Translate

08 July 2020

પશ્ચિમી સંસ્કૃતિ અને ભારતના કલ્ચરનું મિશ્રણ ભારતની મહીલાઓ માટે વરદાન કે અભિશાપ



ભારતના ગામડાઓનું શહેરીકરણ ધંધા રોજગાર માટે નિષ્ફળ નીવડી રહ્યું છે સાથે સાથે ભારતના અર્થતંત્રમાં જેનું સીધું અને આડકતરું એવું બેવડું યોગદાન છે તેવા કૃષિક્ષેત્રને પણ નિષ્ફળ બનાવી રહ્યું છે ત્યારે ભારતમાં એનો સીધો પ્રભાવ પુરૂષ વર્ગ પર પડ્યો છે બીજી બાજુ ભારતની મહીલા આજે સ્ત્રી સ્વાતંત્ર્ય હેઠળ બેવડી સંસ્કૃતિ હેઠળ જીવન ગુજારી રહી છે. ત્યારે કેટલાક કથાકારો કે સ્ટેજ પ્રોગ્રામર પણ પુરૂષોની સરખામણીએ સ્ત્રીઓને વધુ વખોડે છે, સાથે સાથે સોશીયલ મિડીયાનો પ્રભાવ પણ દરેક ઉપર જબરું પ્રભુત્વ ધરાવતું હોય, સ્ત્રી પુરૂષ વચ્ચે શાબ્દીક લડાઈ પણ આજે જગજાહેર છે, શું સ્માર્ટ ફોન માણસને આબાદ કરી રહ્યા છે કે બરબાદ એ સવાલ આજે દરેકના મનમાં નહી ઉઠતો હોય ? એક પત્રકાર તરીકે વુમન એમ્પાવર એ મારો સબ્જેક્ટ રહ્યો છે અને એ નાતે મેં અનેક સામાન્ય કે જગવિખ્યાત મહીલાઓનો જે અભ્યાસ કર્યો છે તેમાં સ્ત્રીની જરૂરીયાત પુરૂષ હોવા છતાં મારા અભ્યાસ પ્રમાણે આજની નારી સહુથી વધુ નારાજગી પુરૂષોથી ધરાવે છે, પુરૂષો પણ સ્ત્રીઓના મુદ્દે વધુ પડતા સંવેદનશીલ બનતા જાય છે.

દામ્પત્યજીવનમાં ભાગ્યે જ કોઈ દંપતી એવું હશે કે એની વચ્ચે દૈનિક ગજગ્રાહ ન થતો હોય, આજના યુગની માણસની રહેણીકરણી પણ એક સંકુચીત આવાસ (ટૂંકું ઘર) માં હોય છે, ઉપરથી કોરોના મહામારીમાં બાળકોનું સ્કુલ ગમન ન થતું હોવાથી આજે પ્રત્યેક ઘરમાં અકળામણ વધી રહી છે, ત્યારે આ સવેદનશીલ સમયમાં આર્થિક રીતે, માનસીક રીતે અને શારીરીક રીતે અનેક યુગલો પહેલાના પ્રમાણમાં આજે વધુ ખંડીત થઇ રહ્યા છે, અત્યારે વીસથી ચાલીસની ઉમર ધરાવતા યુગલોમાં કોરોના મહામારીથી ઉદ્ભવેલી પરિસ્થિતિનું આ પ્રમાણ વધુ જોવા મળી રહ્યું છે. દંપતીનું મૂલ્યાંકન કરીએ તો એકલા પુરૂષ કે એકલી સ્ત્રીઓને જવાબદાર ન ઠેરવી શકાય, પરંતુ કહેવાય છે ને કે ઘર એ ધરતીનો છેડો કહેવાય, આ ઘરની માલકણ મહીલા છે અને પુરુષનો એમાં ચંચુપાત એ વ્યાજબી પણ નથી, પરંતુ આ તો વાત થઇ હાઉસવાઈફની, જયારે નોકરી કે બીઝનેશ સાથે જોડાયેલી મહીલા હાઉસ વાઈફ ઉપરાંત ઘરની આજીવીકા પણ રળે છે ત્યારે આવા ઘરમાં પુરુષનો ચંચુપાત તુરંત ભયંકર રૂપ ધારણ કરી લે છે અને વાત વિખુટા પડવા સુધી પહોંચી જાય અને પહેલાના સમય કરતા અત્યારના સમયમાં વિખુટા પડવા માટે જે ઝડપ પ્રચલિત થઇ છે એણે તો દામ્પત્યજીવનની આખી નીવ હલાવી દીધી છે. દામ્પત્યજીવનમાં પરસ્પરના ભરોસાને આ ઘટનાએ હલબલાવી નાંખ્યો છે, ત્યારે વાંક કોનો ? આવી મહીલાઓના ઉછેરનો ? પુરુષોના ચંચુપાતનો? પશ્ચિમી સંસ્કૃતિ કે ભારતીય કલ્ચરનો ? સ્ત્રીઓનો ? કે પુરુષોનો ? કે વાલીઓનો ? આ જટીલ વિષય છે અને એટલો બધો જટીલ છે કે ભારતમાં દામ્પત્ય જીવન માટે મુક્કરર કરવામાં આવેલી લગ્નપ્રથા પર આની અસર પડશે કે પડી રહી છે.

કેમ આજની મહીલા ઘરને સ્વર્ગ બનાવવાને બદલે આઝાદીના ઓઠા હેઠળ એકલવાયું જીવન વધુ પસંદ કરે છે? સામે પક્ષે પુરૂષો સ્ત્રીઓને ઘરની મલ્લીકા બનવા દેવાને બદલે પોતે દામ્પત્ય ખંડીત કરીને ઘરના અને આજીવીકાના બેવડા મારને પહોંચી વળવા ગુલામ જેવું જીવન સહર્ષ સ્વીકારી લે છે ? જૂની એક કહેવત છે કે પતિને બાદશાહ બનાવીને ખુદ બેગમ જેવું જીવન જીવાય, જો પતિને નોકર બનાવશો તો જાહીજ છે કે પત્ની પણ નોકરાણી જ બની રહેશે, જેને બદલે આજની સ્ત્રીઓમાં એક ચલણ વ્યાપક બન્યું છે કે પતિ છૂટતો હોય તો ભલે છૂટે પણ એ એની મહારાણી જેવા જીવનને જીવવાની ચાહ ને ખુદ આજીવીકા રળી લઈને તે સાર્થક કરશે. બીજી તરફ પુરૂષો પણ પત્નીને ઘરની મહારાણી બનાવીને પોતે બાદશાહત કાયમ કરે એને બદલે પત્ની છૂટતી હોય તો ભલે અને ઘરના નોકર બનીને જીવવું પડે તો પણ ભલે પણ પત્ની સાથે ન રહેવાને એનું શાણપણ માને છે, મેં આગળ કહ્યું એમ આ વિષય જટીલ છે અને વાંક કોનો એ શોધવાને બદલે ઉપચાર શું એ શોધવું જોઈએ. એને બદલે આજની પેઢી શોર્ટકટ એ અપનાવે છે કે ચલો છૂટાછેડા, (ભલું થયું ભાંગી જંજાળ હવે સુખેથી ભજશું શ્રી ગોપાળ) છુટાછેડા એ દામ્પત્યજીવનના પ્રયોગ નથી કે માણસ એને અપનાવે કે વારંવાર દોહરાવે, દામ્પ્ત્યતા એ છે કે જેમાં છૂટાછેડા એક હેલ્પલાઇન છે પણ એ હેલ્પલાઇનનો ખર્ચ કર્યા વિના બંનેએ દામ્પત્યજીવનને સાર્થક કરી બતાવવાનું હોય છે ? છુટાછેડા એ કોઈ ઉપાય નથી, ખબર નહી લોકો એને એક સારો ઉપાય કેમ માને છે ? આજના મોંઘવારી યુગમાં શક્ય છે કે પુરૂષ અને મહીલા બંને આજીવીકા કમાતા હોય, પણ માણસ પૈસા કમાય છે શા માટે? આખરે તો એ એક સારી પત્ની કે પતિ, બાળકો અને સુવિધા માટે જ ને ? શું આજની યુવા પેઢી એમ માને છે કે દામ્પત્યતા એ મુક્ત સેક્સનો એક પર્યાય છે ? અને સેક્સ ભર માટે જો વિવાહ જરૂરી હોય તો એ તો એકલતામાં પણ સરળતાથી મળી રહેશે તો લગ્ન બંધન કે દામ્પત્ય જીવનની જવાબદારી શા માટે ઉઠાવવી ? આજનો યુગ વૈજ્ઞાનિક યુગ હોય તો પણ સ્ત્રીનો વિકલ્પ પુરૂષ  જ છે અને પુરુષનો વિકલ્પ સ્ત્રી જ છે આમાં કોઈ અન્ય વિકલ્પ શોધાયો નથી કે ક્યારેય શોધાશે નહી, હા આ વિકલ્પને સાર્થક ન કરી શકતા કમજોર અને કાયર લોકોએ ઉપાય છૂટાછેડા અપનાવી લીધો.

એકલવાયું જીવન તો પશુ પણ નથી જીવી શકતા તો માણસ થોડો એકલવાયું જીવન જીવી શકે ? પરંતુ એક્ચુલી તો આજનું દંપતી કે એનું કોઈ એક પાત્ર જવાબદારી ઉઠાવવા નથી માંગતા, બાકી ખંડીત થયા પછી શું એ સેક્સને જતો કરે છે ? ખંડીત થયા પછી એ એનું ઘર નથી વસાવતા ? રહેવું, સુવું, ખાવું, પહેરવું, સેક્સ એ માણસ એકલો હોય અને જોડીમાં હોય તેમાં જમીન આસમાનનો ફરક પડે છે. કશું  ટાળી નથી શકાતું, બધું  મને કમને અપનાવવું અને સ્વીકારવું પડે છે ત્યારે ઈશ્વર જો તમને જોડી બનવાનો અવસર આપીને જોડી આપતો હોય તો વિખુટા રહીને તમે સાબિત શું કરો છો ? મનમાની કે સ્વાતંત્રતા ? વિવાહ એ એક એવી વ્યવસ્થા છે એ માણસની બેઝીક જરૂરીયાતો પૂરી કરે છે, વિવાહ એક એવી વ્યવસ્થા છે જે માણસને સોસાયટી જીવનની સમજ પૂરી પાડે છે ત્યારે સ્ત્રી હોય કે પુરૂષ એ એકલો રહીને પણ કોઈ મોટી શાંતિ નથી મેળવતો ત્યારે યુગલના કોલાહલનો વિકલ્પ છૂટાછેડા નથી, એક બીજાને સમજવાનો આ આહલાદક અવસર છે. હારો, થાકો કે કંટાળો તો પણ જે મજા દામ્પ્ત્યતાની છે એ મજા એકલતાની જરાય નથી. દામ્પત્યજીવન જેનું સફળ રહ્યું છે એમાં પણ કોઈ રોકેટ સાયન્સ નથી અને દામ્પત્યજીવન જેનું ખંડીત થયું છે તેમાં પણ કોઈ રોકેટ સાયન્સ છે નહિ. છુટાછેડા બાદ જો પાત્રો સચવાય નહી તો એ સમાજ અને સોસાયટીનું એક બૌ મોટું દુષણ બની જાય છે. મારો કહેવાનો આશય એ નથી કે ભારતીય વિવાહ પધ્ધતિ વીના જીવતા સ્ત્રી કે પુરૂષ એ સ્ત્રી કે પુરૂષ નથી, પરંતુ એ સમાજના એ બહીસ્કૃત લોકો છે જે સમાજને બળવતર બનાવી નથી શકતા, દંપતીમાંથી ખંડીત થઇ જનાર પાત્ર કોઈ હીમાલયમાં સાધના કરવા નથી જતા કે ન એ સમાજની બીજી વ્યવસ્થામાંથી પોતાને ખસેડી લે છે. એ એકલતામાં એ રીતે રીબાય છે કે નથી કોઈને કહી શકતા કે નથી એ સ્થિતિને સહી શકતા.

ઈશ્વર તમને જોડવા માંગે છે ત્યારે ખુદને અને ખુદના પાર્ટનરને તોડવાની જહોજદ્દ કરવાને બદલે જોડવાના અવસર ઉત્પન્ન કરવા જોઈએ અને જે તે સમાજના લોકોએ પણ સમયાંતરે સમાજ પર નજર દોડાવતા રહેવું જોઈએ કે એના સમાજમાં કોઈ એકલતાથી પીડાઈ તો નથી રહ્યું ને ? મહામારી ના આ સમયમાં કદાચ પ્રકૃતિ દરેક માણસને આ બોધપાઠ આપી રહી છે કે જે કરો એ ખુલ્લેઆમ કરો, ચાહે નુકશાન કે ફાયદો એ વ્યક્તીગત બાબત છે પણ સમાજ અને સોસાયટી લાઈફ એ માણસની લાઈફ છે, જો પશુ પણ ઝુંડમાં રહેવાનું યોગ્ય માનતા હોય તો તમે અને હું તો માણસ છીએ યાર... પાર્ટનર સાથે હળીમળીને રહો, ગમો અણગમો એ માનસીક પ્રક્રીયા છે અને જો એ વાંરવાર થતું હોય તો એનો ઉપાય મુક્ત ચર્ચા છે, છૂટાછેડા નહી. સદનશીબે મને તો બે પત્નીઓનું સુખ હાંસીલ છે તમે બે ના કરો કદાચ પણ એક છે તેની સાથે કેમ જીવો કે કેમ જીવી શકાય એ તો વિચારો ?


01 July 2020

અધીકાર



પ્રાચીન યુગ અને આદિકાળથી પ્રચલિત આ શબ્દ અજીબ અલંકાર છે. જો કે આ માત્ર શબ્દ કે અલંકાર ન હોતા અધિકાર એ એક વ્યવસ્થા છે. વ્યવસ્થામાં અધિકાર એકલો ન હોતા તેમાં કર્તવ્ય, ફરજ પણ સાથે છે અને એની અજીબીયત એ છે કે કર્તવ્ય એટલે કે ફરજ વ્યવસ્થામાં હોવા છતાં એ આદિકાળથી માત્ર એક શબ્દ બની રહ્યો છે.

અધિકારની જેટલી માત્રાનો માણસને કે અન્ય કોઈ પણ જીવને ખપ પડે તેણે વળતરમાં કર્તવ્ય બજાવવું પડે છે, જગતમાં મેં અનેક એવા કર્તવ્યનિષ્ઠ જોયા છે જેમણે અધિકાર ન ભોગવી ને કે અધિકારની ખપ ન રાખીને કર્તવ્ય આપ્યું છે. આજના સમયમાં અધિકારની સમજ ધરાવતા લોકો એના એકમાં ભાગની કર્તવ્યતા પણ જાણતા કે નિભાવતા નથી. અધિકાર દરેક પ્રાણીના અબાધિત છે અને કર્તવ્ય મરજીયાત છે, જો કે કર્તવ્ય વિનાનો અધિકાર કોઈને પચતો નથી તો પણ માણસ સ્વેચ્છાએ જેટલું મહત્વ અધિકારને આપે તેટલું ફરજને આપતો નથી, અધિકાર અને ફરજ એ એક ત્રાજવાના બે પલ્લા છે અથવા કહો કે એક નદીના બે કિનારા છે. એક ઉદાહરણ લઈએ તો એક ઘરમાં પિતા અથવા માતા (જે આજીવીકા રળતા હોય તે) ઉપરાંત એ ઘરમાં બાળકો અથવા સ્વજનો ઈત્યાદી રહેતા હોય છે, એ ઘરમાં અધિકાર બધાના સમાન હોય તો પણ ફરજ આજીવીકા રળતા વ્યક્તિને ભાગે વધુ આવે છે અને અધિકાર તેના ભાગે ઓછો આવે છે, જેમ કે એ ઘરમાં એક ટેલીવિઝન હોય તો બધાના ભાગે એક જ ચેનલ નથી હોતી, અધિકાર વશ અન્ય સદસ્યો વિવિધ ચેનલ નિહાળતા હોય છે પરંતુ આમાં જો ફરજ જોડી દેવામાં આવે તો એ ટેલીવિઝન નિહાળવાના સમયના સરખા ભાગ પડે અને એ અનુસાર દરેક સદસ્ય એના ભાગે આવતા સમયમાં ટેલીવિઝન નિહાળે પરંતુ એ જ ઘરમાં જો કોઈ સદસ્ય એવા હોય જે અન્યના ભાગનું ટીવી પણ પોતે જુએ અને એ પણ એને માફક આવતી ચેનલ મુજબ તો એ સદસ્યએ બીજાના અધિકાર ઉપર તરાપ મારી કહેવાય એટલું જ નહિ એનું નુકશાન જેનો અધિકાર છીનવાય તેને જાય છે એટલું જ નુકશાન એ ઘરમાં ફરજ નિભાવતા વ્યક્તિને પણ જાય છે.

