Translate

16 May 2020

માણસ અને એનો દેહ


માણસનો દેહ એક જ હોવા છતાં એના પ્રકાર બે છે, એક નર દેહ બીજો માદા દેહ. પૌરાણિક માન્યતા અનુસાર અસંખ્ય ધર્મપ્રથા એવી છે જેમાં માદા દેહને અપવિત્ર, અમાન્ય અને અપ્રાસંગિક માનવામાં આવે છે. તાજ્જુબ એ છે કે નર અને માદા દેહના સવંનંનથી એક દેહ ઉત્પન્ન થાય છે, જેમાંથી કોઈ દેહ નર તો કોઈ દેહ માદા તરીકે જન્મે છે. ત્યારે માદા તરીકે જન્મેલ દેહ અપવિત્ર, અમાન્ય કે અપ્રાસંગિક કેવી રીતે ?

ત્યારે આ દેહશાસ્ત્રની ચર્ચા કે જે લુપ્ત છે તેને અલુપ્ત કરવી અનિવાર્ય છે. વિશ્વના અનેક નાનામોટા ધર્મો પૈકી લગભગ મુખ્ય ધર્મોમાં સ્ત્રીદેહ અમાન્ય છે, ભારતમાં જ વર્ષો અગાઉ બાળકીને દુધપીતી કરવાની પ્રથા પ્રચલિત હતી. જ્યારે કુદરતે સૃષ્ટિચક્ર ચલાવવા માટે સ્ત્રી અને પુરુષના દેહનું સુર્જન કર્યું ત્યારે તેમાંનો એક દેહ અસમાન શા માટે ? દેહ ભેદભાવ એ માત્ર માણસમાં જ નહીં પશુઓમાં પણ પ્રચલિત છે, પશુયોનીમાં માદાનું મહત્વ છે એટલું નર નું નથી, જ્યારે મનુષ્યયોનીમાં નર નું મહત્વ છે તેટલું માદા (નારી) નું નથી. આ અસહ્ય અસમાનતા આજે નહીં આદિકાળથી અવિરત છે. જેના ખંડન માટે આ લેખ પ્રસ્તુત કરી રહ્યો છું.

પુરુષ ગમે તેવો સામર્થ્યવાન હોય પરંતુ તે તેની અનુગામી પેઢીને નારીના સહયોગ અને સમર્પણ વિના આગળ જરાય વધારી શકતો નથી, ત્યારે નારીનું આ સમર્પણ અને ત્યાગ વંદનીય તથા પ્રશંસનીય ગણાવાને બદલે નારી સાથે અસમાનતા દાખવનાર પુરુષ પ્રધાન માનસિકતા અયોગ્ય છે. આદિકાળથી વાત શરૂ કરીએ તો ક્રમશઃ દરેક જીવ વિકાસ સાધતા રહ્યા છે, (હા, આ વિકાસ અથવા પરીવર્તન માત્ર શારીરીક જ બની રહ્યું, માનસીક વિકાસ આજે પણ અત્યંત ધીમી ગતિએ છે) માણસ, પશુ, પંખી, અન્ય જીવ આ બધામાં નર અને માદા એવી જોડી છે. નર નરથી કે માદા માદાથી સૃષ્ટિચક્ર ચલાવી ન શકે, પરંતુ નર અને માદા બંને મળીને આ ચક્ર ચલાવી શકે છે. વાત કરીએ મનુષ્ય યોનીની તો તેના ઉપર પ્રકૃતિના સંતુલનની બઉ મોટી જવાબદારી છે, પ્રકૃતિ અસંતુલિત થાય ત્યારે વ્યર્થ બાધાઓ તે ઉત્પન્ન કરે છે, જેમાં અકાળે વરસાદ, ભૂકંપ ઇત્યાદિ...

મનુષ્ય યોનીમાં સ્ત્રી અને પુરુષ સમાન હોવા છતાં, ઘણાં લોકોએ એની અસમાનતાને પ્રાધાન્ય આપ્યું છે, જેવું કે સ્ત્રીઓ રજસ્વલા થાય એટલે પુરુષ પ્રધાન માનસિકતા તેવી સ્ત્રીઓને અપવિત્ર ગણાવે છે, જ્યારે સ્ત્રીઓ માટે રજસ્વલા થવાના બે મોટા ઉપકારીક કારણો છે એક તે પ્રક્રીયાથી સૃષ્ટિનું પ્રજનન તંત્ર ગતી પામે છે અને બીજું તે પ્રક્રીયા સ્ત્રીઓ માટે દર્દીલી પ્રક્રીયા છે, અહી એક વિચારવા યોગ્ય પ્રશ્ન મુકું છું કે સ્ત્રી અને પુરુષના દેહમાં અસંખ્ય ભિન્નતા છે છતાં એક અંગ બંને દેહમાં એવું કોમન છે, તે કયુ ? હૃદય, દિલ આ અંગ પુરૂષ અને સ્ત્રી બંનેમાં સમાન અંગ છે. એક્ચુલી સ્ત્રી અને પુરૂષ અથવા નર અને માદા એ બંનેને અલગ અલગ દેહ આપવા પાછળ કુદરતનો હેતુ એક જ છે, સૃષ્ટિનું સંતુલન અને આ સંતુલન ત્યારે બગડે છે જયારે સ્ત્રી સમૂહ પર પુરૂષ કે પુરૂષ સમૂહ પર સ્ત્રી હાવી થઇ જાય, એટલે જ બંનેના સહયોગ સાથે માત્ર પ્રજનન જોડીને બાકીનું બધું સંતુલિત ચાલે તેવું પ્રયોજન કુદરતનું હશે. જયારે આજે આ અસમાનતા એ કુદરતની પ્રક્રીયામાં માણસનો હસ્તક્ષેપ છે અને એટલે જ અનેક બાધાઓ પ્રકૃતિ દ્વારા આજે વ્યાપક બની છે, જેમ કે અકલ્પનીય બીમારીઓ ઈત્યાદી. 

