભ્યોએ દસ લાખ આપવાનું જાહેર કર્યું તો એ પણ એની ગ્રાન્ટમાંથી જ, જે પૈસા તો જનતાના ટેક્ષના જ પૈસા છે. અને એ આમ પણ સરકારની તીજોરીમા જ પડેલા છે ત્યારે પડેલા પૈસાનું દાન એ જરા વધારે પડતું નથી લાગતું એક મતદાર તરીકે આપણને ? કહેવાનું તાત્પર્ય એ છે કે આજે જયારે દુનિયા આખીમાં બીએમડબલ્યુ જેવી કારનું ઉત્પાદન કે ઓડી અથવા મારૂતિ કારના ઉત્પાદન ઠપ્પ છે પણ આપણા હજરાહજૂર દેવતા કિસાન એની ખેતીમાં વ્યસ્ત છે. લોકડાઉન પછી વૈશ્વિક મંદી આવશે અને ભારતમાં તો મંદી ૨૦૧૬ માં જ બેસી ગઈ છે. ત્યારે નાનામોટા બધાને આર્થિક સમસ્યાઓ મુંઝવશે, એ આર્થિક મંદી હોવા છતાં પણ આપણા દેશ સહીત દુનિયાએ "જાન હે તો જહાન હે" સુત્રને ચરિતાર્થ કરવા ઘરે બેસવાનું મુનાસીબ માન્યું, અને કોરોનાની ગંભીરતા જોતા એ જ ઉચીત છે એ પણ અમાન્ય નથી, આવનારા દિવસોમાં જો નીતી જ બનાવવી હોય તો બીજી બધી નીતિઓને સાઇડમાં ખસેડીને ખેડૂતો ખેતી વધુ સારી રીતે કેમ કરી શકે, એની ઉપજનું વળતર એ સારી રીતે કેમ લઇ શકે એ નીતિઓને સાકાર કરવાની જરૂર છે. 

ત્રીજી મેં એ લોકડાઉન પુરૂ થશે કે નહિ એ તો ખબર નથી પણ મેં મહિનાથી ખેડૂતોમાં વાવણીની ચિંતા બેસી જશે એ ખબર છે ત્યારે આ લોકડાઉનથી દુનિયા અને દેશના લોકોએ એક સબક લેવાની જરૂર છે કે પ્રગતિમાં અથવા મુસીબત સમયે મદદમાં ખડે પગે ઉભી જતો ખેડૂત દુઃખી થયો હશે તો જ આ કોરોના જેવી વૈશ્વિક બીમારી આપણને ઘરમાં પૂરી રાખે અન્યથા નહિ. આ સબક લઈશું તો જ ૨૦૨૦ નું આખું વર્ષ આપણે કિસાનોને આપવું જોઈએ અન્યથા જો કોરોના એનો પગ વધુ પેસારશે તો જેના નશીબમાં મૃત્યુ હશે એતો મરીને છૂટી જાશે પણ જીવશે એને તો માત્ર ખેડૂત જ જીવાડી શકશે આથી આપણા મતની સાથે સાથે સરકારને સીખ પણ આપીએ કે ખેડૂતો અવહેલ ન થાય, ખેડૂતો આત્મહત્યા ન કરે, ખેડૂતો નાસીપાસ ન થાય તેવી નીતિ બનાવે. ખેડૂત ખુશહાલ હશે તો જ દેશ કે દુનિયાની પ્રજા ખુશહાલ રહી શકશે અન્યથા નહિ.