પરંતુ જો આ વ્યવસ્થામાં અધિકાર અને ફરજ સમાન હોય તો ? વર્ષો પહેલા જગતના મોટા ભાગના દેશો અંગ્રેજી હુકુમતને તાબે હતા, અને ધીરે ધીરે એમાંથી બધા દેશોએ આઝાદી મેળવી અને એ દેશ આગળ નીકળી ગયા જે દેશમાં અધિકાર અને ફરજ સમાન હતા અને એ દેશ પાછળ રહી ગયા જેમાં ફરજથી વધુ મહત્વ અધિકારને આપ્યું હોય.

એક મહોલ્લામાં આપણે રહેતા હોય તો એ મહોલ્લાની લગભગ વસ્તુઓ પર રહેવાસીઓનો સમાન અધિકાર હોય છે, પરંતુ આવા મહોલ્લામાં કોઈએ દબાણ કર્યું હોય, કોઈએ પોતાના નિયમો થોપી બેસાડ્યા હોય તો એ અન્ય લોકોના આધિકાર પર તરાપ કહેવાય પરંતુ આમ કેમ બન્યું ? એ જો તપાસવામાં આવે તો કોઈએ અધિકાર પર તરાપ મારી એ પહેલા એ મહોલ્લામાં ફરજ અને કર્તવ્યના નામે મીંડું હશે, અન્યથા કોઈ કોઈના અધિકાર પર તરાપ મારી જ કેમ શકે ? કહેવાનો અર્થ જો અધિકાર મહત્વનો હોય તો ફરજ પણ અદા કરવી જોઈએ અથવા અધિકાર નો ખપ ન હોય તો પણ ફરજ પૂરી રીતે અદા કરવી જોઈએ અન્યથા બધાના સામુહિક અધિકાર પર તરાપ મારનાર કોઈને કોઈ ઉત્પન્ન થશે.

25 May 2020

સફળતા

99.91% લોકો
નથી જાણતા સફળતાનું સાચું રહસ્ય, 
તેની ખુદની અંદર જ હોય છે.

સફળતા… મિત્રો, સફળતા કોને નથી ગમતી ? દરેકને સફળતા પસંદ જ હોય છે. અને આજે દરેક માણસ સફળતા મેળવવા માટે આંધળી દોટ મુકે છે. પરંતુ જ્યારે તેને નિષ્ફળતા મળે છે ત્યારે તે હારીને નકારાત્મક વિચારો કરે છે. જો તમે એકવાર સફળતાનું સાચું રહસ્ય જાણી લો તો જીવનમાં નિષ્ફળતા પણ સફળતાનું જ પગલું બની જશે. એટલે કે સફળતાના સાચા મકસદ સુધી પહોંચવા માટે તમારે પોતાના વિચારોને સાચી દિશા આપવાની જરૂર છે. કહેવાનો અર્થ એટલો જ છે કે સફળતા મેળવવા માટે પોતાના વિચારોને મોટા કરવાની જરૂર છે. એટલે કે સફળતા મેળવવા માટે વિચારોને શુદ્ધ કરવાની જરૂર છે. જી હા, મિત્રો વિચારોનું શુદ્ધિકરણ એટલે કે પોતાનામાં રહેલી નકારાત્મક વૃતિને દુર કરવાની જરૂર છે. હવે તમને પ્રશ્ન થશે કે વિચારોને શુદ્ધ કરવા માટે શું કરવું જોઈએ ? પરંતુ તમારે ચિંતા કરવાની જરૂર નથી. જો તમે પણ સફળતા મેળવવા માટે પ્રયાસો કરી રહ્યા છો અને તમને સફળતા નથી મળી રહી, તો એકવાર જરૂરથી આ લેખ વાંચી જુઓ, પછી તમે જ કહેશો કે ‘હા સાચી વાત છે, સફળતા મેળવવા માટે વિચારોને મોટા કરવાની જરૂર છે.

એક અંગ્રેજી લેખક David schwartz એ પોતાની બુક ‘the Magic of thinking Big’ જેમાં માણસની સફળતાને લઈને ઘણા સકારાત્મક વિચારોનું નિરૂપણ કર્યું છે. આ બુકને jissey forbes એ one of the greatest self help books ના પદથી બીરદાવી છે. આ બુક માણસના વિચારોને લઈને લખવામાં આવી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, માણસની વિચારધારા તેના પર કેટલો પ્રભાવ પાડી શકે છે. મિત્રો, તમે એવું માનતા હશો કે, તમારી સફળતા પર તમારા શુભ ચિંતકો જેવા કે ગુરુ, મિત્રો, સગા સંબંધીઓ, તમારી ફેમીલી તેમજ તમારું આસપાસનું વાતાવરણ અને તમારું નસીબ વધુ અસર કરે છે. પરંતુ એવું નથી. આ બધા સિવાય પણ તમારી વિચારધારાનો તમારી સફળતા પર ખુબ ઊંડો પ્રભાવ પડે છે. આમ બધા પરિબળો અથવા તો તમારું મગજ નક્કી નથી કરતું કે તમે તમારી લાઇફમાં કેટલા આગળ જશો. પરંતુ તમારી સમજણ શક્તિ, તમારી વિચારધારા નક્કી કરે છે કે તમે કેટલા સફળ થશો. પરંતુ આ સમજણ શક્તિ એટલી સહેલાઈથી બદલી કે મોટી નથી કરી શકાતી. તો થોડા સમય માટે જો તમે તમારી નકારાત્મક દ્રષ્ટિ છોડીને સકારાત્મક દ્રષ્ટિ અપનાવી લો તો પણ સફળતા નથી મળતી. તો હવે સવાલ એવો ઉભો થાય છે કે એવું તે શું કરી શકાય, જેથી કરીને સમજણ શક્તિ કે વિચારોને શુદ્ધ કરી શકાય ? કદાચ તમે તમારા વિચારો બદલો પણ ખરા પરંતુ તેમ છતાં તમે ત્યાં જ પહોંચી જાવ છો, જ્યાંથી તમે શરૂઆત કરી હોય. આ બાબતને થોડા બીજા પોઈન્ટ દ્રારા પણ સમજીએ.

પોતાના વિચારો પર પ્રતિક્રિયા દાખવો : આ પોઈન્ટને જો વિગતે સમજવો હોય તો આપણે એક ઉદાહરણ દ્રારા સમજીએ. જ્યારે નેપોલિયન બોનાપાર્ટ યુદ્ધ કરવા માટે તૈયાર હતા, ત્યારે તે સમયે તેનો મંત્રી આવીને તેને કહે છે કે ‘અત્યારે યુદ્ધ કરવા માટે પરિસ્થિતિ બરાબર નથી, મને લાગે છે કે આપણે તે પરિસ્થિતિની રાહ જોવી જોઈએ અને પછી આક્રમણ કરવું જોઈએ.’ આ સાંભળીને નેપોલિયને કહ્યું કે, ‘મને લાગે છે આ યુદ્ધ કરવાનો સાચો સમય છે. હું કોઈ પરિસ્થિતિની રાહ નથી જોઈ શકતો. પરિસ્થિતિ આપણને નથી બનાવતી, પરંતુ હું પરિસ્થિતિને બનાવું છું અને આપણે યુદ્ધ અત્યારે જ કરવાનું છે.’ આ ઉદાહરણ દ્રારા આપણને એ શીખવા મળે છે કે, આપણી સફળતા માટે આપણે જ પરિસ્થિતિ ઉભી કરવી પડે છે અને તેના પર એક્શન લેવું પડે છે. પછી આ એક્શન સાચું હોય કે ખોટું. પરંતુ તમારું એક્શન લેવું એ જ વધુ મહત્વ ધરાવે છે. આમ જ્યારે તમે કોઈ સાચો નિર્ણય નથી લેતા, તો તે સમયે તમે કોઈ એક્શન પણ નથી લઇ શકતા. જો તમે યોગ્ય સમયની રાહ જુઓ છો, તો સફળતાને પણ ખોઈ બેસો છો. જો તમારી સફળતામાં કોઈ અડચણ આવે તો તેનાથી ડરવાની જરૂર નથી પરંતુ તેને માત આપીને આગળ વધવાનું છે.

તમારી પોતાની સાચી શક્તિને ઓળખો : ઘણા લોકો પોતાની શક્તિને ઓળખતા નથી હોતા. પરિણામે એ જ્યારે સમાજમાં જાય છે ત્યારે તેને મળતી દરેક કામયાબ વ્યક્તિઓને જોઈ તે નિરાશા અનુભવે છે. તેના મનમાં ઉંધાચિતા વિચારો આવે છે. જેને કારણે તે હતાશ થઈ જાય છે. આ વિચારો જેવા કે મારામાં એ કામ કરવાનો કોઈ અનુભવ નથી, પાવરફુલ સ્પીચ નથી, વિચારો પ્રગટ કરવા માટેના શબ્દો નથી, હું એ કામ કરવા માટે યોગ્ય નથી, લોકો મારી હસી ઉડાવશે, મારે નીચું જોવું પડશે. આ બધા વિચારો તેના પર હાવી થઈ જાય છે. પરિણામે તે પોતાની સાચી શક્તિને ઓળખી નથી શકતા. આ દુનિયામાં જેટલા પણ કામયાબ માણસો છે એ જો આવા નકારાત્મક વિચારોમાં અટવાયા હોત તો તે ક્યારેય સફળ થયા ન હોત. એટલે જ પોતાનામાં સકારાત્મક વિચારોને વિકસાવો. જો તમને ક્યારેય પણ કોઈ કામ માટે ‘i can do it’  અનુભવો છો ત્યારે તમારા મનમાં તેના માટે ‘how can do it’ એવો જવાબ મળે જ છે.

પોતાની આસપાસનું વાતાવરણ સકારાત્મક રાખો : આ વાત ખુબ મહત્વ ધરાવે છે કે તમારી આસપાસનું વાતાવરણ કેવું છે. જો તમારી આસપાસનું વાતાવરણ બરાબર નથી, તો સફળતા મળવી ખુબ મુશ્કેલ છે. આથી તમારું આસપાસનું વાતાવરણ એવું હોવું જોઈએ, જે હંમેશા તમને પ્રોત્સાહન આપે. ન કે એવું જે લોકો પોતાનો પૂરો સમય ટીવી, મોબાઈલ, કે ગેમ રમવામાં જ કાઢતા હોય. પરંતુ તમારે પોતાના મિત્રો પણ એવા જ પસંદ કરવા જોઈએ જે તમને પ્રોત્સાહિત કરે. જેમ કે તમે કોઈ ગવર્મેન્ટ એક્જામની તૈયારી કરી રહ્યા હોય અને તમારું ફ્રેન્ડસ સર્કલ એવું છે, જે બધો જ સમય મસ્તી કે રખડવામાં જ કાઢે છે. તો તે તમને મોટીવેટ કરવાને બદલે નિરાશ કરશે અને સફળતા મળવી મુશ્કેલ બની જશે. જ્યારે તમારું ફ્રેન્ડસ સર્કલ જો એવું છે જે પોતે પણ આ જ એક્જામની તૈયારી કરે છે તો તમને સફળતા મળવામાં સરળતા રહેશે.

સફળતા મેળવવા નવા-નવા અનુભવોથી શીખતા રહો : તમે જોયું હશે કે લોકો હંમેશા એવું કહેતા હોય છે કે સફળતા મેળવવા માટે તમારે સતત પરિશ્રમ કરતો રહેવો પડે છે. પોતાના નિર્ણય પર અડગ રહેવું પડે છે. પરંતુ આ વાત પણ અધુરી જ છે કારણ કે આખી વાત એમ છે કે તમારે નવા-નવા અનુભવ સાથે પોતાના નિર્ણય પર અડગ રહેવું પડે છે. આ વાત એક ઉદાહરણ દ્રારા સમજીએ. થોમસ એડીસને જ્યારે બલ્બની શોધ કરી તે પહેલા તેણે આ અંગે 1000 પ્રયોગો કર્યા હતા. પરંતુ આ 1000 પ્રયોગો તેમણે એકસરખા નથી કર્યા, પરંતુ અલગ અલગ રીતે પ્રયોગો કર્યા. ત્યાર પછી તેઓને સફળતા મળી હતી. આમ તમારે પણ અનેક રીતે પ્રયત્ન કરવા કરતા અલગ અલગ રીતે નવા અનુભવ કરી નવું શીખીને આગળ વધવાનું છે.

આમ સફળતા મેળવવા માટે પોતાની શક્તિને ઓળખી આગળ વધવાનું છે,
પોતાના અનુભવોથી શીખવાનું છે,
પરિસ્થિતિથી હારવાનું નથી પરંતુ પરિસ્થિતિને અનુકુળ બનાવી આગળ વધવાનું છે.

24 May 2020

વિચાર અને વિચારધારા (જમીન આસમાનનો ફરક હોય છે)

સફળતા અને નિષ્ફળતા યોદ્ધાઓના ભાગે નહીં થીંકટેન્કના ભાગે જતી હોય છે, 
મહાભારતના યુદ્ધમાં બે થીંકટેન્ક જવાબદાર હતી, શ્રી કૃષ્ણ અને શકુની...
બાકીના બધા જ લડવૈયા હતા!!

થીંક થીંક છે, થીંક એટલે વિચાર, વિચારધારા નહીં અને વિચાર એક વખત કોઈ દિમાગની સીમામાંથી બહાર આવે એટલે એ વાયરસની જેમ સંક્રમીત થતો થતો એના મુકામ સુધી જાય છે, અને આવા વિચારો વિચાર ધારાનું રૂપ લેતા પહેલા સમુદ્રના મોજાની જેમ કિનારે ખુબ જ અથડાય છે, કિનારે આવીને તે વિખાય છે, અફળાય છે તો ક્યારેક ક્યારેક ત્સુનામીની જેમ કિનારો ઓળંગી પણ જાય છે, તેથી વિચારધારા સાચી કે ખોટી એ નક્કી વિચારો નથી કરતા, એને નક્કી કરવાનું કામ સમય કરે છે અને એટલે જ સમયની સતત માંગ રહેતી હોય છે "પરીવર્તન", પરીવર્તન એ અમોઘ નિયમ છે અને આ નિયમ પાસે સાચા અને ખોટા બધા પામર છે, અસક્ષમ છે. એટલે આવા પરીવર્તન શીલ નિયમોમાં અનેક થીંક અને અસંખ્ય થીંકરો આવતા જતા રહે છે, તેમ જ જેમ સમુદ્રમાંથી મારફાડ, ગડગડાટ કરતા મોજા કિનારે આવીને વિંખાય છે, આવા અરબો ખરબો મોજાઓનો સાક્ષી આખો આ સાચો ખોટો ઈતિહાસ છે. 

એક પત્રકાર તથા લેખક તરીકે હું અનેક એવી અસમાનતાઓ જોવ છું જેની લગભગ કોઈ જરૂર હોતી નથી, છતાં તે છે. ઉદાહરણ લઈએ તો કેટલાક માણસો શાસ્ત્રોમાં લખ્યું છે તેમ કહીને અનુસરે છે તો કેટલાક કિસ્સા એવા પણ છે કે કાયદામાં, બંધારણમાં છે અને તેમ છતાં અનુસરતા નથી, કહેવાનો મતલબ મોટાભાગના માણસો લખેલું વાંચવા અને અનુસરવા ટેવાયેલા છે, પોતાની રીતે વિચારવા, સુધારવા કે ફેરફાર કરવા ટેવાયેલા નથી, તેથી આવો બદલાવ લાવવા થીંકરો એ કામ કરવું પડે છે અને એને એક ચહેરો આપવામાં આવે છે, જેમ કે ચુંટણી. ચુંટણીમાં ભાગ લેતા રાજકીય પક્ષો એક ચહેરાને આગળ કરે છે અને આ ચહેરાને સંચાલિત થીંકરો કરતા હોય છે. 

આવી જ કેટલીક વિચારધારાઓ માટે આ લેખ આપ સહુની વચ્ચે રાખું છું જે વિચાર અને વિચારધારાની દલીલો માટે ઉપયોગી થઇ શકે તેમ છે. ભારતમાં આવી કેટલીક વિચારધારાઓ અસ્તિત્વમાં છે જેમ કે આર્ય-અનાર્ય, અગડા-પિછડા, મનુવાદ-મૂડીવાદ, ગાંધીવાદ-અંગ્રેજવાદ, બ્રાહ્મણવાદ-અન્યવાદ, હિન્દુવાદ-બૌધ, ક્રિશ્ચન ઈત્યાદીવાદ તથા જાતિવાદ-જ્ઞાતિવાદ. આ બધાના મૂળમાં પણ જાતી અને જ્ઞાતિવાદ છે અને આના ટોપમાં પણ જાતી અને જ્ઞાતિવાદ જ સર્વોપરી છે, જેમ કે હિંદુવાદ, હિન્દુવાદના મુખ્યમાં એક જ વાદ છે "ધર્મ" પરંતુ તેના પેટામાં અનેક વાદ છે જે વિવાદની જેમ ઉપર નીચે થતા રહે છે, દા.ત. હિંદુઓમાં અને જ્ઞાતિઓ-જાતિઓ સમાવિષ્ટ છે તેમ છતાં આ બધી જ જાતિઓ પરસ્પર જાતીભેદભાવને અનુસરે છે અને તેના અનુસરણના અસંખ્ય ઐતિહાસિક દાખલાઓ આપણી વચ્ચે મોજુદ છે એટલું જ નહિ ભારતના બંધારણ મુજબ ભારતના રાષ્ટ્રપતિ ચૂંટાતા હોવા છતાં તેના સમર્થનમાં કે વિરોધમાં બેબાક પણે જાતિવાદ છલકાવવામાં આવે છે. ભારતના પ્રધાનમંત્રી પણ લોકશાહી ઢબે ચુંટાતા હોવા છતાં તેમાં પણ જાતિવાદ છલકાવવામાં આવે છે, કોણ કરે છે આ ? અને કોણ કરે છે આવું એ આપણને ક્યારેય જડતું જ નથી કેમકે એ કામ થીંકટેંક કરે છે. 

