Translate

16 February 2020

દેશ અમીર છે તો લોકો ગરીબ કેમ લોકો અમીર છે તો દેશ ગરીબ કેમ

ભારતની આઝાદી બાદથી આ પ્રશ્ન લોકોના દિમાગમાં વણુંતર બનીને ભમે છે 
ભારતના પ્રથમ પ્રધાનમંત્રીના કપડાં વિદેશથી ધોવાઈને આવતા હતા તો, 
આજની તારીખના પ્રધાનમંત્રી ઉપર પણ સુટબુટની સરકારના નેતા હોવાના આરોપ લાગે છે.

       આખા વિશ્વમાં ભારત એક જ એવો દેશ છે જેમાં સતાધારી નેતાઓ સાદગીભર્યું જીવન જીવે તેવી અપેક્ષા જનતા જનાર્દનની આગવી અપેક્ષા છે. ભારત આઝાદ થયા પછી તુરંત જ તત્કાલીન પ્રધાનમંત્રી નહેરુ પર ક્રાંતિકારી લોકનેતા રામમનોહર લોહિયાએ પાર્લામેન્ટમાં આધાર સાથે આરોપ કર્યા હતા કે ગરીબ ભારતના પ્રધાનમંત્રી અમીરી વાળું જીવન જીવે છે, જે ગરીબ ભારતને પરવડી શકે નહિ, ગરીબ ભારતના પ્રધાનમંત્રીના કપડાં જર્મન અને ફ્રાંસમાં ડ્રાયક્લીન થવા માટે જાય છે. 
        આવો જ આરોપ ગત ટર્મમાં તત્કાલીન પ્રધાનમંત્રી મોદીજી ઉપર રાહુલ ગાંધીએ સદનમાં કર્યો હતો કે ભારતના પ્રધાનમંત્રી જે શૂટ પહેરે છે તેની કીમત ૧૪ લાખ છે. આ અંગે પણ ત્યારના જેવો જ હોબાળો મચ્યો હતો, બંને સમાન આરોપમાં મહત્વની સમાનતા એ પણ હતી કે લોહીયાજીના આરોપ બાદ નહેરુએ સાદગીભર્યું જીવન જીવ્યું, એટલુ જ નહિ ભારતના નાગરીકોને પણ સાદગીથી જીવન જીવવાનો સંદેશ તેઓએ અવારનવાર પ્રસરાવ્યો, તો રાહુલના આરોપ બાદ મોદીજીએ પણ તે પછી કોઈ મોંઘો સુટ પહેરવાની કોશીશ નથી કરી એટલું જ નહી મોદીજીએ પણ દેશજોગ સંદેશ પ્રસરાવ્યો કે લોકો સાદાઈથી જીવન જીવે. આ ઘટનાને પ્રધાનમંત્રીએ લોકોને સબસીડી છોડવા પ્રેરણા પાઠવી તેની સાથે જોડી શકાય, આમ ઉપરની બંને ઘટનાઓ પર લેખના શીર્ષક મુજબનો પ્રશ્ન ત્યારે પણ હતો અને આજે પણ એ એટલો જ પ્રચલિત અને વણુંતર બનીને લોકમાનસ પર ભમે છે.
       
            મૂંગો પ્રશ્ન એ પણ થાય કે આઝાદી બાદ દેશમાં ગરીબીનું પ્રમાણ હોય કદાચ, પરંતુ આજે ૭૨ વર્ષ બાદ પણ દેશની તિજોરી તો ખાલીની ખાલી જ છે, જો કે સરકાર કહેતી કે કબુલ કરતી નથી પરંતુ ભારતના રીઝર્વ ફંડમાંથી ત્રણ વખત પૈસા ઉપાડવાનો મતલબ તો એ જ થાય કે સરકારની તિજોરી ખાલી છે. જો દેશ અમીર છે તો લોકો ગરીબ કેમ (ઘટતો રોજગાર અને ટેક્સ પેયરની સંખ્યા ભારતની વસ્તીના પ્રમાણમાં માત્ર ૮.૨ ટકા જ છે) અને લોકો જો વાસ્તવમાં અમીર છે તો ટેક્ષ ભરનાર નાગરીકોની સંખ્યા આટલી ઓછી કેમ. 

        વાસ્તવમાં મિત્રો આઝાદી બાદ એક પણ સરકાર એવી આવી જ નથી જેણે લોકોની સામાજીક અને આર્થિક બાબતોનો સર્વે કે સંશોધન કરીને ઈલાજ શોધ્યો કે કર્યો હોય, કદાચ એમ પણ કહી શકાય કે દેશ ત્યારે પણ રામભરોસે ચાલતો હતો અને આજે પણ એમ જ છે. (રામભરોસે મતલબ ૮.૨ ટકા કરદાતાઓ) ચાલુ બજેટમાં વિત મંત્રાલયે આંકડો જાહેર કર્યો છે કે ભારતમાં કરદાતાઓની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે, માની લઈએ કે વધારો થઇ રહ્યો હોય તો પણ આ આંકડો ભારતની કુલ જનસંખ્યાનો કમસેકમ ૫૦ ટકા હોવો જ જોઈતો હતો, જે નથી એનો અર્થ એ કરી શકાય કે ભારતના લોકો અમીરીની શ્રેણીમાં વિશ્વના મુકાબલે એક થી દસ કે પચીસના ક્રમમાં આવતા નહી હોય. હા ભારતના એક ઉદ્યોગપતિ ફોર્બ્સ સામયિકની અમીરોની સૂચિમાં પહેલા ક્રમાંકે કેટલીય વખત આવી ચુક્યા છે 

