Translate

16 February 2020

આર્થિક અસમાનતા સમજાય છે પરંતુ સામાજીક અસમાનતા કોઈને દેખાતી નથી

રાતોરાત કરોડપતિ બનવાની લ્હાયમાં પોતાના હાથે પોતાની બરબાદી નોતરતા લોકોનો દુનિયામાં કોઈ તોટો નથી, વારસાગત સંપતિઓની સાથે સાથે સામાજીક એખલાસ પણ આ કારણે દાવ પર લાગી જાય છે, સરકારો પણ આવી સ્થિતિને કાબુમાં લાવવાને બદલે સ્થિતિ વધુ બેકાબુ બંને તે માટે આંખ મીચામણા કરતી હોય તેમ લોકોને ખર્ચીલા ઉત્સવ તરફ જવા આંખમીચામણાનું ઇંધણ પુરૂ પાડે છે.

ભારતમાં વિવિધતાનું નામ આપીને દરેક સરકાર પોતાને વિધાતા બનાવવા તરફ જઈ શકી છે. જો કે સરકાર એ આખરી સુપ્રીમ સત્તા નથી અને હોય તો પણ ભારતના બંધારણમાં આવી કોઈ જોગવાઈ નથી કે સરકાર એટલે દેશના નાગરીકોની વિધાતા, પરંતુ એમ છતાં પણ રાતોરાત કરોડપતિ બનવાની લ્હાય ધરાવતા લોકો સરકારની વિધાતા બનવાની છુપી કોશિશને બળ જરૂર પુરૂ પાડે છે. આવું બળ પુરૂ પાડતા લોકો કામચલાવ સમય માટે રાતોરાત કરોડપતિ બનીને નાછૂટકે પાછા રાતોરાત રોડપતિ પણ બની જાય છે. 