ભારતમાં બંધારણ જ સર્વોપરી હોવા છતાં એક હિડન બંધારણ કામ કરી રહ્યું છે, તેથી ભારતને અનેક વાદ વિવાદોમાંથી પસાર થવું પડી રહ્યું છે. એવું નથી કે આ માત્ર ભારતમાં જ છે અન્ય દેશોમાં પણ આવું પ્રચલિત છે, જેમકે અમેરિકામાં શ્વેત-અશ્વેતવાદ, ક્રિશ્ચન દેશોમાં પણ આવી ભિન્નતા છે, ઇસ્લામિક રાષ્ટ્રોમાં પણ શિયા-સુન્ની જેવા વિવાદો અસ્તિત્વમાં છે. પરંતુ આપણે વાત કરવી છે ભારતની, જો ભારતમાં ધર્મને આધીન ચાલવાનું મુનાસીબ હોય તો ભારત બિનસાંપ્રદાયિક રાષ્ટ્ર છે એ ભારતનું બંધારણ પોતે જ કહે છે, જો ભારતને રાષ્ટ્રવાદ તરફ ચાલવું હોય તો, ભારતના નાગરીકોમાંથી જાતિવાદ અને જાતીભેદભાવનો નિકાલ લાવવો ફરજીયાત છે. અને આ નિકાલ આસાન હોવા છતાં નિકાલ ને ન તો શાશકો લાવવા માંગે છે, ન લાભાર્થીઓ, ન પીડીતો. બધા જ આ દૂષણમાં સબડવા તૈયાર છે પણ આ પ્રશ્નના નિકાલ માટે ત્રણમાંથી એક પણ એ બદલાવ ઇચ્છતા નથી, એના બે જ કારણ છે, એક આમાંના એક પણ ઇચ્છતા નથી કે બદલાવ આવે, બીજું જો બદલાવ આવે તો અસ્તિત્વના પ્રશ્નો ઉભા થશે તે ત્રણેય પક્ષ જાણે છે, (સરકાર-લાભાર્થી અને પીડિત)

ત્યારે મહાભારત યુગમાં બે થીંકટેંક લડી હતી, યોદ્ધાઓ તો એના નિમિત માત્ર હતા, એક શકુનીની વિચારધારા અને એક કૃષ્ણની વિચારધારા, આખું યુદ્ધ આ બે વિચારધારા વચ્ચે હતું, જે પુરૂ થયું અને એક વિચારધારા પણ ત્યાં પૂરી થઇ, (આમાંથી કઈ વિચારધારા યોગ્ય હતી અને કઈ અયોગ્ય એ એક અલગ ચર્ચાનો વિષય છે અહી માત્ર એ સમજ પુરતું વર્ણવવામાં આવી રહ્યું છે) ભારતમાં આમ તો ઘણાં બધા વાદ છે અને તેના ઉપર અસખ્ય વિચારકો કામ કરી રહ્યા છે પરંતુ મારા મતે ભારતમાં બે થીંકટેંક જોરદાર રીતે એનું પરફોર્મન્સ આપી રહી છે એક ઊંચનીચનો હાર્ડ જાતિવાદ અને બીજી સોફ્ટ મૂડીવાદ, ઉચનીચનો જાતિવાદ હાર્ડ હોવા છતાં સોફ્ટ છે અને મૂડીવાદ સોફ્ટ હોવા છતાં હાર્ડ છે, ઉદાહરણ લઈએ તો ભારતમાં ડેમોક્રેટિક ગમે તેવડા મોટા પદ પર ચુંટાવું હોય તો ભારતના નાગરીકે બીજી બધી કાબેલીયતને કોરાણે મુકીને જાતિવાદનો આધાર લેવો જ પડે, જયારે જો કોઈ બ્યુરોક્રેટ પર એક ભારતીય તરીકે કોઈ મોટા પદની લાલસા હોય તો મૂડીવાદ વિના એ શક્ય નથી, આમ ભારતનું લોકતંત્ર ન તો ડેમોક્રેસીને આધીન છે ન બ્યુરોક્રેસીને, (ભારતમાં ખાનગી રીતે આ પણ બે જબરી થીંકટેંક છે) 

ભારતના નાગરીકો સ્વતંત્ર રીતે વિચાર કરવા હક્કદાર હોવા છતાં એ તેમાંનું કશું જ સ્વતંત્રતાથી કરી કે કરાવી શકતા નથી, એ યા તો કાયદાને આધીન ચાલવા વિવશ છે અથવા શાસ્ત્રોને આધીન ચાલવા મજબુર, તેથી ભારતમાં જાતિવાદ અને મૂડીવાદ લડતો જ રહેશે, અને તેને લડાવી રહેલી બંને થીંકટેંક આસાનીથી લડાવી રહી છે. હા નાગરીકો ઈચ્છે તો સામાજીક બદલાવ લાવી શકે પરંતુ એ સહેલો નથી અને જે સહેલું ન હોય એ દરેક લોકો કરતા નથી એટલે બસ્સો પાનસો વર્ષે થીંકરો એક ચહેરાને સામે લાવતા રહે છે અને એ ચહેરો પેલા થીંકરોની ઈચ્છા અનુસાર બદલાવ લાવતો-મિટાવતો રહે છે. 

ત્યારે સામાજીક બદલાવ કેવી રીતે લાવી શકાય એ ચર્ચા અનિવાર્ય છે તેથી અત્રે પ્રસ્તુત છે, સામાજીક રીતે પરીવર્તન લાવવા ભેદભાવને કોરાણે કરવો પડે, અને ભૌતિક નહિ પણ વૈચારીક ક્ષમતાઓના ઉપયોગને સામે લાવવો પડે, જો આ સમાનતા દાખલ કરવામાં આવે તો સમાજની મોટાભાગની વ્યવસ્થામાં એ ધીરે ધીરે લાગુ પડતું રહે, જેમકે જન્મ-લગ્ન-મરણ-શિક્ષણ અને વિકાસ (ઉન્નતી/પ્રગતિ) જો કોઈ માણસ એમ માને છે કે તેનો પરીવાર ૨૫ વર્ષ પહેલા અત્યંત ગરીબ હતો અને હવે પોતાના યોગદાનથી તે સમૃદ્ધ થયો છે તો એ તેની ગંભીર ભૂલ છે, સમૃદ્ધિ જરૂર આવી હશે પણ એ પોતાના યોગદાનથી નહિ, પરીવારમાં કાપકૂપ કરવાથી એ સમૃદ્ધિ આવી છે. ઉદાહરણ લઈએ તો દાખલા તરીકે જાતીગત વિકાસ જોઈએ તો પણ (આ મારી વ્યક્તિગત વિચારધારા નથી, હું જાતીભેદભાવમાં માનતો નથી) જે જે સમાજમાં જેટલા પણ પરીવારોને આર્થિક ઉન્નતી થઇ હોય તેવું લાગતું હોય તે તે પરીવાર કેટલો ટૂંકો છે તે જોતા જ સમજાય જશે, પ્રગતિનો ગ્રાફ. ટૂંકમાં જેણે જેણે પણ ઉચ્ચ અભ્યાસ કર્યો તે પેલા થીંકરોની ચુંગાલમાં આવીને વધુ જાતીવાદી બન્યો, જો તેણે તેમ ન કર્યું હોત તો રીઝલ્ટ એવું જોવા મળેત કે એક સમૂહ, એક જ્ઞાતિ કે એક જાતિનો સામુહિક વિકાસ થયો છે. (જે ખરેખર થયો નથી) 

ત્રણ જ મિનિટમાં વગર યુદ્ધે આ સોલ્યુશન આવી જાય તેમ છે જો ભારતમાં જાતિવાદ કોરાણે મૂકી દેવાય તો, અથવા જાતિવાદ નાબુદીકરણ કાયદાથી અમલમાં આવે તો... પરંતુ આમ ન તો શાસકો ક્યારેય થવા દે છે, ન પીડિતો કે લાભાર્થીઓ તેમ ઈચ્છે છે, તેથી 73 વરહથી ચાલી રહેલી થીંકરોની આ ખોખલી લડાઈ 730 વર્ષ ચાલે તો પણ તેને મુકામ નહીં મળે... એ માટે બ્લડ મિક્સ થીયરી પર કામ કરવું પડે, અને જ્યાં સુધી આવી નવી સંતતિ ઉત્પન્ન ન થાય ત્યાં સુધી જાતિવાદની સમસ્યાનો અંત ભારતમાં આવે તેમ નથી.

ભારતમાં જાતિવાદનો ભોરીંગ અજગર ભરડો લઇ ચુક્યો છે અને તેનું નિવારણ સામાજીક બદલાવ સિવાય શક્ય નથી અને આગળ મેં કહ્યું તેમ અનેક મોજાઓ કિનારે આવીને ફંગોળાય જાય છે તેથી જો કોઈ ત્સુનામી ના આવે ત્યાં સુધી આ અજગર મરે તેમ નથી. અને વિચારોની ત્સુનામી લાવવી હોય તો ખોખલાપણામાંથી બહાર આવવું પડે અને જો કોઈ બહાર આવે પણ છે તો તે સોફ્ટ મુદીવાદમાં પાછો અંદર કુદી પડે છે.
અસ્તુ !!



21 May 2020

પ્રેમ, પતિ અને પત્ની... (પ્રેમીઓ)

રિલેશનશિપમાં આ વાતો,
જે દરેક પુરુષ ઈચ્છે છે પરંતુ, ક્યારેય પાર્ટનરને/પત્નીને કહી શકતા નથી.

લવ રિલેશન દુનિયાના બધા સબંધોમાંથી એક સૌથી સુંદર સબંધ છે. લગ્ન વ્યવસ્થા તો એક સામાજીક પરંપરા છે, પરંતુ આ વ્યવસ્થા અભિવ્યક્તિની વ્યવસ્થા છે તેમ છતાં ઘણાં કિસ્સાઓમાં સ્ત્રી અને પુરૂષ વચ્ચે અભાવ રહે છે જે આગળ જતાં સ્ત્રીઓનો સ્વભાવ પણ બની રહે છે. એક પુરુષ અને એક સ્ત્રી જયારે એકબીજા સાથે રહેવાની તથા એક બીજાને પ્રેમ કરવાની કસમ લે છે, તો બંનેના મનમાં એક બીજા સાથે જોડાયેલી ઘણી ઉમ્મીદો હોય છે. માનવામાં આવે છે કે સ્ત્રીઓ વારંવાર પોતાના પુરુષ પાર્ટનર સાથે જોડાયેલી ઉમ્મીદોને વ્યક્ત કરતી હોય છે, પરંતુ પુરુષોનો સ્વભાવ આ બાબતમાં અલગ હોય છે. તે ઘણી બાબતો પોતાના મહિલા પાર્ટનરથી ઇચ્છતા હોય છે, પરંતુ કહી શકતા નથી. દુનિયાના તમામ લેખકો કે ચિંતકો એ ભેદભાવ પૂર્ણ માત્ર સ્ત્રીઓની વ્યથાઓ પોતાની કલમે વ્યક્ત કરી છે પરંતુ પુરૂષોની વ્યથાને તેઓ કલમથી ન્યાય આપી શક્યા નથી ત્યારે આ લેખ પુરૂષોની અબોલ કે અવ્યક્ત વાચા છે અને દરેક પરણિત અપરણિત મહિલાઓએ તેને વાંચવી જોઈએ, એ અનુસાર એ પોતાના જીવનની કડવાશ દુર કરીને મીઠાશ લાવી શકે છે, તેથી દરેક સ્ત્રીઓ એ જાણવું જોઈએ કે, તેનો પાર્ટનર તેનાથી શું ઈચ્છે છે. જેથી બંને એક બીજાની ઈચ્છાઓ જાણીને તથા સમજીને પુરી કરી પોતાના સબંધને વધારેમાં વધારે સારો બનાવી શકે. તો આવો જાણીયે, એવી કઈ-કઈ બાબતો છે, જે દરેક પુરુષ પોતાની પત્ની કે પાર્ટનર પાસે ઈચ્છે તો છે પણ તેના ચહેતા પાર્ટનરને કહી શકતા નથી.

સબંધમાં સમજ :- મહિલાઓ જયારે રિલેશનશિપમાં હોય છે, તો તે લગભગ બધી વાતો પોતાના પાર્ટનરને શેર કરે છે. તેઓને સમય-સમય પર યાદ અપાવતી રહે છે કે, તેના પાર્ટનરે તેને સમજવી જોઈએ. ત્યારે અહીં, પુરુષ એવું ઇચ્છતા હોય છતાં પણ તેવું કરી શકતા નથી. પુરુષ ઈચ્છે છે કે, તેની પાર્ટનર તેની બધી જરૂરતોને કહ્યા વગર સમજી જાય. જો તે પરેશાન છે, તો તે પરેશાનીઓને વધારવાના બદલે તેને ઘટાડવામાં તેનો સાથ આપે.

શ્વાસ લેવા માટે જગ્યા આપે :- કોને સારું ના લાગે કે, તે પોતાના પાર્ટનરની સાથે સમય વિતાવે. પરંતુ, તેનો મતલબ એવો નથી કે, બધો જ સમય અને નિષ્ઠા ફક્ત પોતાના પાર્ટનર ના નામે કરી દે. પુરુષ પાર્ટનર ઈચ્છે છે કે, તેને સબંધમાં થોડી જગ્યા મળે. એનો મતલબ એવો નથી કે, તે તમારાથી છુટકારો મેળવવા માંગે છે અથવા દગાબાજ છે. પરંતુ સ્ત્રીઓની તુલનાએ પુરૂષ વધુ જવાબદારીઓનું વાહન કરે છે, (એ પુરૂષો સાચે જ નશીબદાર છે જે આ જવાબદારીઓમાંથી સમય કાઢીને તેના પાર્ટનર ને સમય આપી શકે છે) તેની સામે રડવું અને ઝગડવું કે, તું મારી સાથે સમય વિતાવતો નથી. જેવું કહેવાથી તમારો સબંધ તૂટી શકે છે. પુરુષ ઈચ્છે છે કે, તેની પાર્ટનર તેના ઉપર વિશ્વાસ કરે અને તેને પોતાની રીતે જીવવાની જગ્યા આપે.

વફાદાર જીવનસાથી :- વફાદારી ફક્ત પુરુષ પાર્ટનરની જ ફરજ નથી, પરંતુ મહિલા પાર્ટનર ને પણ આ વાતનો ખ્યાલ રાખવો જોઈએ. આ એ વાત છે, જેના વિશે પુરુષ તમને ખુલ્લીને નથી કહી શકતા પરંતુ, તે આવું જરૂર ઈચ્છે છે. પુરુષ એવું ઇચ્છતા હોય છે કે, તેની ગર્લફ્રેંડ/પત્ની/પાર્ટનર ક્યારેય તેને ખોટું ના બોલે અને હંમેશા પોતાના સબંધને સચ્ચાઈથી નિભાવે. પુરુષો ને વધારે જલન ત્યારે થાય છે, જયારે તેની ગર્લફ્રેંડ બીજા કોઈ પુરુષ ને તેના કરતા વધારે મહત્વ આપવા લાગે છે.

