Translate

18 February 2020

રોજગારીના નામે બેરોજગારી પેદા કરતા રાજકીય મોડલ

સત્તા અને વિપક્ષ બંને પાસે છે ગજબની મહારત

         પેપર લીક શું છે ?
પરીક્ષાઓ પૂરી થઇ ગઈ હોય તો તેવા પરીક્ષાર્થીઓને ૨ જેટલા વર્ષથી 
જે તે જગ્યા પર નિયુક્ત કરવામાં નથી આવતા ?

        વિશ્વના બેરોજગારોની સૂચિમાં પ્રથમ નંબરે આવતા ભારતમાં આઝાદી પહેલાથી રોજગારી ઉત્પન્ન કરવાના ઓઠા હેઠળ બેરોજગારી વધારવાનું ષડ્યંત્ર વિશ્વના મુકાબલે માત્ર ભારતમાં જ ચાલી શકે છે, સત્તા ઉપર કોઈ પણ પક્ષ હોય એ સત્તા બહારના નેતાઓની મદદથી રોજગારીના નામે બેરોજગારીનું મોડલ લાગુ કરવામાં સફળ રહેતા આવ્યા છે.

         આગળ વધીએ એ પહેલા બે રેફરન્સ સાથે લઇ જઈએ (૧) સરકારી આંકડા મુજબ કેન્દ્ર સરકારમાં ૪ લાખથી વધુ  કેટલાય પદ ખાલી છે જેની ભરતી હજુ સુધી થઇ નથી (આ આંકડામાં દરેક રાજ્યનો આંકડો જોડવામાં આવે  તો આંકડો દસ ગણો કે તેથી વધુ જોવા મળશે) રેફરન્સ (૨) કેન્દ્ર સરકારની કોઈ સરકારી ભરતી ૪ વર્ષથી થઇ જ નથી અને ૧૬ રાજ્યો તો એવા છે જેમાં પાછલા સાત વર્ષથી કોઈ સરકારી ભરતી કરવામાં નથી આવી, અહી આ વાક્યને ફરીથી એમ પણ વાંચીએ તો ભરતી કરવા માટે ઈન્ટરવ્યું અને એની તારીખો જાહેર કરવામાં આવે છે પ્રાથમીક પરીક્ષાઓ પણ લેવડાવવામાં આવે છે પરંતુ નોકરી આપવામાં આવતી નથી.

નાગરીકોની અર્થવ્યવસ્થાને સખત હાની પહોચાડતા આવા મોડલો સફળ પણ એટલા માટે થાય છે કે મોડલનો મોટો હીસ્સો બેરોજગારોને રોજગાર મળશેની લાલસા આ મોડલને ચાંદીના ચળકાટની જેમ ચમક દમક આપે છે. આ મોડલને સમજ્યા પહેલા આ મોડલ માટે કોઈ અભિપ્રાય બાંધવો એ આડકતરી રીતે મોડલને સહયોગ કરવા બરાબર છે. તેથી મોડલને લેખથી પણ વધુ સમજવા પ્રયાસ કરીએ તો તત્કાલીન એનડીએની અટલ નેતૃત્વ વાળી સરકારમાં આ મોડલને સરેઆમ વ્યાપારીક વસ્ત્રો પહેરાવી દેવામાં આવ્યા અને બેરોજગારને રોજગાર આપતા સરકારી વિભાગોમાં રોજગારીનું વ્યાપારીકરણ દાખલ થયું જેમ કે ભારતની અર્થવ્યવસ્થાને નોકરશાહોના પગાર ભથ્થાનો તોતીંગ ખર્ચ થાય છે જેને પહોચી વળવા VRS પ્રોગ્રામ દાખલ કરવામાં આવ્યો અને આ પ્રોગ્રામને બધી જ સરકારે વધુને વધુ પ્રોત્સાહન આપ્યું, આ ખાલી પડતી જગ્યાઓ ઉપર ફીક્સ પગારથી જગ્યાઓ ભરપાઈ કરીને દેશનું મોટું નાણું બચાવવાનો રાષ્ટ્રીય સંદેશ પ્રસરાવવામાં આવ્યો. વાસ્તવમાં તો ભારતના બંને ગૃહો પ્રતિ એક મીનીટ ૧૨ કરોડ જેટલા રૂપિયાના ખર્ચ બાદ એક એક મીનીટ ચાલે છે (જોવા જઈએ તો ગૃહોમાં મહત્વપૂર્ણ કામ ઓછા અને રાજકીય કોષના નાણાંનો વેડફાટ વધુ થાય છે) આ રકમ નાણાંકીય વેડફાટને બદલે બચતની સૂચિમાં કદાચ આવે છે એટલે આના પર ન ક્યારેય સરકારે વિચાર કર્યો ન જનતાએ.

            વીઆરએસ પ્રોગ્રામ બાદ જેટલી જગ્યાઓ ભરવામાં આવી તેમાં રોજગારનું મુલ્ય ઓછું અને સરકારી આવકનું મુલ્ય વધારે થઇ ગયું, જેમ કે કોઈ એક સરકારી વિભાગમાં ૨૦૦૦ જગ્યા ભરવાની હોય તો જે તે વિભાગ એની જાહેરાત કરે છે, બેરોજગારો આ રોજગાર મેળવવા ફોર્મ ખરીદે છે આવા લગભગ ફોર્મની કીમત ૫૦૦ કે ૧૦૦૦ જેટલી મુક્કરર કરવામાં આવી હોય છે, જેની પાછળ સરકારી લોજીક એ છે કે ફોર્મની કીમત રાખવાથી જરૂરીયાત મંદ સિવાય કોઈ આ ભરતી પ્રક્રીયામાં ભાગ ન લે, જયારે સામાન્ય લોજીક જ એ છે કે જે વિભાગમાં જે જગ્યાની ભરતી થવાની હોય તે જગ્યા માટેની એક ગાઈડલાઈન્સ હોય છે જેમ કે શૈક્ષણિક લાયકાત, શારીરીક, માનસીક લાયકાત વગેરે. જો કે સરકારી આ લોજીકને સ્વીકારીને પણ બેરોજગારો મોટી સંખ્યામાં સરકારી ભરતી પ્રક્રીયામાં ભાગ લે છે.