અને એટલે જ ભારત જેવા વિવિધતા ધરાવતા વિશાળ દેશમાં દરેક આર્થિક ઉતાર ચડાવની અસર દેશના સામાજીક ઢાંચા ઉપર પહેલી પડી છે, જયારે જયારે ભારતની અર્થ વ્યવસ્થામાં ગડબડ સર્જાઈ છે ત્યારે ત્યારે એની બૌ મોટી અસર દેશની સામાજીક એકતા અને સામાજીક એખલાસમાં પણ અવશ્ય વર્તાઈ છે, ભારતના લોકતંત્રની આ કરૂણતા રહી છે કે આગળની સરકારની દુરન્દેશી ભરી જે પોલીસી હોય તેને પાછળની સરકારે લગીરે આગળ ચાલવા દીધી નથી. બે સ્પષ્ટ ઉદાહરણ જોડું છું જે ૧૯૯૮ પછીના જ છે જે વાંચીને વધુ બારીકાઈથી સમજવામાં મદદ થશે. 
            ઉદાહરણ પહેલું, ૧૯૯૮ બાદ કોંગ્રેસ શાશનથી મુક્તિ પામેલા ભારત દેશને વર્ષો સુધી વિપક્ષમાં રહેલા વરીષ્ઠ નેતાનું નેતૃત્વ પ્રાપ્ત થયું લગાતાર ત્રણ ત્રણ વખત સરકાર ઉથલવા છતાં પણ એ સરકારનું નેતૃત્વ કરી શક્યા એવા અડાભીડ તત્કાલીન પ્રધાનમંત્રી અટલબિહારી બાજપાઈએ ભારતના જળ સંકટને કાયમી ધોરણે દુર કરવા ભારતની તમામ નદીઓના એકત્રિકરણની દુરંદેશી પોલીસી બનાવી આ પોલીસી બન્યા બાદ લોકોને પણ લાગતું હતું કે હવે ભારત વિશ્વમાં એગ્રીકલ્ચર ક્રાંતિ સ્થાપી શકશે અને અન્ય મોટા દેશોના ખેત ઉત્પાદનના તમામ રેકોર્ડ ભારત તોડી નાખશે. સરકારની આ પોલીસી બન્યા બાદ જળસ્ત્રોતો એકત્ર થાય એ પહેલા આ સરકારનો છ વર્ષનો કાર્યકાળ ૨૦૦૪ માં પૂરો થયો. અને દેશને સમૃદ્ધ બનાવે તેવી મહત્વપૂર્ણ આ યોજના ફાઈલોનું સુશોભન બની ગઈ, દેશને નુકશાન કારક આ ઘ્રીણતાની જવાબદાર ત્યારબાદ સત્તા પર આવેલી સરકારને જરૂર ગણી શકાય.
           ઉદાહરણ બીજું કોંગ્રેસથી મુક્ત થયેલા ભારતને પુનઃ કોંગ્રેસની સરકાર ૨૦૦૪ માં મળી આ એ સરકાર પણ છે જેણે આગલી સરકારની નદી એકત્રિકરણની પોલીસીની અવહેલના કરી એમ માની શકાય, તેમ છતાં આ સરકારે બીજા અનેક કામ સારા કર્યા છે. તકલાદી ટેકા વાળી આ સરકારે પણ એના શાશનમાં કેટલાક ઉતાર ચડાવ ભોગવ્યા, તેમ છતાં પણ ભારતમાં રોજગાર અને ગરીબ વર્ગના લોકો ભવિષ્યમાં આર્થિક સંકટ ન ભોગવે તેવા હેતુસર મનરેગા જેવી દુરંદેશી પોલીસી બનાવી, લાંબો સમય બધું ઠીકઠાક ચાલ્યું અને આ ઠીકઠાક વધુ ઠીક રહે તે પહેલા આ સરકારનો દશ વર્ષનો કાર્યકાળ ૨૦૧૪ માં પૂરો થયો, અને મનરેગા આજે માત્ર ફાઈલોમાં સડે છે. દેશને નુકશાન કારક આ ઘ્રીણતાની જવાબદાર ત્યારબાદ સત્તા પર આવેલી સરકારને જરૂર ગણી શકાય. 
          ઉપરના બંને ઉદાહરણને સમજીએ તો ભારત ૭૦ વર્ષ જે દશામાં હતો એ જ દશા આજે પણ હુબહુ એવી જ છે અને ભવિષ્યમાં પણ હુબહુ આવી જ રહેશે જો સરકારો દ્વેષપૂર્ણ કામકાજ કરવામાંથી બાજ નહિ આવે તો, ભારતની આર્થીકતા અને સામાજીકતા એક છે અને જ્યાં સુધી એને એક બનવા ન દેવાની પરંપરા ચાલતી રહેશે ત્યાં સુધી ગમે તેવી સરકારની ગમે તેવી દુરંદેશી પોલીસી એ સરકારના કાર્યકાળ પુરતી જ કે સુધી જ સીમિત રહેશે. પ્રત્યેક વાંચક અત્યાર સુધીની તમામ સરકારની પોલીસીઓની સમીક્ષા કરશે તો મારી આ વાત સહજતાથી જ સમજાય જશે, 
        આ બે ઉદાહરણ જેવા તો અન્ય લાખો ઉદાહરણ દેશમાં મોજુદ છે આવી જ પરિસ્થિતિ ભારતના લગભગ દરેક રાજ્યોમાં છે રાજ્ય સરકારોનું એક ઉદાહરણ જોઈએ તો ૨૦૧૪ માં કેન્દ્રમાં ભાજપાની સરકાર આવ્યા બાદ જે જે રાજ્યમાં ભાજપની સરકાર હતી અને સંભવત એ પુનઃ ન ચુંટાઇને ન આવી, એ પ્રદેશોમાં નવી આવેલી રાજ્ય સરકારે ખુલ્લેઆમ ઘોષણા કરી હોય છે કે આગલી સરકારની પોલીસીઓ રદ કરવામાં આવશે, એ પોલીસીઓ વ્યાજબી હતી કે ન હતી એનો કોઈ ઉલ્લેખ અહી નહિ કરું પરંતુ આવી સ્થિતિની સહુથી મોટી અસર રાજ્યના કાયદો અને વ્યવસ્થાની બાબતને પડે છે અને સામાજીક એકતા અથવા એખલાસમાં કાયદો અને વ્યવસ્થા વિભાગનો અહં રોલ હોય છે. 

આથી જ ગંભીરતા અને જવાબદારી પૂર્વક કહી શકાય કે આર્થિક ચડઉતરની નાની નાની સ્થિતિની બૌ મોટી મોટી અસર દેશના સામાજીક ઢાંચાને સહુથી પહેલી થાય છે આનું નિવારણ લાવવા વર્તમાન અને અનુગામી સરકાર દ્વારા ભારતમાં સરળ અને સમાન ટેક્ષ પદ્ધતિ, દુરંદેશી પોલીસીઓ અને આર્થિક સર્વેક્ષણમાં સામાજીક સર્વેક્ષણને પણ જોડીને જો યોજનાઓ બનાવવામાં આવશે તો જ ભારત આગળ ઉપર પ્રગતિનું દરેક કદમ બઢાવી શકશે અન્યથા જે સ્થિતિ ૭૦ વર્ષ પહેલા હતી એ જ આજે છે અને આજે જે સ્થિતિ છે એ જ  સ્થિતિ આવનારા ૭૦ વર્ષ સુધી જેમની તેમ હશે, બદલાતી હશે તો સરકાર બદલાતી હશે અને એથી આગળ મતદારો બદલાતા હશે. - ભાર્ગવ જોશી (વરીષ્ઠ પત્રકાર)