શારીરિક સબંધ બનાવવામાં રુચિ:- પુરુષો ને પ્રેમની સાથે સેક્સની પણ આવશ્યકતા હોય છે અને તે પ્રાકૃતિક છે, તેમાં કોઈ બુરાઈ નથી. મોટાભાગના પુરુષો પોતાનો પ્રેમ સેક્સ દ્વારા બતાવવો પસંદ કરે છે. પરંતુ, તે ખુલ્લીને સીધી-સીધી આ વાત કહી શકતા નથી. લગભગ પુરૂષ સ્પર્શની અભિવ્યક્તિ દ્વારા જ પોતાનો પ્રેમ જતાવવાનું પસંદ કરે છે, સામે તે નથી ઇચ્છતા કે તમે તેને ખરાબ સમજો પરંતુ, તે ઈચ્છે છે કે તમને પણ સેક્સમાં રુચિ હોય. અને જાયજ સબંધોમાં સમાન સેક્સ એ અત્યંત મહત્વપૂર્ણ બાબત પણ છે, હા સેક્સની લોલુપતા એ સ્ત્રી અને પુરુષના જીવનને નર્ક બનાવી શકે છે પરંતુ સમયાંતરે સેક્સ ન હોવો એ વધુ નર્કગાર સમસ્યા છે, સેક્સ એ એવી પણ બાબત છે જે બંને પાત્રોમાં બરાબર ન હોય તો અસંતુષ્ટ પાત્ર પોતાના સેક્સને અન્ય તરફ વાળી શકે છે, અને સ્વસ્થ સબંધમાં આ સહુથી મોટી ગંભીર બાબત છે, વર્ષો પહેલા સ્ત્રી અને પુરૂષો સેક્સનો પહેલો અનુભવ પોતાના લગ્ન બાદ જ કરી શકતા હતા, જયારે આજે તેવું નથી, આજે કપલ માં પરિણમ્યા પહેલા મોટાભાગના બંને પાર્ટનર સેકસથી બખૂબી પરીચીત હોય છે ત્યારે આ ગંભીર બાબતને ગંભીર સ્વરૂપ ન મળે તેવી એક કાલ્પનિક પરંતુ સચોટ વ્યથા પુરૂષની હોય છે.

બેડરૂમનું વાતાવરણ :- તમને ભલે તમારો પાર્ટનર આ વાત કહી ન શકતા હોય પરંતુ, તે ઇચ્છતા તો હોય જ છે. બેડરૂમનું વાતાવરણ તમારા રોમાંસ ને વધારી દે છે. લવ મેકિંગ સિવાયની એવી ઘણી બાબતો હોય છે, જે તમે તમારા પાર્ટનરની સાથે એક બેડરૂમમાં શેર કરી શકો છો. છતાં તમારો પાર્ટનર ક્યારેય એવું નથી ઇચ્છતો પરંતુ, એક વખત તમે એવું કરી તો જુઓ, તેને ખૂબ જ પસંદ આવશે.

કમિટમેંટ (પ્રતિબદ્ધતા) :- કમિટમેંટની જગ્યા કોઈ પણ રિલેશનશિપમાં ઘણા સમય પછી આવે છે. એવું કહેવામાં આવે છે કે સબંધમાં કમિટમેંટ માટે છોકરીઓ વધારે ઉત્સાહી હોય છે. ત્યારે અહીં છોકરાઓમાં વધારે રુચિ હોતી નથી. પણ તે સાચું નથી. પુરુષ પણ પોતાની પાર્ટનરથી કમિટમેંટ ઈચ્છે છે, તે લોકો સીધી-સીધી આ વાત તમને કહેશે નહીં પરંતુ, તમારાથી ઇચ્છતા જરૂર હોય છે. તેથી વિશ્વાસને લગતા કમીટમેન્ટ વગર પૂછ્યે તમારા પુરૂષ પાર્ટનરને આપતા રહો, જે મહિલાઓ વ્યવસાય/નોકરી કે સેવાઓ સાથે સંકળાયેલી હોય તેવી મહિલાઓએ તેના પુરૂષ પાર્ટનરને આઈ લવ યુ કહેવાથી વાત પૂર્ણ થતી નથી, અને સ્ત્રી તથા પુરુષનો સંબંધ ફીલિંગ્સ (લાગણીઓ) સાથે જોડાયેલો છે, જયારે પણ સ્ત્રીઓને અરુચિ કે ગુમસુમતા ની ફીલિંગ્સ આવે ત્યારે તમારા પાર્ટનરને લાગણીઓથી સંદેશ આપો, લાગણીઓ શક્ય ન હોય ત્યાં સંદેશ સંસાધનોના માધ્યમથી એ અહેસાસ કરાવો કે "મેં હું ના" અર્થાત હું તમારી સાથે છું, તમે ઉદાસ ન બનો જેથી મારી ઉદાસી નિવારી શકાય, સામે પક્ષે પુરુષે પણ પોતાના મહીલા પાર્ટનર સાથે આ વર્તાવ ઈમાનદારીથી કરવો જોઈએ 

પોતાના પાર્ટનર પ્રત્યેનો પ્રેમ :- ફક્ત તમને જ તમારા પાર્ટનર ના લાડ અને પ્રેમની જરૂર હોતી નથી, પરંતુ તમારો પાર્ટનર પણ ઈચ્છે છે કે, તમે તેને ખૂબ જ પ્રેમ આપો. પુરુષો બહારથી દેખાવામાં કઠોર લાગતા હોય છે, પરંતુ તેઓને પણ સારું લાગે છે કે, કોઈ તેને પ્રેમ કરે. પ્રેમ એક એવી વસ્તુ છે જે, દરેક પુરુષ પોતાના રિલેશનશિપમાં ઈચ્છતો હોય છે. 

આ બધી બાબતો પુરુષો ઇચ્છતા હોય છે, પરંતુ ક્યારેય પોતાના પાર્ટનર ને કહી શકતા નથી. તેથી સ્ત્રીઓ એ પોતે જ આ બધી બાબતોને સમજી જવી જોઈએ. તેથી તમારા સબંધ ને પણ તમે વધારે સારો બનવી શકો છો.

18 May 2020

શ્રી કૃષ્ણ ઉવાચ

શ્રીમદ ભગવદ ગીતા આપણો અત્યંત પવિત્ર ગ્રંથ છે

મહાભારતનો એ ભાગ જ્યારે ભગવાન કૃષ્ણે મહાભારતની લડાઇમાં અર્જુનને સલાહ આપી હતી તે સમયે ભગવાન કૃષ્ણ જીવનના રહસ્યને એમના કથનો મારફત અર્જુનને સમજાવી રહ્યા હતા. એ કથનો આજે કોઈ પણ વ્યક્તિ માટે એટલા જ મહત્વ પૂર્ણ અને સાચા છે જેટલા મહાભારતની લડાઈના સમયે અર્જુન માટે હતા!આ રહ્યા એ ૯ રહસ્યો જે હાલમાં પણ બદલી શકે છે કોઈનું પણ જીવન

૧. જે થયું, તે સારા માટે થયું. જે થઈ રહ્યું છે, તે પણ ફક્ત સારા માટે થઈ રહ્યું છે અને જે થશે એ પણ સારા માટે જ થશે, તમે જેનાથી નિરાશ છો તેને ભૂલી જાઓ. હાલમાં, જો તમને કંઈક ખૂબ જ દુઃખ આપતું હોય તો તેની પાછળ એક ચોક્કસ કારણ છુપાયેલું હશે. આ એક ચક્ર છે, જેને તમારે સ્વીકારવું જ પડશે. તેથી, ભવિષ્યના કે ભૂતકાળના સમયનો વિચાર કર્યા વિના તમારા વર્તમાનને આનંદથી જીવો અને ખુશ રહો.


૨. પરિવર્તન સંસારનો નિયમ છે. માત્ર એક જ ક્ષણ તમને રાજા અથવા ફકીર બનાવી શકે છે. પૃથ્વી પણ સ્થિર નથી, તે ફરતી રહે છે, રાત દિવસ પછી આવે છે, અને ઉનાળા પછી જ આનંદદાયક ચોમાસુ આવે. આ જ ઘટનાઓ સાબિત કરે છે કે પરિવર્તન જ સંસારનો નિયમ છે. તેથી કોઈ પણ વાતો અથવા વસ્તુઓ વિશે ઉદાસ રહેવાની જરૂર નથી. પરિવર્તનનો સ્વીકાર કરવો એ તમને કોઈ પણ કઠોર પરિસ્થિતિમાં ખુશ રહેવાની તાકાત આપશે.


૩. ધ્યાનથી, મન દીવાની જ્યોતની જેમ અખંડ થઈ જાય છે, આપણી સમસ્યા એ છે કે આપણે પોતાને જ નથી જાણતા. આપણામાંથી મોટા ભાગના લોકોએ પોતાની જાતને મળવા માટે ક્યારેય પ્રયાસ કર્યો જ નથી. ધ્યાન આપણને આપણી જાત સાથે મલાવે છે અને જ્યારે આપણે આપણી જાતને જાણી લઈએ છીએ, ત્યારે આપણે ખબર પડે છે કે જીવન જાદુઈ છે. ધ્યાન કોઈ પણ વ્યક્તિનું જીવન બદલી શકે છે.


૪. તમે ખાલી હાથે આવ્યા હતા અને ખાલી હાથે જ જવાના છો, આજે આપણામાંના મોટાભાગના લોકો ટેમ્પલ રન ગેમ જેવા બની ગયા છે જેમાં એક છોકરો ચાલ્યો જાય છે અને નાણાં એકત્ર કરવાનું ચાલુ રાખે છે. પરંતુ એ છોકરો જાણતો નથી હોતો કે એ ક્યાં જતો હતો, શા માટે જતો હતો અને કેમ જતો હતો. તેને ફક્ત સિક્કા ભેગા કરવાની જ ખબર પડે છે.


૫. માણસો વિશ્વાસથી બને છે, તમારો વિશ્વાસ નક્કી કરશે કે આગળ શું થશે. તમે જે વિચારો કરો છો અને જે માનો છો, તે જ તમારી જોડે થાય છે અને તમે એવા જ બનો છો. જો તમે માનતા હો કે તમે સુખી વ્યક્તિ છો, તો તમે ખુશ થશો અને જો તમે નકારાત્મક વિચારો લાવશો તો તમે નાખુશ થશો! જો તમે માનો છો કે આજનો દિવસ સારો છે, તો તમારો દિવસ સારો જ રહેશે.


૬. ફળ વિશે ચિંતા કરશો નહીં, ભગવદ્ ગીતાનુ આ વાક્ય આપણા બધા માટે ખૂબ મહત્વનું છે. આપણે હંમેશાં પૈસા, સારા ઘર, સારી કાર અને સુરક્ષિત ભવિષ્ય માટે કામ કરીએ છીએ. પરંતુ મોટાભાગના લોકો રેસ તરીકે જીવનને ધ્યાનમાં રાખીને જીવન જીવી રહ્યા છે જેથી તેઓ ટૂંક સમયમાં મજિલ મળી શકે. અને જ્યારે મંજિલ મળે છે, ત્યારે તેઓ સુખ નથી પામી શકતા અને તેઓ આગામી મજિલ માટે દોડવાનું શરૂ કરે છે. પણ તેઓ સમજી શકતા નથી “જીવન એક સફર છે, કોઈ મંજિલ નથી. તમને સારી મંજિલના બદલે ખુશી નઈ મળે, કારણ કે એ ખુશી તો જીવનના સફરમાં જ છુપાયેલી છે.”


૭. શંકાથી ક્યારેય સુખ નહીં મળી શકે, શંકા એ આપણા મનના અસ્પષ્ટ વિચારોનો પડદો છે. શંકા બધાને કાયર અને અસ્થિર બનાવી શકે છે. શંકાના લીધે, વ્યક્તિ હિંમતવાન નિર્ણયો નથી લઇ શકતા અને સખત મહેનત કરવા છતાં પણ એ હારેલા માણસની જેમ જીવન જીવે છે.


૮. મનુષ્યો પોતાના વિચારોથી ઊંચાઈઓને પણ સ્પર્શ કરી શકે છે અને પોતાને પાડી પણ શકે છે – કારણ કે દરેક વ્યક્તિ પોતાનો મિત્ર પણ છે અને દુશ્મન પણ. તમે જ તમારા શ્રેષ્ઠ મિત્ર છો, તમારી પાસે તમારા બધા મુશ્કેલીઓનો ઉકેલ છે, તમારી સાથે બીજું કોઇ નથી જો તમે તમારી સમસ્યાઓ માટે બીજા કોઈનો સંપર્ક કરો છો, તો તમને મદદ નહીં પણ અલગ અલગ સૂચનો મળશે. તમારી જાત પર વિશ્વાસ રાખીને તમારે જાતે જ જવાબ શોધવો પડશે.


૯. આત્માનો ન તો જન્મ થાય, ન તો મૃત્યુ, ભય સાથે આપણે કંઈ પણ કરી શકતા નથી. ભય અને ચિંતા એ બે દુશ્મન છે જે આપણા સુખ અને શાંતિને અવરોધે છે, તેથી આપણે તેમને મનમાંથી સંપૂર્ણપણે દૂર કરવાનો પ્રયત્ન કરવો જોઈએ.
"શ્રીમદ ભગવદ ગીતા" 

16 May 2020

માણસ અને એનો દેહ


માણસનો દેહ એક જ હોવા છતાં એના પ્રકાર બે છે, એક નર દેહ બીજો માદા દેહ. પૌરાણિક માન્યતા અનુસાર અસંખ્ય ધર્મપ્રથા એવી છે જેમાં માદા દેહને અપવિત્ર, અમાન્ય અને અપ્રાસંગિક માનવામાં આવે છે. તાજ્જુબ એ છે કે નર અને માદા દેહના સવંનંનથી એક દેહ ઉત્પન્ન થાય છે, જેમાંથી કોઈ દેહ નર તો કોઈ દેહ માદા તરીકે જન્મે છે. ત્યારે માદા તરીકે જન્મેલ દેહ અપવિત્ર, અમાન્ય કે અપ્રાસંગિક કેવી રીતે ?

ત્યારે આ દેહશાસ્ત્રની ચર્ચા કે જે લુપ્ત છે તેને અલુપ્ત કરવી અનિવાર્ય છે. વિશ્વના અનેક નાનામોટા ધર્મો પૈકી લગભગ મુખ્ય ધર્મોમાં સ્ત્રીદેહ અમાન્ય છે, ભારતમાં જ વર્ષો અગાઉ બાળકીને દુધપીતી કરવાની પ્રથા પ્રચલિત હતી. જ્યારે કુદરતે સૃષ્ટિચક્ર ચલાવવા માટે સ્ત્રી અને પુરુષના દેહનું સુર્જન કર્યું ત્યારે તેમાંનો એક દેહ અસમાન શા માટે ? દેહ ભેદભાવ એ માત્ર માણસમાં જ નહીં પશુઓમાં પણ પ્રચલિત છે, પશુયોનીમાં માદાનું મહત્વ છે એટલું નર નું નથી, જ્યારે મનુષ્યયોનીમાં નર નું મહત્વ છે તેટલું માદા (નારી) નું નથી. આ અસહ્ય અસમાનતા આજે નહીં આદિકાળથી અવિરત છે. જેના ખંડન માટે આ લેખ પ્રસ્તુત કરી રહ્યો છું.

પુરુષ ગમે તેવો સામર્થ્યવાન હોય પરંતુ તે તેની અનુગામી પેઢીને નારીના સહયોગ અને સમર્પણ વિના આગળ જરાય વધારી શકતો નથી, ત્યારે નારીનું આ સમર્પણ અને ત્યાગ વંદનીય તથા પ્રશંસનીય ગણાવાને બદલે નારી સાથે અસમાનતા દાખવનાર પુરુષ પ્રધાન માનસિકતા અયોગ્ય છે. આદિકાળથી વાત શરૂ કરીએ તો ક્રમશઃ દરેક જીવ વિકાસ સાધતા રહ્યા છે, (હા, આ વિકાસ અથવા પરીવર્તન માત્ર શારીરીક જ બની રહ્યું, માનસીક વિકાસ આજે પણ અત્યંત ધીમી ગતિએ છે) માણસ, પશુ, પંખી, અન્ય જીવ આ બધામાં નર અને માદા એવી જોડી છે. નર નરથી કે માદા માદાથી સૃષ્ટિચક્ર ચલાવી ન શકે, પરંતુ નર અને માદા બંને મળીને આ ચક્ર ચલાવી શકે છે. વાત કરીએ મનુષ્ય યોનીની તો તેના ઉપર પ્રકૃતિના સંતુલનની બઉ મોટી જવાબદારી છે, પ્રકૃતિ અસંતુલિત થાય ત્યારે વ્યર્થ બાધાઓ તે ઉત્પન્ન કરે છે, જેમાં અકાળે વરસાદ, ભૂકંપ ઇત્યાદિ...