દુનિયાના તમામ વ્યક્તિઓએ આમાં બોધપાઠ લેવો જોઈએ કે સ્ત્રી અને પુરૂષ તથા નર અને માદા એ સમાન છે, તેમાં અસમાનતા દાખવવી એ માણસની સરાસર ભૂલ છે. આમ પ્રવતમાન સંજોગોમાં માત્ર પ્રકૃતિજન્ય સમસ્યાઓ જ નથી, મનુષ્યજન્ય સમસ્યાઓ પણ એટલી જ વ્યાપક બની રહી છે, જેમ કે જાતીભેદભાવ, અસમાનતા ઈત્યાદી, દુનિયાના તમામ ધર્મના આકાઓ અલગ અલગ ઓળખાતા ભલે હોય પરંતુ કુદરત એ સમાન છે, એને અલગ અલગ ઓળખતા હોવ ભલે પરંતુ તેમાં કોઈ ભેદભાવને સ્થાન નથી, ત્યારે રજસ્વલા મહિલાઓ અપવિત્ર જેવા વિચારો અયોગ્ય છે, ઉલટું આ સમયગાળો તેને અસહ્ય હોય તેમાં સહાયતા કરવી જોઈએ, હું તો ત્યાં સુધી કહીશ કે જેમ દુનિયામાં તમામ જગ્યાએ સરકારોમાં નોકરી કરતી મહિલાઓને મેટરનીટી લીવ મળે છે તેમ ઋતુચક્રમાં મહિલાઓને રજા ભલે અનિવાર્ય ન બને પરંતુ એ સમયગાળામાં કામનો બોજ હળવો કરીને તેને સમાન હોવાનો અહેસાસ જરૂર કરાવી શકાય.

સ્ત્રી અને પુરૂષ એકબીજાના પુરક છે, બેમાંથી એકેય સુપીરીયર નહિ, ઈશ્વરે એટલે જ બે વ્યક્તિ (બે શરીર) બનાવ્યા, અન્યથા એ એક જ દેહમાં બધું ફીટ કરી શક્યો હોત, જે એક જ દેહ સુર્જન પણ કરે અને મહેનત પણ કરે પરંતુ એણે બે એવા શરીર બનાવ્યા જે એકબીજાની ખામી પૂરી શકે. એણે બેમાંથી કોઈ એકને બેસ્ટ નથી બનાવ્યા, કારણ કે જો એ તેમ કરે તો એક વ્યક્તિ બીજા વિજાતીય વ્યક્તિ ઉપર પોતાનું આધિપત્ય સ્થાપિત કરે, ને જો તેણે એમ કર્યું હોત તો શ્રુષ્ટિનું સંતુલન વિખાય જાય, એ સંતુલન રાખવા જ એણે બે દેહ અલગ અલગ બનાવ્યા. કોઈ એ વિચારતું નથી કે બે અલગ શરીર, બે અલગ મગજ અને અલગ આવડત વાળી વ્યક્તિને હૃદય કેમ એક સરખું આપ્યું ? પુરુષમાં જે ખામી છે એ સ્ત્રી પૂરી શકે અને સ્ત્રીમાં જે ખામી છે એ પુરૂષ પૂરી શકે, આમ બે અલગ અલગ શરીર ભેગા થાય તો જ કમ્પ્લીટ થઇ શકે, અલગ અલગ બેય દેહ ન તો સુપેરીયર છે ન બેસ્ટ. પરંતુ ક્યારેક સ્ત્રીઓ પુરૂષો પર હાવી થવાની કોશીશ કરે છે તો ક્યારેક પુરૂષો સ્ત્રીઓ પર હાવી થવાની કોશીશ કરે છે. એનાથી સૃષ્ટિનું સંતુલન બગડ્યું છે. કારણ કે બેમાંથી એક પલડું ઉપર નીચે રહે છે, જે સ્થિર નથી રહેતું. 

આ કોરોના, ભૂકંપ, સુનામી એ કુદરતી સંકેત છે કે આપણે કુદરતના મેનેજમેન્ટમાં ખામી સર્જી રહ્યા છીએ, ને એની સુંદર સૃષ્ટિનું સંતુલન વીખી રહ્યા છીએ. સ્વર્ગ એ માણસની કલ્પના છે જો આ સંતુલન સાધી લેવામાં આવે તો ધરતી એ જ સ્વર્ગ છે, ન કોઈ એકબીજાથી ચડીયાતું છે ન કોઈ એકબીજાથી ઉતરતું. જેની જે આવડત છે એ એનું બેસ્ટ આપે. કેટલીક આવડતો ઈશ્વરે માણસને ભેટ આપી છે, કેટલીક માણસોએ જાતે વિકસાવી છે, અને આજની વાસ્તવિકતા છે કે ઉપયોગ બંનેનો ગલત થઇ રહ્યો છે. એનો સાચો ઉપયોગ જો આવડી જાય તો કુદરત પણ રાજી અને આપણે પણ રાજી.
અસ્તુ !!