         આવી મોટી સંખ્યા ક્યારેક ક્યારેક તો એટલી બધી મોટી હોય છે કે જેટલી ખાલી જગ્યા ભરવાની હોય તેનાથી ૨૦૦૦ કે તેથી વધુ ગણી આવી જગ્યા પર આવેદકોના (ફોર્મ ખરીદીને) આવેદન આવી ગયા હોય છે. ઉદાહરણ સમજીએ તો ૨ હજાર જગ્યા ભરવા ૨ કરોડ લોકોના આવેદનો આવ્યા હોય તો ફોર્મની આવક કેટલી થઇ. આ મોડલ ખેલ આગળ કેમ વધે છે ? આ ઉદાહરણમાં જ જોઈએ તો આવેદકોના ફોર્મ આવી ગયા બાદ જે તે વિભાગ આવા આવેદનના મેરીટ તૈયાર કરે છે અને તેમાં મોટાભાગના ફોર્મ મેરીટના આધારે નામંજૂર કરી દેવામાં આવે છે (જો કે નામંજૂર થયેલા આવેદકોને તેમણે ભરેલી ફોર્મ ફી પરત કરવામાં આવી હોય તેવા દાખલા નથી) આમ મેરીટમાં પાસ થયેલા આવેદકોને પરીક્ષા આપવા કોલલેટર મોકલવામાં આવે છે તથા વધુ અન્ય ફી વગેરે ચાર્જ  કરીને પરીક્ષાઓની તારીખ જાહેર કરવામાં આવે છે (જે તે જગ્યાઓ ભરવા સમય વિતાવવો એ આ મોડલનો એક મહત્વનો ભાગ છે) આખરે પરીક્ષાની તારીખ નજીક આવે છે અને પરીક્ષા શરૂ થવાના ચંદ કલાકો પહેલા પેપરલીકની ઘટના સામે આવે છે, વિભાગ અને પરીક્ષાર્થીઓમાં હોબાળો થાય છે અને આપણી માઈબાપ સરકાર ભરતી પ્રક્રીયા ફરીથી કરવા અથવા નવી પરીક્ષા લેવા જેવા આદેશ જારી કરે છે. (ભારતના દરેક રાજ્યમાં આ મોડલ જોરશોરથી અને સરકારને તગડી કમાણી કરાવીને બેરોકટોક ચાલે છે, ક્યારેય કોઈ રાજ્યમાં પેપરલીક સાથે જોડાયેલા તત્વો પર કોઈ કાર્યવાહી થઇ નથી કે સરકારોએ પણ આવી ગંભીર ભૂલોની ઊંડી તપાસ કરાવતા હોય તેવું લોકોને દેખાતું નથી. સમુચા ભારતમાં શિક્ષકો, તલાટી, ગ્રામસેવક, પોલીસ જવાન જેવી ભરતી પ્રક્રીયા મોટાભાગના રાજ્યોમાં દાગદાર બનીને મોડલની સફળતાના પાયા નાખી રહી છે.

         આ ઉપરાંત કેન્દ્ર સરકારની ભરતી પ્રક્રીયા જેમ કે રેલ્વે, ટેલીકોમ જેવા કેટલાય વિભાગ છે જેની ભરતી પ્રક્રીયાને દાગ લાગ્યો છે અને આવા દાગોની ન તો કોઈ ચર્ચા છે, ન તપાસ, ન પરીણામ, બસ અવિરતપણે આ મોડલ હેઠળ સરકાર જે-તે વિભાગની ખાલી જગ્યાઓની યાદી બહાર પાડે છે, ફોર્મ બહાર પાડે છે,  મેરીટ લીસ્ટ બને છે, પરીક્ષાઓ અને પેપરલીકની ઘટનાઓ બંને છે અને પરીણામે બેરોજગારીનો અજગર રોજગારને ભરડો લઈ લે છે, તાજેતરમાં જ એક ઘટના સામે આવી છે કે BSNL માં ૭૮ હજાર કર્મચારીઓ એવા છે જેઓએ VRS હેઠળ સ્વૈચ્છિક નિવૃત્તિ લઇ લીધી છે પરંતુ તેને વીઆરએસ હેઠળ મળવાપાત્ર રકમની ચુકવણી કોઈ કારણોસર સરકાર તરફથી હજુ સુધી  થઇ નથી.

     રોજગાર આપવાના ઓઠા હેઠળ બેરોજગારીનું સર્જન કરતા પ્રત્યેક રાજકીય મોડલો સત્તાપક્ષ અને વિપક્ષ બંનેના મેળાપીપણા હેઠળ થાય છે એવી લોકવાયકા છે અને જાણકારીના જેઓ ઊંડા અભ્યાસુ છે તેની પાસે થી મળતી માહિતી મુજબ આ મોડલથી લોકોને રોજગાર ઓછો અને સરકારને આવક વધુ અપાવતો એક આસાન રસ્તો છે. જે બેરોકટોક અને તીવ્ર ગતિથી નીરંતર ચાલી રહ્યો છે.- ભાર્ગવ જોશી