મનુષ્ય યોનીમાં સ્ત્રી અને પુરુષ સમાન હોવા છતાં, ઘણાં લોકોએ એની અસમાનતાને પ્રાધાન્ય આપ્યું છે, જેવું કે સ્ત્રીઓ રજસ્વલા થાય એટલે પુરુષ પ્રધાન માનસિકતા તેવી સ્ત્રીઓને અપવિત્ર ગણાવે છે, જ્યારે સ્ત્રીઓ માટે રજસ્વલા થવાના બે મોટા ઉપકારીક કારણો છે એક તે પ્રક્રીયાથી સૃષ્ટિનું પ્રજનન તંત્ર ગતી પામે છે અને બીજું તે પ્રક્રીયા સ્ત્રીઓ માટે દર્દીલી પ્રક્રીયા છે, અહી એક વિચારવા યોગ્ય પ્રશ્ન મુકું છું કે સ્ત્રી અને પુરુષના દેહમાં અસંખ્ય ભિન્નતા છે છતાં એક અંગ બંને દેહમાં એવું કોમન છે, તે કયુ ? હૃદય, દિલ આ અંગ પુરૂષ અને સ્ત્રી બંનેમાં સમાન અંગ છે. એક્ચુલી સ્ત્રી અને પુરૂષ અથવા નર અને માદા એ બંનેને અલગ અલગ દેહ આપવા પાછળ કુદરતનો હેતુ એક જ છે, સૃષ્ટિનું સંતુલન અને આ સંતુલન ત્યારે બગડે છે જયારે સ્ત્રી સમૂહ પર પુરૂષ કે પુરૂષ સમૂહ પર સ્ત્રી હાવી થઇ જાય, એટલે જ બંનેના સહયોગ સાથે માત્ર પ્રજનન જોડીને બાકીનું બધું સંતુલિત ચાલે તેવું પ્રયોજન કુદરતનું હશે. જયારે આજે આ અસમાનતા એ કુદરતની પ્રક્રીયામાં માણસનો હસ્તક્ષેપ છે અને એટલે જ અનેક બાધાઓ પ્રકૃતિ દ્વારા આજે વ્યાપક બની છે, જેમ કે અકલ્પનીય બીમારીઓ ઈત્યાદી. 

દુનિયાના તમામ વ્યક્તિઓએ આમાં બોધપાઠ લેવો જોઈએ કે સ્ત્રી અને પુરૂષ તથા નર અને માદા એ સમાન છે, તેમાં અસમાનતા દાખવવી એ માણસની સરાસર ભૂલ છે. આમ પ્રવતમાન સંજોગોમાં માત્ર પ્રકૃતિજન્ય સમસ્યાઓ જ નથી, મનુષ્યજન્ય સમસ્યાઓ પણ એટલી જ વ્યાપક બની રહી છે, જેમ કે જાતીભેદભાવ, અસમાનતા ઈત્યાદી, દુનિયાના તમામ ધર્મના આકાઓ અલગ અલગ ઓળખાતા ભલે હોય પરંતુ કુદરત એ સમાન છે, એને અલગ અલગ ઓળખતા હોવ ભલે પરંતુ તેમાં કોઈ ભેદભાવને સ્થાન નથી, ત્યારે રજસ્વલા મહિલાઓ અપવિત્ર જેવા વિચારો અયોગ્ય છે, ઉલટું આ સમયગાળો તેને અસહ્ય હોય તેમાં સહાયતા કરવી જોઈએ, હું તો ત્યાં સુધી કહીશ કે જેમ દુનિયામાં તમામ જગ્યાએ સરકારોમાં નોકરી કરતી મહિલાઓને મેટરનીટી લીવ મળે છે તેમ ઋતુચક્રમાં મહિલાઓને રજા ભલે અનિવાર્ય ન બને પરંતુ એ સમયગાળામાં કામનો બોજ હળવો કરીને તેને સમાન હોવાનો અહેસાસ જરૂર કરાવી શકાય.

સ્ત્રી અને પુરૂષ એકબીજાના પુરક છે, બેમાંથી એકેય સુપીરીયર નહિ, ઈશ્વરે એટલે જ બે વ્યક્તિ (બે શરીર) બનાવ્યા, અન્યથા એ એક જ દેહમાં બધું ફીટ કરી શક્યો હોત, જે એક જ દેહ સુર્જન પણ કરે અને મહેનત પણ કરે પરંતુ એણે બે એવા શરીર બનાવ્યા જે એકબીજાની ખામી પૂરી શકે. એણે બેમાંથી કોઈ એકને બેસ્ટ નથી બનાવ્યા, કારણ કે જો એ તેમ કરે તો એક વ્યક્તિ બીજા વિજાતીય વ્યક્તિ ઉપર પોતાનું આધિપત્ય સ્થાપિત કરે, ને જો તેણે એમ કર્યું હોત તો શ્રુષ્ટિનું સંતુલન વિખાય જાય, એ સંતુલન રાખવા જ એણે બે દેહ અલગ અલગ બનાવ્યા. કોઈ એ વિચારતું નથી કે બે અલગ શરીર, બે અલગ મગજ અને અલગ આવડત વાળી વ્યક્તિને હૃદય કેમ એક સરખું આપ્યું ? પુરુષમાં જે ખામી છે એ સ્ત્રી પૂરી શકે અને સ્ત્રીમાં જે ખામી છે એ પુરૂષ પૂરી શકે, આમ બે અલગ અલગ શરીર ભેગા થાય તો જ કમ્પ્લીટ થઇ શકે, અલગ અલગ બેય દેહ ન તો સુપેરીયર છે ન બેસ્ટ. પરંતુ ક્યારેક સ્ત્રીઓ પુરૂષો પર હાવી થવાની કોશીશ કરે છે તો ક્યારેક પુરૂષો સ્ત્રીઓ પર હાવી થવાની કોશીશ કરે છે. એનાથી સૃષ્ટિનું સંતુલન બગડ્યું છે. કારણ કે બેમાંથી એક પલડું ઉપર નીચે રહે છે, જે સ્થિર નથી રહેતું. 

આ કોરોના, ભૂકંપ, સુનામી એ કુદરતી સંકેત છે કે આપણે કુદરતના મેનેજમેન્ટમાં ખામી સર્જી રહ્યા છીએ, ને એની સુંદર સૃષ્ટિનું સંતુલન વીખી રહ્યા છીએ. સ્વર્ગ એ માણસની કલ્પના છે જો આ સંતુલન સાધી લેવામાં આવે તો ધરતી એ જ સ્વર્ગ છે, ન કોઈ એકબીજાથી ચડીયાતું છે ન કોઈ એકબીજાથી ઉતરતું. જેની જે આવડત છે એ એનું બેસ્ટ આપે. કેટલીક આવડતો ઈશ્વરે માણસને ભેટ આપી છે, કેટલીક માણસોએ જાતે વિકસાવી છે, અને આજની વાસ્તવિકતા છે કે ઉપયોગ બંનેનો ગલત થઇ રહ્યો છે. એનો સાચો ઉપયોગ જો આવડી જાય તો કુદરત પણ રાજી અને આપણે પણ રાજી.
અસ્તુ !!

13 May 2020

અહંકાર, અભિમાન, ગુમાન અને ઘમંડ



સામાન્ય રીતે એક જ પ્રકારના વર્તનને ઉપરના ચારેય શબ્દો સાથે માણસ સરખાવી લેતો હોય છે, પરંતુ અહંકાર, અભિમાન, ગુમાન અને ઘમંડનો સામાન્યતઃ અર્થ એક થતો હોવા છતાં એના પ્રકાર અને અર્થ જુદાજુદા છે. તેમજ એ “મદ” ના ચાર અલગ અલગ પ્રકાર અને અર્થ છે, “ગર્વ” ની સીમા જયારે મોહ તરફ સરકે એટલે તે મદ બની જાય છે અને આવા મદમાં સમજ નથી ભળી શકતી ત્યારે એ ગુમાનના પ્રથમ લક્ષણમાં આવે છે, જેનું બીજું લક્ષણ ઘમંડ છે અને ત્રીજું અને ચોથું લક્ષણ અભિમાન અને અહંકારમાં આવે છે. જેમ સ્વભાવમાં સમ, રજો અને તમો એવા ત્રણ ગુણ છે તેમ “મદ” ગર્વમાંથી સરકી પડે ત્યારે તે સમ ગુણના લોકોમાં સ્ફુરે છે, ઘમંડ રજોગુણમાં સ્ફુરે છે અને અહંકાર તથા અભિમાન તમો ગુણમાં સ્ફુરે છે. ગર્વ ના મુકાબલે મોહ અને મદ ખરાબ છે જયારે મદ ના મુકાબલે ઘમંડ ખરાબ છે અને ઘમંડના મુકાબલે અહંકાર અને અભિમાન ખરાબ છે.

સામવેદમાં અહંકાર, અભિમાન, ગુમાન અને ઘમંડની વિશેષ સમજ છે, જો કે અન્ય વેદમાં પણ આ અંગે સમજ આપવામાં આવી છે પરંતુ સર્વાધિક સમજ શ્રીમદ ગીતાજીમાં વિસ્તારપૂર્વક રીતે આપવામાં આવી છે. મદથી ઉત્પન્ન થતા આ ચારેય લક્ષણો ગર્વના અતિરેક્તથી જન્મે છે. તેથી આ ચારેય લક્ષણો સહીત મદ અને મોહ ને ઉત્પન્ન ન થવા દેવા હોય તો ગર્વ પ્રત્યે સંયમ રાખવો હિતાવહ છે. જેમ કે કોઈનો પુત્રોનો ગર્વ હોવો, સત્તાનો ગર્વ હોવો, માતાપિતાનો ગર્વ હોવો, અભ્યાસ કે વ્યાપારનો ગર્વ હોવો ઈત્યાદી, આ ગર્વ માં સમજનો અભાવ માણસમાં મદ અને મોહ નામના વિકારોને જન્મ આપે છે અને આ વિકારો વિકસ્યા પછી સંભાળવામાં ન આવે ત્યારે ક્રમશ અહંકાર, અભિમાન, ગુમાન અને ઘમંડ નામના અતિક્રુર વિકારો અદ્રશ્ય સ્વરૂપે માણસના શરીરમાં વિકસે છે, શરીરની પ્રકૃતિ ઉપર મુજબ, સમ, રજો અને તમો ગુણ મુજબ હોય છે અને તે રીતે આ વિકારો સમ, રજ અને તમો ગુણમાં અલગ અલગ રીતે વર્તાવ કરે છે. કહેવાનો મતલબ આ ચારેય લક્ષણને સમજવા માટે માણસના આહાર, વિચાર અને શારીરીક અભ્યાસ આવશ્યક છે. આહાર એટલે ભોજન, વિચાર એટલે આચરણ, વ્યવહાર અને શારીરીક એટલે બીમારીઓ ઈત્યાદી. માણસ માત્ર શરીરથી જ બીમાર નથી હોતો તેની બીમારી મગજ સુધી હોય છે.

આમ જો આહાર અયોગ્ય હોય તો વિચાર અયોગ્ય હોવાના અને તો તે માણસ મન અથવા શરીરથી બીમાર પણ હોવાનો, અને તો તેના વ્યવહાર અને આચરણમાં ઉપરના વિકારો એનો ભાગ ભજવે છે, આહાર માટે કોઈ પદાર્થ ખાદ્ય કે અખાદ્ય છે એ મારી દલીલ નથી, માણસનું શરીર છે એને ફાવે તો એ ગમે તે ખાય (માંસ, કંદમૂળ, ફળફળાદી અથવા અન્નધાન્ય) એ કોઈ પણ પદાર્થ ખાવા સ્વતંત્ર છે, આવા પદાર્થોમાં રાંધેલું, કાચું, વાસી વગેરે પ્રકાર છે તે મુજબ ગમે તે પ્રકારે તે આરોગી શકે. ઉલ્લેખ માત્ર એટલો જ છે કે તેણે આરોગેલું ખાધ તેના જઠરમાં ઉપર મુજબના લક્ષણો અને પ્રકારોનું સર્જન કરે છે. તેથી સારા વિચાર માટે સારો ખોરાક બેહદ જરૂરી છે, અને સારા વિચારો થકી જ માણસ અહંકાર, અભિમાન, ગુમાન અને ઘમંડનો નાસ કરી શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ વાત તો થઇ અહંકાર, અભિમાન, ગુમાન અને ઘમંડને વિકસવા ન દેવા તેની, પરંતુ જેઓની અંદર આ પહેલેથી જ નાનામોટા પ્રમાણમાં અહંકાર, અભિમાન, ગુમાન અને ઘમંડ વિકસેલ હોય તેનું શું ? આવા વિકારોને માણસના શાકાહારી હોવું, માંસાહારી હોવું કે ઉપવાસી હોવું તેનાથી કોઈ ખાસ ફર્ક નથી પડતો, જેમ કે દુનિયામાં એવા અસંખ્ય બુદ્ધિજીવીઓ પાક્યા જેઓ પોતાના આહારમાં માંસનો ઉપયોગ કરતા હતા, તો એવા અસંખ્ય અબુદ્ધો પણ આપણને નજરે પડે છે જે શુદ્ધ શાકાહારી હોય ? વિચારોની શૃંખલામાં જેઓ હાઈ લેવલે પહોચી ગયા હોય તેને આહારથી એટલો ફર્ક નથી પડતો તેમ છતાં તેમણે આ લેવલ પર પહોચવા સર્વપ્રથમ આહારને જ આધાર બનાવવો પડે. પરંતુ આપણે વાત કરી રહ્યા હતા જે લોકોમાં આવા વિકારો વિકસેલ હોય તેનું સમાધાન શું, જેવો આવા વિકારોથી ગ્રસિત હોય તેમણે સર્વપ્રથમ મોહ નો ત્યાગ કરવો અત્યંત આવશ્યક છે સાથે સાથે દ્રઢતાનો વિકાસ કરવો પણ એટલો જ જરૂરી છે. તેમજ તેમણે પ્રબળ ઇચ્છાશક્તિ પણ વિકસાવવી જોઈએ, કોઈ પણ નિર્ણય વિચાર્યા વગર કરવો ન જોઈએ અને એક વખત જે નિર્ણય વિચારીને લઇ લીધો હોય તેમાં પીછેહઠ કરવી ન જોઈએ, જો આવા કેટલાક નાનકડા ફેરફારો કરવામાં આવે તો આવા જટીલ વિકારો નાબુદ કરી શકાય છે. જો વિકારો નાબુદ કરવા ન માંગતા હોય તો તેઓ પોતાના વિકારોના ગુલામ છે, તેના નિર્ણય અને પોતે પ્રભુત્વ ગુમાવી દે છે. અને આમ તે નિર્માલ્ય થઇ જાય છે.

માણસનો વિકાસ કે પ્રગતિ એક ચક્રમાં ચાલે છે જેને આગળ ગતી આપવામાં આવે તો વિકાસ અથવા પ્રગતિ સાધી શકાય છે અને પાછળ ગતિ આપવામાં આવે તો વિનાશ નોતરી શકાય છે ત્યારે પ્રશ્ન એ છે કે ચક્રની ગતી આગળ છે કે પાછળ તે કેમ જાણી શકાય ? ઉદાહરણ લઈએ તો પર્વતમાળા ઉચી હોય છે તેની ઉચાઈએ પહોચવા માણસને શ્રમ વધે કે ઘટે ? જવાબ પણ આ પ્રશ્નમાં જ સમાયેલો છે. જો માણસના જીવનમાં શ્રમનું મહત્વ ઘટતા ક્રમે હોય તો તેનું ચક્ર પાછળ ઘૂમી રહ્યું છે અને જો શ્રમનું મહત્વ વધતા ક્રમે હોય તો એનું ચક્ર આગળ ધપી રહ્યું છે, આજે નાની ઉમરમાં લોકો કેટલાક પૈસાની બદોલત પોતાના જીવનમાં શ્રમનો વિલય કરે છે તે ચિંતાજનક છે, હા ગધેડાની જેમ મહેનતને શ્રમ નથી કહેતા આપણે પરંતુ જો શરીરથી શ્રમ ન હોય તો વિચારોને શ્રમ નથી મળવાનો અને વિચારોથી શ્રમ ન હોય તેના વ્યવહાર અને આચરણમાં તેઓ બેશરમ હોય છે, શરમ ત્યજી ચુકેલા આવા લોકો સપના તો ઉચા જોઈ શકે છે પરંતુ હકીકતની ઉચાઈથી તેઓ હંમેશા નીચે જ રહી જાય છે.
અસ્તુ !!


12 May 2020

આજનો યુગ સીતા કે અનસૂયા જેવી મહાન નારીઓનો નથી


આજના યુગમાં પ્રેમ એ શારીરીક આકર્ષણથી વધુ મૂલ્ય ધરાવતો નથી, પુરુષ અને સ્ત્રી માત્ર એકબીજાની શારીરીક પૂર્તતા પૂરતા જ અને એમાં છૂટછાટ મેળવવા દાંપત્યજીવનમાં પગલાં પાડે છે, તેમાં પણ જે દાંપત્યજીવન તૂટી જાય છે તે સમાજ માટે વધુ ખતરનાક છે, જો કે મહિલા સ્વાતંત્ર્ય માટે આ વાત આજના યુગમાં કહેવી એ મહિલાઓના અધિકાર ઝુટવવા જેવી વાત છે, પરંતુ એક પત્રકાર તરીકે જ્યારે આ વિષયની હકીકત જોવા મળે છે તે જોઈને હૃદય કંપી ઉઠે છે. હું જે પ્રકારની મહિલાઓની વાત કરવા માગું છું તેવા પ્રકારની મહિલાઓ ઉણપ પ્રેમની બતાવે પરંતુ વાસ્તવમાં એ એના ઓઠા હેઠળ પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ ચાહે છે, તેવી મહિલાઓને પ્રેમ અને સેક્સ બંને એક જ પુરુષથી મળી રહે એ પૂરતું નથી, એની આ માંગ કેટલી વ્યાજબી છે કે ગેરવ્યાજબી છે એ લેખા જોખા નથી કરવા માંગતો કે કરી પણ ન શકું પણ એનું ચિંતન વ્યક્ત કરવાનો અધિકાર એક પત્રકાર તરીકે મને પણ છે, આજનો યુગ સીતા કે અનસૂયા જેવી મહાન નારીઓનો નથી અને જે પ્રકારની સ્ત્રીઓની હું ચિંતા વ્યક્ત કરું છું તે આજે જ છે તેવુંય નથી કેમકે એ પૌરાણિક યુગમાં પણ અહલ્યા, કૈકેયી કે મંથરા જેવી નારીઓ હતી. કહેવાનો મતલબ એ છે કે તેમાં દંભ શા માટે ? આત્મનિર્ભર મહિલા હોય અને વિવિધ પુરુષો સાથે તેના સેક્સ્યુઅલ સંબંધો પ્રવર્તમાન હોય તો દંભ શા માટે ? અને તો સતી સાવિત્રી બનવાના ડોળ શા માટે, જ્યારે એ એના પતિને માત્ર દંભ પોષવાનું સાધન જ માનતી હોય, તો તેવા પતિની પીઠ પાછળ લીલા સર્જીને, દાંપત્યજીવનમાં એ સાબિત શું કરે છે ? એની સ્વતંત્રતા ? એના અધિકારો... ? મોટા ભાગના બળાત્કારના કેસોમાં તપાસ થયા બાદ જૂનો શારીરીક સંબંધ ઉપસી આવે છે ત્યારે એનો મતલબ તો એટલો જ થયો કે એ એની સ્વેચ્છા હતી હવે તેની ઈચ્છા હજુ વધુ એક પુરુષની છે. 

નારી નારાયણી એ મંત્ર બોલીએ ત્યારે હૈયું ગદગદ થઈ જાય પરંતુ જ્યારે વ્યક્તિ આવી કુલક્ષીણી સ્ત્રીઓની ઝપટે ચડી જાય ત્યારે એ ગદગદિત હૈયામાં પાછળથી અફસોસનો સાગર ઉમટી જાય, ત્યારે મહિલાઓની આવી પણ કોઈ બાજુ હોય છે કે નહીં ? તે વધુ સ્પષ્ટતાથી સમજવા જો પૌરાણિક પુસ્તકો, ખ્યાતનામ મહિલાઓ દ્વારા લખવામાં આવેલી આત્મકથાઓનો અભ્યાસ કરીએ તો સમજવા મળે છે કે દરેક સ્ત્રીઓ સન્માનની ભૂખી હોય છે અને એક વખત એના સન્માનનું અપમાન જો કોઈ પુરુષ દ્વારા થઈ ગયું, તો તેવી અપમાનિત સ્ત્રી પુરુષોના નિકંદનમાં પોતાનું પતન ઇચ્છીને પણ પછીના દરેક પુરુષને યુઝ એન્ડ થ્રો ની થીયરીથી તે અપમાનિત કરવાને, એનો વિકૃત આનંદ માને છે, મને માફ કરજો પણ મહિલાઓના સ્વાતંત્ર્ય માટે લડતી મહિલા સંસ્થાઓ આવી ખામી કેટલીક સ્ત્રીઓમાં હોય તેવું ઓફલાઇન માને છે પણ ઓનલાઈન કશું ન કહેવા એ મજબુર છે. આવી સ્ત્રીઓને ઓળખવી અઘરી નથી પણ એટલી આસાન પણ નથી. સ્ત્રી પુરુષના ઝગડામાં જો કે કોઈની રુચિ ન હોય પરંતુ દાંપત્ય ભોગવી ચૂકેલા સ્ત્રી કે પુરુષો આવા ઝગડાઓથી વાકેફ જરૂર હોય છે, પત્રકાર તરીકે મેં સ્ત્રીઓના પક્ષમાં આવા અનેક અનુભવો પુરુષો સાથે અને છૂટાછેડા લીધેલી સ્ત્રીઓ સાથે ચર્ચયા છે, જેમાં જાણવા મળેલી હકીકતોને મેં પણ પ્રયોગ કરીને અનુભવી જોયો, ત્યારે મને જે હકીકતો જાણવા મળી તેમાં કેટલીક સ્ત્રી ન તો પિતાથી બંધનમાં રહેવા માંગે છે, ન પતિથી, એટલું જ નહીં જો એના ઉપર શંકા દોહરાવવામાં આવે તો તેવી શંકાના નિરાકરણને બદલે તેવી શંકાને હકીકતમાં બદલવા પણ તૈયાર હોય છે, એમાં એજન્ડા એક જ સર્વોચ્ય હોય છે, યેનકેન પ્રકારે આઝાદી અને આવી આઝાદીના ઓઠા હેઠળ તે પિતા કે પતિની પ્રતિષ્ઠા કે પોતાની પ્રતિષ્ઠાના ભોગે પણ એની અમર્યાદિત રાસલીલા આચરવામાં કોઈ કસર છોડતી નથી, હા તેની થંભવાની એક જ સીમા છે અને તે છે એના દેહનું ઘટવા માંડતું આકર્ષણ... માફી હજુ પણ માંગવી ઉચિત માનું છું કે સમાજમાં આવી છુપી સ્ત્રીઓથી તો લાખ દરજ્જે એ સ્ત્રીઓ સારી જે કમસેકમ એક લાયસન્સથી દેહવ્યાપર કરે છે. સમાજ માટે પણ આવી છુપાયેલી સ્ત્રીઓ ખતરાની ઘંટડી છે જે વાગે છે, એ દરેકને સંભળાય છે પણ અવાજ ક્યાંથી આવે એ નજરે નથી પડતું, ત્યારે કહેવાનું તાત્પર્ય એટલું જ છે કે પુરુષો સ્ત્રીઓના સન્માનમાં કોઈ કચાશ ન દાખવે, 

જો કોઈ સ્ત્રી સાથે એ દામ્પત્ય જીવનના પ્રભુતામાં પગલાં પાડવા ચાહે તો અન્ય બાબતોની જેમ એનું પ્રિયપાત્ર અપમાનના કોઈ ઊંડા આઘાતનું શીકાર નથી ને ? એ ચકાસણી પણ જરૂર કરે કેમકે એક વખત હદથી બહારનું અપમાન પામી ચુકેલી સ્ત્રી જ્યારે બદલાની પ્રબળ ભાવના તળે આવી જાય ત્યારે એને સાકાર કરવા એ ગમે તેવા પુરુષોની બલી ચડાવતા જરા પણ દયા દાખવતી નથી. હું તો ત્યાં સુધી કહીશ કે સ્ત્રીઓનું બદચલન હોય તો તેને પણ સ્વીકારી લેવાય કદાચ પણ જો કોઈ સ્ત્રી બદલાની વૃત્તિ ઉપર આવી જાય તો તેવી સ્ત્રીથી બચવું અઘરું છે, તેવી સ્ત્રી અપમાનની આગમાં મહાભારતનું સર્જન કરી શકે છે, તેને નકારી કે ટાળી શકાય નહીં. ભલા થઈને સ્ત્રીઓના અપમાનનું કારણ ન બનવું કેમકે એક પુરુષથી અપમાનિત થયેલ સ્ત્રી બાદમાં કેટલાય પુરુષોનું બલિદાન લેતા ખચકાતી નથી એ નક્કર હકીકત છે. 

લેખના શીર્ષક અનુસાર આજના યુગમાં સીતા કે અનસુયા જેવી સ્ત્રીઓ તો છે પણ તેવી મહિલાઓને આજનો યુગ તેવી બની રહેવા દેતો નથી,  એક પત્રકાર તરીકે મહિલાઓ સાથે થયેલા ક્રાઈમ અથવા મહિલા દ્વારા થયેલ ક્રાઇમના કિસ્સાઓનો મેં ઊંડો અભ્યાસ કર્યો છે. જેમાં મહિલાઓનો અભાવ અને પુરુષોનો પ્રભાવ સ્પષ્ટ વર્તાય છે, શારીરીક જરૂરીયાતો પુરુષ અને મહિલા બંનેને એકસરખી જ હોય છે, મહિલાઓ એને પુરુષ પ્રત્યેનું સમર્પણ માને છે અને મોટાભાગે પુરુષો એને ઉપભોગનું યંત્ર માને છે, આ અસમાનતામાં મહિલાઓનો બદલતો સ્વભાવ પુરુષોના પ્રભાવને ઓછો કરવા માટે જ બદલે છે. પુરુષ હોય કે સ્ત્રી બંનેને પ્રેમ પણ સરખો હોય છે, કહેવાય છે કે પુરુષોના આદરમાં સ્ત્રીઓ ત્રણ વાત ક્યારેય ભુલાવી શકતી નથી, એક પિતાનો પ્રેમ, બીજી એનાં જીવનમાં આવેલા પહેલા પુરુષનો પ્રેમ અને ત્રીજી એના ઉદરેથી પુત્રને જન્મ આપવાનો પ્રેમ. આ ત્રણ બાબતમાંથી કોઈ એક બાબતે કોઈ પણ ખોટી ચર્ચા કે દલીલમાં એ એનો આપો ગુમાવે છે. સામાજીક રીતે આ બાબતની નકકરતા તપાસીએ તો લગ્ન એક પરંપરા હોવાથી તે પિતાનું ઘર છોડવા મજબુર બને છે, પહેલો પુરુષ એના જીવનમાં આવે ત્યારે ભવિષ્યમાં એનો પતિ કોણ હશે તેનાથી એ અજાણ હોય છે એટલે લગભગ તો પતિ તરીકેનું સૌભાગ્ય એ તે પુરુષને જ આપવાનું બહેતર માને છે, અને તેમ નથી થતું ત્યારે એ ઈમાનદાર રહેવાનું મન બનાવે છે અને પુત્રનો જન્મ આપે ત્યારે એને એના દાંપત્યને અખંડ રાખવાનો એ ઉપાય બનાવે છે, આ ત્રણ બાબતો એના મનમાં એટલે ઊંડે સુધી હોય છે કે એના પાયા કોઈ હચમચાવે ત્યારે એને એ અપમાન માને છે.

ત્યારે જો આજે પણ સીતા માતા કે અનસુયા માં જેવી સ્ત્રીઓ પોતાના જીવનમાં ઈચ્છો છો તો એક પુરુષ તરીકે હું નાનામોટા દરેક પુરુષને એક વાત કહેવા માગું છું. કે કોઈ યુવતીના જીવનમાં પ્રવેશ કરો તો એને અર્ધાંગિની બનાવવા કમર કસી લેવી, અન્યથા માત્ર ડોકીયું કરવાનું હોય તો એ ન કરવું, પુત્રીને જન્મ આપો તો એ વાસ્તવિકતા ધ્યાનમાં રાખીને ચાલો કે દીકરી પરાયું ધન છે, એને પ્રેમ આપો, સ્નેહ આપો પણ એના હૃદયમાં એના પતિ માટેની જગ્યા ખાલી રાખો અને એને અવસર આપો કે એ જગ્યા પુરનાર પુરુષ તમારા જેવો જ સ્નેહાળ હોય, જે એનો પતિ હોય. અને ત્રીજી વાત જે માતાના ઉદરમાંથી જન્મ મળે તે ઋણ દુનિયાનું કોઈ ધન આપીને તમે ચૂકવી નહીં શકો, માતાને એ વાત યાદ ન આવે એટલે એ જગ્યા તમારા સ્નેહથી ભરી દો, દંભી સ્ત્રીઓથી નફરત નથી અને આદરણીય સ્ત્રીઓ માટે આદર જરાય ઓછો નથી, બલ્કે સ્ત્રીઓને નફરત કરી જ ન શકાય કેમકે એનામાં દંભનું કારણ કોઈને કોઈ પુરુષ હોય છે અને આ પુરૂષ, પહેલો પુરૂષ, પિતા અને પુત્ર ત્રણ પૈકી કોઈ એક જ હોય છે તેમાં કોઈ બેમત નથી. 
અસ્તુ!!

સમસ્યાઓ કેમ છે અને શું છે એનું સમાધાન


સમસ્યાઓ કેમ છે અને શું છે એનું સમાધાન

આર્થિક, માનસીક, સામાજીક, રાજકીય જેવી અનેક સમસ્યાઓ સાથે આજે ભારતનો એક એક નાગરીક જજુમી રહ્યો છે ત્યારે બધી સમસ્યાઓનું સમાધાન તો એકલો હું સુચવી ન શકું પરંતુ સામાજીક સમસ્યાઓના સમાધાન તરફ મારું એક સૂચન જરૂર સુચવી શકું, સમાધાનમાં સુચન તરફ જઈએ તે પહેલા કેટલીક કડવી મીઠી વાતો તરફ જવું પડશે જેથી કોઈને જો કડવી વાત ચુભે અને એની લાગણી દુભાય તો હું પહેલાથી એની માફી ચાહું છું. અને એક પ્રાર્થના કરું છું કે કડવું લાગે તો પણ વાંચજો અને વિચારજો....

મારા મતે દુનિયાની તમામ સમસ્યાઓનું મૂળ છે ભારતનું સામાજીક જીવન, ભારત વિવિધતાઓથી ભરેલો દેશ છે, કહેવાય છે કે બાર ગાવે બોલી બદલે અને પંદર ગાવે રીવાજ. આ રીવાજોનું સમજ્યા વિચાર્યા વગર આદાનપ્રદાન કરી નાંખ્યું એ સમસ્યાનું પહેલું મૂળ છે. જેમ કે એક ઉદાહરણ આપું તો શ્રીમંત લોકોના ઘરમાં જે રીતે પ્રસંગો ઉજવાય તેનું અનુસરણ મધ્યમ કે ગરીબ લોકો કરવા જાય તો શું થાય ? હું આ વાત ભેદભાવથી પર રહીને કહેવા માંગુ છું તેથી મારી વાત વાસ્તવિકતા સાથે હશે કોઈ રીવાજ કે કોઈ વર્ગ સાથે નહિ. હમણાં હમણાં દરેક સમાજમાં એક વિચિત્ર પરંપરા શરૂ થઇ છે. લગ્નપ્રસંગોમાં ઉજવાતી “સાંજી” માં લેણદેણ !! વિચારો, આ રીત કોઈએ પોતાની ખુશી વ્યક્ત કરવા શરૂ કરી હશે જેને તેની નીજી ખુશી રાખવાને બદલે આજે આ દરેક સમાજમાં પરંપરા અને રીવાજ બની ગયા છે. આવો જ બીજો વિચિત્ર રીવાજ છે બાળકના જન્મ વખતે પેંડા, સાકર કે ખજુર વહેચવાનો !! બેશક આ ખુશીના પ્રસંગો છે તેની નાં નહિ પણ આને રીવાજ શા માટે બનાવો છો ? સમાજના બીજા લોકોને આમ જ કરવા ફરજ કેમ પાડો છો ? દીકરો કે દીકરી જન્મે એટલે માતા પિતાની ખુશીમાં આનંદનો સાગર લહેરાતો હોય તેમાં કોઈ સંદેહ જ નથી, આવા બાળકો મોટા થાય અને પ્રભુતામાં પગલા પાડતા હોય ત્યારે આ આનંદ બેવડો હોય તેમાં પણ કોઈ સંદેહ નથી પરંતુ જયારે આ આનંદ છુટ્ટાછેડામાં પરીણમે ત્યારે આઘાત પણ ચાર ગણો થઇ જાય છે આવી વાસ્તવિકતાથી દુર છે આજનું માનસ.

જીવનની આ કડવી સચ્ચાઈ છે કે આપણા ઘરની સાચી વાસ્તવિકતાને ઢાંકપીછોડા કરવા રીવાજ કે પરંપરાની ઢાલ ક્યારેય ન અપનાવો, બાળક મોબાઈલ માંગે એટલે તુરંત અપાવી દેવો, બાળક રીચાર્જ માંગે એટલે તુરંત કરાવી દેવું, બાળક બાઈક માંગે એટલે તુરંત અપાવી દેવું અને વર્ષના અંતે બજેટ ગડબડાય ત્યારે એકલા એકલા રોવું એ બાળકોની ખુશી માટેનો તમારો ત્યાગ નહિ પરંતુ સમાજમાં ખોટી દેખાદેખી કરવાની તમારી મહત્વકાંક્ષા પુરવાર થાય છે. વાત કડવી છે પણ ગુસ્સે થવાને બદલે વિચારજો, વાત વાસ્તવિકતાથી વિપરીત જરાય પુરવાર નહિ હોય.

ત્યારે પહેલી અને આખરી સચ્ચાઈ એ છે કે આપણા ઘરની વાસ્તવિકતાની આપણા ઘરના બધા લોકોને ખબર હોવી જોઈએ, આમાં દેખાદેખી કે સારૂ નરસું કશું નથી, નાનકડા એ બાળકને ખબર હોવી જ જોઈએ કે બહારના રીતરીવાજ અને પરંપરા માટે નહિ પણ અંદર (ઘર) ની સચ્ચાઈ મુજબ એણે જીવવાનું છે. જીવનની બીજી મોટી સચ્ચાઈ છે કે માણસ વાસ્તવિકતાની બહાર જે કરે તેમાં કોઈ પરીણામ નથી આવતું, વાસ્તવિકતા બહારની કોઈ પ્રક્રીયામાં પરીણામ ક્યારેય ન મળે.

બાળક ભણે છે એટલે મોબાઈલ, બાઈક કે લેપટોપ આપવા જોઈએ એવી કોઈ દલીલ હોય તો એને જવાબ આપવા નહિ પણ વાસ્તવિકતા તરફ ધ્યાન દોરવા જરૂર કહીશ કે એવા અસંખ્ય IAS કે IPS આપણી વચ્ચે છે જેના માતાપિતાએ રીવાજ કે પરંપરા નહિ પણ બાળકોને શિક્ષણમાં પોતાના ઘરની વાસ્તવિકતા કહી બતાવી, તો જ એવા બાળકને લગન અને લાગણી થતી હશે કદાચ કે પોતે એના ઘરની વાસ્તવિકતા બદલવા ઉચ્ચ અભ્યાસ કરશે અને તો જ એ બાઈક, લેપટોપ કે મોબાઈલ વગર પરીણામ લાવી શકતા હશે. એટલે પહેલી વાત તો એ કે આપણી આર્થિક સ્થિતિ શું છે ? આપણા ઘરની વાસ્તવિકતા શું છે એ આપણા દીકરા કે દીકરી ને ખબર હોવી જ જોઈએ. આજે આવી સામાજીક સમસ્યાઓ ભણેલા ગણેલા લોકોમાં વધારે છે, અભણમાં ઓછી છે. રીવાજ અને પરંપરાઓની આ છે સચ્ચાઈ, બેશક પૈસા પાત્ર હોવ અને ખુશીઓની ઉજાણી કરો તેમાં નાં નહિ પરંતુ ખુશીની ઉજાણીમાં વપરાતા પૈસા આવનારી મુસીબતો માટે સાચવીને રાખશો ને તો એ તમને કામ લાગશે. જે માતા પિતા લાખો રૂપિયાના ખર્ચે પોતાના દીકરા કે દીકરીના લગ્ન પાછળ ખર્ચ કરે છે અને જયારે ટૂંક જ સમયમાં તેઓ તે દીકરા કે દીકરીના છુટ્ટાછેડાના પ્રસંગનો સામનો કરે ત્યારે બાળકોના ભવિષ્યની નહિ પણ પોતે કરેલા ખર્ચની વાત પહેલા આવે છે.

આ વાત કોઈને ગમતી નથી, કોઈને નાં પાડીએ એ આજે ગમતું નથી, કેમકે દરેક માણસ એમ ઈચ્છે છે કે હું મારું મન પડે એમ કરવા માંગુ છું, ત્યારે એક કડવી હકીકત એ છે કે દરેક લોકોને એનું મન પડે તેમ કરવાની છૂટ જરૂર છે પરંતુ એની સચ્ચાઈ એ છે કે આ મન પોતાના ઘરના ઉંબરા સુધી જ ચાલે, સામાજીક રીતે તમે તમારા મન મુજબ જીવવા કે કરવા માંગો તો એ ન ચાલે. આજે લોકો વાસ્તવિકતા થી જોજનો દુર ઊભીને કાર્યો કરે છે અને બાદમાં તેની નિષ્ફળતા તેમનાથી સહન થતી નથી. ત્યારે ચાદર તેવડી સોડ તાણવી એ વાત અમથે અમથી ચર્ચામાં નથી આવતી, આ વાત હકીકત છે

સામાજીક પ્રક્રીયા એના સિદ્ધાંત અને એની પ્રક્રીયાથી ચાલે છે. તેમાં તમે સુચન કરી શકો મનનું ધાર્યું નહિ, સમાજની આ સળગતી સમસ્યાઓ છે તેને નાથી ન શકાય અને તેને રોકવા કે ટોકવાને બદલે માત્ર વાસ્તવિકતા સમજાવી શકાય અને એ હકીકત છે કે ભટકી ગયેલા લોકો જયારે વાસ્તવિકતા સમજવા તૈયાર નથી હોતા અને ભાગમભાગમાં રોકાતા નથી ત્યારે તેને થોભાવી દેવા માટે પ્રકૃતિ ફરજ પાડે છે. બાળકોના જન્મ વખતે થયેલી ખુશીના પૈસા, તેના પ્રત્યેક જન્મદિવસની ઉજાણીના પૈસા, તેના લગ્ન કે પરીવાર વિકાસના પૈસા ખર્ચ કરો કે બચાવો તેમ નહિ કહું પણ એની વાસ્તવિકતા બાળકોથી ન છુપાવો તો જ એ બાળક વાસ્તવિકતાને શીખશે કે સમજશે. અને તો જ વાસ્તવિકતા પેઢી દર પેઢી આગળ ચાલશે, બાકી તો બાર ગાવે બોલી બદલે તેમ રીવાજ અને પરંપરા સાથે નહિ ચાલે, સચ્ચાઈ, વાસ્તવિકતા અને હકીકત સાથે ચાલશે અને ત્યારે જ આને કહેવાય દુરોગામી અસરો.

મનપડતી વૃત્તિઓ મુજબ વર્તતા લોકોને એક સરળ ઉદાહરણથી સમજાવવા માગું છું કે ગાદલા પર માણસ ગમે તેમ બેસી શકે પણ ખુરશી ઉપર ગમે તેમ બેસાતું નથી, ખુરશી પર ગમે તેમ બેસવાનો મતલબ તમે દુરોગામી અસરોની એક મોટામાં મોટી બાધા છો. આમ ઘરમાં દરેક ગાદલા મુજબ વર્તી શકે પણ ઘરની બહાર તે ખુરશી ઉપર છે અને ત્યાં ગમે તેમ વર્તી ન શકે. સમાજનો આગેવાન તમારી આર્થિક સદ્ધરતા પાસે ગમે તેવડો નાનો હોય પણ એનું સમર્પણ તમારા ધન કરતા ક્યાંય મોટું હોય છે, એ સમાજને દિશા આપવાનું કામ કરે છે, એ સમાજને દુરોગામી અસરો આપવાનું કામ કરે છે, જો એ એને બેસવા આપેલી ખુરશી પર જેમ તેમ બેસતો હોય તો પળનો પણ વિચાર કર્યા વિના તેને તે ખુરશીથી દુર કરવો એ સમાજ સેવા છે.

એક કડવી વાત કહું જો ત્રેવડ (ક્ષમતા) વિનાનું કોઈને સર્ટીફીકેટ આપશો ને, તો તમે તેને ઉપાધી (સન્માન) જરૂર આપો છો પણ સાથે સાથે તમે અનેક લોકો માટે ઉપાદી (સમસ્યા) નું નિર્માણ પણ ત્યારે જ કરી નાંખો છો, સમાજ કોઈ પણ હોય તેનું નિર્માણ સમાજના સમર્પિત લોકો સિવાય કોઈ ન કરી શકે, કોઈ અગર માને છે કે સમાજનું નિર્માણ ધન (પૈસા) થી થાય, સમાજનું નિર્માણ રીવાજ (દેખાદેખી) થી થાય તો એ ભૂલ ભરેલું છે, વાસ્તવિકતાથી દુર આ ફુગ્ગો સમય જતા ફૂટી જ જાશે. અગાઉની જનરેશન કરતા અત્યારની જનરેશન ભિન્ન કે અલગ નથી, અગાઉની જનરેશન કરતા અત્યારની જનરેશન વધુ ટેલેન્ટેડ છે, બસ એ ટેલેન્ટમાં વાસ્તવિકતાને ઉમેરી દો, ઉપાધી એ મેળવશે અને સન્માન તમને અપાવશે. એના ટેલેન્ટને નક્કર હકીકત સાથે જોડી દો, એ તમારી ઉપાદી નિવારશે. મેં અનેક સમારંભોમાં કહ્યું છે કે સમાજની ખુરશી એવા લોકોને જ આપો જે સમાજને કઈક આપી શકે, સમાજની ખુરશીને એ ગાદલાની જેમ ઉપયોગમાં ન લે તેવા લોકોને જ જે-તે સમાજની ખુરશી સુધી પહોચવા દો. એ તમારી વાસ્તવિકતા પૂર્ણ સમાજ-સેવા છે. અને ત્યારે એવા લોકો જયારે સમાજમાં બેઠા હોય ને તો એની ઓથ સમાજને મળે.

એક વધુ કડવી હકીકત કહું છું કે ખરા લોકો જો સમાજમાં હોય તો સમાજની બાધાના ભુક્કા કાઢી નાંખે અને જો આવા લોકોને સમાજ ખુરશી ન આપે અને તેને ઘરે બેસાડે તો આવા લોકો સમાજના ભુક્કા બોલી જાય ત્યાં સુધી આગળ નથી આવતા, કારણ ? સમાજે જ તેને ઘરે બેસવાનો આદેશ કર્યો હોય છે !! આ છે સામાજીક વાસ્તવિકતા અને આટલું જ છે તેનું સમાધાન, સામાજીક સમસ્યાઓથી ઘેરાયેલા અનેક લોકો એવા છે જેના અનેક સવાલ છે પણ તેના જવાબ આજના આગેવાનો પાસે નથી ત્યારે એક કડવા ઉદાહરણ સાથે મારી વાત પૂરી કરું છું, શ્રી કૃષ્ણ પૂર્ણ પુરષોતમ કેમ કહેવાય છે, જાણો છો? જન્મ થયો જેલમાં, ઉછેર થયો પાલક માતા પિતા પાસે, યુવાની એની સાંદીપની આશ્રમમાં વીતી, અને સમાજને યોગદાન આપવાનો સમય આવ્યો તો સ્વાર્થ રહીત એણે સેવા કરી, કહેવાનો મતલબ એટલો જ કે સમાજને કશુંક આપવા માટે એ બધું છોડતા જ રહ્યા, અને જયારે સમાજમાં છોડતા રહેવાની ભાવના વાળો આગેવાન બેસે ને ત્યારે એ સમાજના આગેવાનો પૂર્ણ પુરષોતમથી કમ ન હોય, આવા એક એક શ્રી કૃષ્ણ આજે એક એક સમાજ પાસે છે પણ વિવશતા છે કે તેને તેના જ સમાજે ઘરે બેસવાનો આદેશ કર્યો છે.  
અસ્તુ !!
    






10 May 2020

પ્રકૃતિ.

વહેલો કે મોડો પણ આખરે મનુષ્ય પ્રકૃતિના નિયમોનું અનુસરણ કરશે ત્યારે જ થાય, સંસારનો એ જ નિયમ છે. ત્યારે કેટલાક નિયમ છે જેને આપણે પોતે જ આપણા અનુભવો અને વર્તન સાથે મુલવીએ જેથી એક મનુષ્ય તરીકે કાંઈ ચૂક થતી હોય તો તેને સુધારી શકાય, જેવો કે જંગલનો સર્વાધિક એક નિયમ છે કે લોકોના પેટ ભરવા માટે ઇંધણ હેતુ લાકડાં આપવા, આજે તો જો કે સિમેન્ટના જંગલો ખડકાયેલા છે અને લોકો પણ એના ભોગ માટે ગેસ જેવા પદાર્થો વાપરે છે તેમ છતાં પણ આ ગેસ કે ઇત્યાદિ ઇંધણ આજે પણ પ્રકૃતિની જ દેન છે. પરંતુ લાકડા ઉપર જ વાત કરીએ તો સૂકા લાકડા જેટલા હોય તેટલા માણસ લે તેમાં પ્રકૃતિ રાજી હોય છે પણ જેવા લીલા લાકડા પર માણસનો લાલચ રૂપી કુહાડો વિઝાય એટલે પ્રકૃતિ તેને નિયમના ઉલ્લંઘન તરીકે જુએ છે. બીજો નિયમ છે સમાનતા... આજે તો માતા દિવસ છે એટલે પણ અને માતા જે બાળકને જન્મ આપે તેમાં પ્રકૃતિ કોઈ ભેદભાવ દાખવતી નથી, પરંતુ આજે જાતિવાદના વાઘ પર બેસેલા કોઈ સમાનતાને સમજવા તૈયાર નથી, પ્રકૃતિ આને પણ ઉલ્લંઘન તરીકે જ જુએ છે. ત્રીજો નિયમ છે, સહજતા... માણસ ને માણસ માટે જ નહીં પણ માણસને કોઈ જીવ માટે દુર્ભાવ ન હોવો જોઈએ, યદી કોઈ જીવ કે માણસ અહિતકારી છે તેવું પ્રકૃતિને લાગે તો એના ઉકેલ માટે એ તજવીજ કરે છે, જેમ કે "ટીડ" જો કોઈ ઉભાપાકને નુકશાન કરવા ટીડ ઉતરી પડે અને તેણે નુકશાન કર્યું એ નક્કી થઈ જાય તો તેવા જીવની હત્યા પ્રકૃતિ પોતે પણ ચાહે છે અને કરે કે કરાવે પણ છે. ચોથો નિયમ છે, પ્રગતિ કે વિકાસનો માર્ગ કંડરવો... માણસ જ્યારે સામુહિક પ્રગતિ કે વિકાસ કરવાને બદલે પોતાની પ્રગતિ કે વિકાસ કરવા લાગી જાય ત્યારે પ્રકૃતિ તેવા માણસને મદદ કરવામાંથી પોતાને પાછળ લઈ લેતી હોય છે. અનેક ઉદાહરણો આપણી વચ્ચે છે.

કોઈને આ લેખ વાંચીને એમ પણ લાગશે કે આવા સમયમાં આ જ્ઞાન ક્યાં આપવા બેઠા છો, વ્યર્થ છે. આ બધું. કોણ માને છે, કોણ સમજે છે અથવા આ શબ્દો વ્યર્થ છે કે શબ્દો પાસે માણસને પોતાની ભૂલો વ્યર્થ લાગે ? એ મારો વિષય નથી, પરંતુ હું આ સમયમાં આ વિષય કે સાર્વત્રિક વ્યથા કહી શકું છું એ મારો વિષય છે. કોઈ માને, ન માને, સ્વેચ્છાએ માને કે લાચારીવશ માને, પ્રકૃતિ પાસે આવા ઘણાબધા અનેક ઉપાયો છે, એક ઉદાહરણ પણ આપીશ. ઉત્તરાખંડમાં ઋષિકેશ વિસ્તારમાં ગંગા નદીનું વહેણ વર્ષો પહેલા 130 મીટરનું હતું, સિમેન્ટના જંગલો ખડકતા લોકોએ કિનારે બાંધકામ કરી ને આ વહેણ માત્ર 09 મીટર સુધી સીમિત કરી દીધેલું, અનેક ઇશારાઓ પછી પણ સમજમાં ન આવ્યું એટલે 2018 માં ત્યાં અતિવૃષ્ટિ થયેલી અને ગંગામાં પુર આવેલું, એ પુર કેટલું વિનાશક હતું એ દરેકને ખબર છે પણ આજે એ જ વહેણ પુનઃ 130 મીટરમાં વહે છે, કહેવાનો તાત્પર્ય એટલું જ કે વધુ કમાઈએ કે ઓછું કમાઈએ એ બધા કરતા ક્યાંય મહત્વનું એ છે કે પ્રકૃતિને નુકશાન ન કરીએ કેમકે પ્રકૃતિ જે સુર્જન કરે છે એ બધું જ ધરતી પર બધાના સમાન ભાગનું છે, તેમાંનો કોઈ હિસ્સો પડાવી લેવો એ પ્રકૃતિને ઉશ્કેરાવા જેવું છે.

ત્યારે અત્યારનો જ એક તાજો દાખલો જોઈએ તો "કોરોના" વાયરસ, સપ્ટેમ્બર મહિના સુધી આ કોરોના માણસને પ્રતિપલ પાગલ અવસ્થામાં રાખશે અને અસહાય માણસ પ્રકૃતિના આ પ્રકોપને સમજવાને બદલે તે વધુ નિયમ ઉલ્લંઘન કરશે. કહેવાનો મતલબ એટલો જ છે કે પ્રકૃતિના નિયમો શોધો, એને વાંચો, સમજો અને કોઈ ભૂલ એક માણસ તરીકે આપણાથી થતી હોય તો તેને સુધારવા પ્રયત્ન કરો, આજના મધર ડે માટે પ્રકૃતિ માતાનો આ સંદેશ બધાને આપીને મારી વાત પૂરી કરું છું.

09 May 2020

સ્વતંત્રતા



સ્વતંત્રતા દરેકને વહાલી હોય છે, છતાં પણ માણસ પોતાને કોઈને કોઈ બંધનમાં મહેસુસ કરે છે, કોઈને કર્જનું બંધન લાગે છે તો કોઈને વ્યક્તિનું, આમ અમીરથી લઈને ગરીબ સુધી વડાપ્રધાનથી લઈને એક ક્લાર્ક સુધી દરેકને આ બંધન અસહ્ય લાગે છે. ઘણી વખત આપણે જોયું હશે કે આપણને આપણું કામ બંધન લાગે જેને કરવા બીજા અનેક આતુર હોય છે અને કહેતા પણ હોય છે કે તમારે તો મજાનું છે, તકલીફ તો અમને છે. જયારે આપણે પણ એને એજ કહેવા માંગતા હોઈએ કે મજાનું તો તમારે છે. તકલીફ તો મને છે. તમે ક્યારેય વિચાર્યું કે કોઈપણ દેશ હોય, વસ્તી ઓછી હોય કે વધારે પણ એ દેશનો એક નાનકડો વર્ગ જ અમીર હોય છે, બાકીના બધા ગરીબ અથવા ગરીબથી સહેજ આગળ, આપણને થતું પણ હોય કે આમ કેમ ? શું ઈશ્વરને આ ઈમબેલેન્સ નહિ દેખાતો હોય? આવું જ સબંધોમાં પણ આપણને લાગે છે. આપણને એમ લાગે કે આપણે આપણા સબંધીને આટલા બધા ચાહતા હોવા છતાં તેને આપણી ચાહ કેમ નહિ દેખાતી હોય ? આનું રહસ્ય જાણવું છે ? તો આ લેખ એ રહસ્ય પાસે તમને લઇ જશે. આપણે સહુ ગુરુત્વાકર્ષણનો નિયમ તો જાણતા જ હોઈશું, કોઈ જાડો હોય કે પાતળો, ધનવાન હોય કે નિર્ધન પરંતુ એ દસ મજલા ઈમારત પરથી પડે તો એ નીચે જ આવે, તેમાં કોઈ ફેરફાર નથી. એ ફર્ક  આપણે ગુરુત્વાકર્ષણનો નિયમ જાણીએ છે એટલે નથી કરતા, બરાબરને !! પ્રકૃતિ, એટલે કે નેચર એને પણ આપણે જાણીએ જ છીએ તેમ છતાં પણ આપણે વરસાદ, વાવાઝોડા કે ધરતીકંપ માટે વૈજ્ઞાનિકો કે જ્યોતિષીઓની સલાહ અથવા આગાહી પર ચાલીએ છીએ. જો કોઈ એમ કહે તો કે આજે જે વાવાઝોડું આવ્યું એ તમારા કારણે આવ્યું ? અથવા કોઈ એમ કહે કે બે વર્ષથી વરસાદ નથી પડતો તેનું કારણ ફલાણો કે ઢીમકો માણસ છે, તો આપણે માનશું ? ના આપણે તેની વાતને નહી માનીએ અને વધુમાં એમ પણ કહીએ કે તે ભગવાન થોડો છે કે નેચર ઉપર તેની હકુમત ચાલે? તો તમારે આ રહસ્ય સુધી એક વખત પહોચવું જ જોઈએ. પ્રકૃતિ જ નહિ પ્રત્યેક માણસ એનું સુર્જન જાતે જ કરે છે. તેમ જ કોઈ માણસ ચાહે તેમ અને તેવા વરસાદ કે વાવાઝોડાનું નિર્માણ જાતે કરી શકે છે. વાત પર હસવું આવ્યું ને ? હા, તમે હસસો પણ ખરા કેમકે તમે એ રહસ્યને નથી જાણતા જે આ વાતનું સમર્થન કરે છે કે માણસ પોતે વાવાઝોડા કે ધરતીકંપનું નિર્માણ કરી શકે છે. માણસ પોતાને ધનીક કે ગરીબ બનાવી શકે છે, માણસ પોતે સમસ્યાઓમાં ઘેરાયેલો કે સમસ્યા બહાર રચ્યો પચ્યો જેમ રહેવા માંગતો હોય તેમ રહી શકે છે. છતાં પણ માણસને એમ લાગે કે આં પોતાના ગત જન્મોના કર્મનું ફળ છે, હું કોઈની આસ્થા પર આંગળી નહિ ચીંધુ એટલે કોઈને એમ લાગે કે આ એના કર્મોનું ફળ છે, છો ને હોતું !! કોઈને એમ લાગે કે પાપ કે પુણ્યના પ્રતાપ લોકોના જીવન સાથે હોય છે, છો ને હોતા !! પણ જો આ રહસ્યને તમે જાણી જશો તો તમે તમારી જીન્દગીને ચાહો એ મુકામ પર લઇ જઈ શકશો. આના માટે કોઈ વિશેષ નિયમ પાળવાના કે તોળવાના પણ નથી, બસ તમારે એ રહસ્યને જાણવાનું છે અને એક વખત જાતે અનુભવવાનું છે. જો આ બંને કરી શક્યા તો લગામ તમારા હાથમાં આવી જશે. આ લગામ કોઈના જીવનની નહિ પણ તમારા જીવનની છે જે બીજાના હાથમાં હોવાથી તમે દુઃખી અથવા સુખી હોવાનો અનુભવ કરો છો. આધ્યાત્મમાં અનેક લોકોએ આ રહસ્ય થકી જ લોકોના જીવન બદલ્યા છે. (જે અંધશ્રધ્ધાળુઓ હોય તેની વાત નથી કરતો) આ રહસ્ય છે “આકર્ષણ”, ગુરુત્વાકર્ષણના સિદ્ધાંત જેવો જ આ એક સિદ્ધાંત છે, જેના થકી માણસ તકલીફ મુક્ત અથવા તકલીફ ગ્રસ્ત રહે છે. માણસ ઘણી વખત એ વિચારતો હશે કે જે એને પસંદ નથી કે ગમતું નથી તે વર્તન કે ઘટના પોતાની સાથે વારંવાર કેમ થાય છે ? જેમ કે કોઈને ટ્રાફીકમાં અટવાવું નથી ગમતું છતાં તે અનેક વખત ટ્રાફીકમાં ફસાતા હોવાનો અફસોસ કરે છે. આકર્ષણ માણસ ચાહે કે ન ચાહે, આકર્ષણ સારૂ છે કે ખરાબ, તેમ છતાં આકર્ષણનો સિદ્ધાંત એની મેળે મેળે કામ કરે છે. બસ માણસ આ સિદ્ધાંતને જાણતો ન હોય ત્યારે એને ખરાબ અનુભૂતિ થાય અને જો એ આકર્ષણના સિદ્ધાંતને જાણી લે તો પછી એને સારા જ અનુભવ થાય. આ દુનિયામાં જો વફાદારીના બેનમુન નમુના કોઈ હોય તો એ છે પ્રકૃતિના સિદ્ધાંતો. એ બેગજબ વફાદાર છે.

આકર્ષણના સિદ્ધાંત પાસે માણસ જે ચાહે તે મેળવી શકે છે, ધન, દૌલત, સ્વસ્થતા, પ્રતિષ્ઠા, પદ, મુકામ ઈત્યાદી. આવા કેટલાક ગણ્યાગાંઠ્યા સિદ્ધાંતો માણસના આસીસ્ટન્ટ તરીકે કામ કરે તેવી સરસ વ્યવસ્થા કુદરતે બનાવી છે. બસ માણસ આ રહસ્યો સુધી પહોચવાને બદલે જીન્દગીની ભારે ભારે લડાઈઓ લડવા નીકળી પડે છે. આ સિદ્ધાંત જ જવાબદાર છે જે થઇ ગયું, જે થઇ રહ્યું અને જે થવાનું છે તેના માટે. આપણા બધા સાથે એક અનંત શક્તિ છે, જે ને વિજ્ઞાન પણ માને છે અને આધ્યાત્મ પણ. આ અનંત શક્તિઓ થકી જ માણસ ચંદ્ર પર કે અન્ય ગ્રહો જે આપણાથી દુર છે ત્યાં અંતરીક્ષ યાન મોકલી શકે છે, એટલું જ નહિ એ યાનના દરવાજા એ અહી બેઠા બેઠા ખોલે કે બંધ પણ કરી શકે છે. આ સિદ્ધાંતમાં કોઈ ભેદભાવ નથી કે એ માણસ ભારતીય છે કે રશીયન કે અન્ય દેશનો, માણસ ઠીંગણો છ કે લાંબો, પાતળો છે કે જાડો, ગરીબ છ કે નિર્ધન. કુદરતના સિદ્ધાંતો બસ જે તે માણસના આસીસ્ટન્ટ તરીકે કામ કરે છે. એ બધું જ જે માણસના જીવનમાં ઘટી રહ્યું છે તેને આકર્ષણનો સિદ્ધાંત આકાર આપી રહ્યું છે, એ બધું જ માણસે પોતે જ આકર્ષિત કર્યું હોય છે. કોઈને પ્રશ્ન થશે કે જે હું ચાહતો નથી તેને તે પોતે કેવી રીતે આકર્ષિત કરતો હોય ? આ સિદ્ધાંત ખોટો છે ? હું તેને માનતો નથી? માણસ કોઈ પણ માને કે ન માને એના જીવનમાં જે જે ઘટી રહ્યું છે તેને એ માણસે પોતે જ આકર્ષિત કર્યું હોય છે. એટલે જ મારે આગળ એ કહેવું પડ્યું કે કુદરતના સિદ્ધાંતો વફાદારીમાં બેનમુન છે. માણસ આદેશ આપે એટલે એ એમાં કોઈ જ ફેરફાર કે વધઘટ કર્યા વિના જ માણસ ને આપે છે. એટલે જ આને રહસ્ય કહીએ તો તે વધારે પડતું નથી.

વિજ્ઞાનની શોધ એમ કહે છે કે માણસ ઊંઘતો હોય કે જાગતો હોય તે ૨૪ કલાકમાં ૬૦ હજાર વિચારોને જન્મ આપે છે, જેમ કે સ્પમ, માનવીય સૃષ્ટિના ક્રમ માટે પ્રજનનનો જે સિદ્ધાંત છે તેમ જ એક માણસના જન્મ માટે કરોડો શુક્રાણું માણસની ઇન્દ્રી છોડે છે અને તેમાંથી એક વીક્રાણું અને એક શુક્રાણુની જોડી એક માણસનું સુર્જન કરે છે તેમ માણસ તેના દ્વારા કરવામાં આવતા ૬૦ હજાર વિચારોમાંથી કેટલાક વિચારોને હકીકત બનાવી શકે છે, તેની પાછળ જો કોઈ શક્તિ કામ કરતી હોય તો એ શક્તિનું નામ “આકર્ષણ” છે. એક ઉદાહરણ જોઈએ તો ધરતી ઉપર કામ કરતા બધા માણસની એક દિવસની કમાણી એકત્રિત કરીએ તો ખ્યાલ આવશે કે એ રકમના ૯૬ % રકમ આબાદીના માત્ર ચાર ટકા લોકોએ કમાઈ હોય છે ? આમ કેમ ? એ પ્રશ્નનો જવાબ આ સિદ્ધાંત છે જેને સમજી અને પછી તેનું આચરણ કરવામાં આવે તો આકર્ષણ નામનો આ સિદ્ધાંત તમારા આસીસ્ટન્ટ તરીકે તદન મફતમાં કામ કરશે, આ હકીકત પેલા ચાર ટકા બુદ્ધિજીવીઓ જાણે છે એટલે જ એ ૯૬ % લોકોને કામમાં ઉલ્જાવી રાખે છે. એટલે જ આ રહસ્ય આમ લોકો સુધી પહોચે અને પાંખડી લોકોના ભરમાવ્યા ન ભર્મે તેથી આગળ આ રહસ્યને બરાબર સમજવા હું દરેક વાંચકને વિનંતી કરું છું.


પ્રત્યેક માણસ પોતે એક ચુંબક છે, સૃષ્ટિ કે બ્રહ્માંડની રચના પણ ચુંબકીય વ્યવસ્થા મુજબ ચાલે છે, દરેક ગ્રહો કે તારા પણ તેના સ્થાને ચુંબકીય પદ્ધતિથી જ ટકેલા હોય છે. માણસ પણ એક ચુંબક છે અને એ ચુંબક દરેક વસ્તુ, વિચાર, સુર્જન કે પતનને આકર્ષે છે. આકર્ષણના આ સિદ્ધાંતને કામ પર લગાડતા પહેલા એ યાદ રાખવું કે તે પોતે એના કામમાં અને એની સેવામાં પૂર્ણત વફાદાર છે અને એની પાસેથી વધુ સારી રીતે કામ લેવા સ્વયંની વફાદારી સિદ્ધાંત પ્રત્યે એટલી જ મહત્વની છે. આ સિદ્ધાંત ને સફળ રીતે પોતાના માટે કાર્યરત કરવા ત્રણ શબ્દો બેહદ જરૂરી છે, “વિચાર બનાવે જીન્દગી” મોટાભાગના માણસો નથી જાણતા હોતા કે વિચારોની એક ફીકવન્સી હોય છે અને દરેક વિચાર માણસના મગજમાં રહીને બાહ્ય વિચારોને આકર્ષિત કરે છે, આવા ભીતર-બાહ્ય વિચાર મળીને માણસની તકલીફ અથવા બિનતકલીફનું સુર્જન તથા વિસર્જન કરે છે. જેમ માણસ કોઈ કર્જદાર હોય તો એને અનુલક્ષીને, માણસ કોઈ ફેક્ટરીનું નિર્માણ કરવાનો હોય તો એને અનુલક્ષીને, પરદેશ જવા માંગતો હોય તો એને અનુલક્ષીને, મતલબ કોઈને કોઈ અનુલક્ષમાં એ વિચારાધીન હોય છે. અહી જ આકર્ષણ સિદ્ધાંત એની મુસીબત ઓછી અથવા વધુ કરી શકે છે અથવા અહી તે માણસના સહાયક તરીકે અથવા માણસની વિરુદ્ધ કામ કરવાનો માણસનો આદેશ પ્રાપ્ત કરે છે. પુનઃ એક વખત દોહરાવું તો કુદરતના બધા જ સિદ્ધાંતો એના કામ પ્રત્યે બેગજબ વફાદાર હોય છે. તેથી વિચાર બનાવે જીન્દગી આ ત્રણ શબ્દો એના તમામ અનુલક્ષમાં હોવા જોઇશે.

માણસના મગજમાં ઉઠેલો એક વિચાર બાહ્યના તમામ સામાન્ય વિચારોને આકર્ષી લે છે. તેથી જત્થામાં વિચારો આવતા હોય તો પણ તે વિચારો પૈકી એક પણ બહારની ફીકવન્સીમાં ચાલ્યા ન જાય તે કામ આ આકર્ષણનો સિદ્ધાંત કરે છે, તેથી બિનજરૂરી વિચાર ન કરવાની સલાહ તો ન કહી શકું પણ મોટાભાગે માણસ જે ચાહતો કે ઈચ્છતો નથી છતાં એના જીવનમાં એ વારંવાર દોહરાય છે તેનું જવાબદાર સિદ્ધાંત આકર્ષણ છે. આ સિદ્ધાંત માણસને એ પૂછતો નથી કે તમે આદેશ આપ્યો એ સારો છે કે ખરાબ, એ તો બસ તમે જે આદેશ આપો તેને સાકાર કરે છે. જેથી “ વિચાર બનાવે જીન્દગી” આ ત્રણ શબ્દો સાથે આકર્ષણના સિદ્ધાંતને પોતાની પ્રગતિમાં લગાડી જુઓ અનંત ફાયદા મળશે. માણસને એક પ્રશ્ન થશે કે એ તો સમજ્યા કે પોઝીટીવ વિચારો તો એ થાય પણ હું તો નેગેટીવ જ વિચારું તો એ પણ થવા જોઈએ ને ? તો આના વિસ્તૃતિકરણ માટે જેમ પ્રજનન ક્રિયામાં શુક્રાણુ વિક્રાણુંનું મહત્વ છે તેમ માણસ પોતે આકર્ષિત છે કે માણસ આકર્ષિત કરી શકે છે એ સિદ્ધાંત સમજી લેવો અતિ જરૂરી છે. એટલે જ આ રહસ્યને માત્ર સમજી લેવાથી ફાયદો નથી તેને ખુદના અનુભવ સાથે અમલમાં લેશો તો જ આઇડિયા આવશે, હું કોઈ ધ્યાન, વિધિ કે વ્યવસ્થાનું સુચન નહિ કરું પણ એટલીસ્ટ તમે જાતે તમને મદદ કરતી શક્તિઓને તમારા તરફ કેટલી આકર્ષિત કરી શકો એ તમારા અનુભવ બાદ જ તમને સમજાશે. તેથી વિચારાધીન હોવ ત્યારે તમે સારૂ કરો છો, તમને કોઈ જ તકલીફ નથી, તમે જે કરશો તે બરાબર જ કરશો, તમારા કામને મદદ કરવા અનેક લોકો તમારી મદદ કરવા આતુર છે પરંતુ હું કોઈની મદદ લીધા વિના જાતે જ આ કામ કરીશ તેવા વિચારોને તમારા આકર્ષણની સામગ્રી બનાવો, નિસંદેહ તમે એ બધું આકર્ષી શકશો જે તમારી કલ્પના માત્રથી સાકાર થાય છે.
અસ્તુ !!