         આ હિસાબે ભારતમાં કરવા જેવું અને ભારતને વિશ્વગુરુ બનાવી શકવા જેવું કોઈ કામ હોય તો એ એક જ છે સરકાર દ્વારા ભારતના નાગરીકોની સામાજીક બાબતો અને આર્થિક બાબતોની પારદર્શતાથી ચર્ચા થવી જોઈએ અને ચર્ચાના અંતે પ્રાપ્ત સલાહ કે સુજાવથી આ સમસ્યાને ઠીક કરવાની દિશામાં સરકારની અગ્ર પહેલ હોવી જોઈએ. જો કે આઝાદી બાદથી દરેક સરકારો પોતાના માટે સામાન્ય ગણતા આ કામ ન કરીને એના લક્ષ્યમાંથી ભટકી જાય છે. વખતોવખતની સરકારોના ટ્રેક રેકોર્ડ પર નજર નાંખીએ તો એક માત્ર લાલબહાદુર શાસ્ત્રીના સમયની સરકારે આ દિશામાં પહેલ કરી હતી, શાસ્ત્રી પોતે ફાટેલ ધોતી અને એક જ કોટથી નાગરીકોને એ ખરો સંદેશ પૂરો પાડી શક્યા કે દેશના નાગરીકો ખસ્તાહાલ હોય ત્યાં સુધી હું જાજર માન કપડાં પહેરી ન શકું, આ સિવાયની દરેક સરકારોએ નેતાઓ પરના ખર્ચમાં કોઈ કંજુસાઈ નથી કરી. 

        વધુ ટ્રેક રેકોર્ડ ઉપર પણ નજર નાંખીએ તો શાસ્ત્રીજી બાદ ભારતને એક પણ પ્રધાનમંત્રી એવો નથી સાંપડ્યો કે જેણે જનસમૂહને એવી અપીલ કરી હોય કે લોકચર્ચા કરી હોય કે ભારતના નાગરીકોની મૂળ સમસ્યા શું છે અને સરકાર નાગરીકોને એવી કઈ મદદ કરે જેનાથી લોકોની સામાજીક અને આર્થિક બાબતો નિરંતર આગળ વધતી રહે અને તેમાં કોઈ વધઘટ ન થવા પામે. જો કે સરકારોની કામ કરવાની પદ્ધતિ પર નજર કરીએ તો સરકાર દેશની નોકરશાહીએ એકત્ર કરેલ આંકડાઓ ઉપર કાયદાઓમાં વધ કે ઘટ કરી છે. જનતાનો આ સામાન્ય પ્રશ્ન છે કે સરકાર આડકતરા કરવેરાઓમાં વધઘટ કરે એને બદલે ટેક્ષ પદ્ધતિ ઉત્કુષ્ટ કેમ ન બનાવે.
   
         જો કે ભારતમાં વર્તમાન સરકારે "વનનેશન વનટેક્ષ" વાળી પદ્ધતિ GST ના રૂપમાં દાખલ કરી છે પરંતુ આશ્ચર્ય એ છે કે આ ટેક્ષ પદ્ધતિમાં મોટાભાગની વસ્તુઓને આ પદ્ધતિની બહાર રાખવામાં આવી છે જેમ કે પેટ્રોલ, ડીઝલ જેવી વસ્તુઓ.આ ઉપરાંત આ પદ્ધતિ લાગુ પડી ત્યારથી અત્યાર સુધીમાં સહુથી વધુ એમેન્ડ મેન્ટ આ કાયદામાં થયા છે એનો અર્થ એવો થાય કે સરકાર આ પદ્ધતિને દાખલ કરીને પણ અવઢવમાં છે. 

        ભારતની વર્તમાન તથા અનુગામી સરકારોએ ભારતના નાગરીકોની આર્થીકતા અને સામાજીકતા ઉપર એક સાથે અને સચોટ ટેક્ષ પદ્ધતિથી આગળ વધવું પડશે, જો વિશ્વના અન્ય દેશો સાથે મુકાબલો કરવો હોય તો. અન્યથા આપણે એવી સ્થિતિનો વારંવાર મુકાબલો કરવો પડશે જેમાં બુલેટ ટ્રેન માટે જાપાન પાસેથી ૧ લાખ કરોડ લોન પેટે માંગવાના અને સમૃદ્ધ રશિયાને ૮૨ હજાર કરોડ ઉધાર પેટે આપવાના, આ બેય ઘટના ઉપર પણ ખાસ્સો એવો હોબાળો મચેલો, જો કે ખબર નહિ સરકાર કેવા લોજીક સાથે આવી હાસ્યાસ્પદ ઘટનાઓ ઉપર ભારત જેવા દેશનો હાથ તેમાં નાખે છે. 

        આ સિવાય વધુ એક ઘટના પણ જોઈએ તો લાગલગાટ પાછલા ૪ વર્ષથી દેશના કિસાનોના દેવામાફી માટે આંદોલનાત્મક માંગ ભારતમાંથી ઉઠી છે જેના ઉપર સકારાત્મક રીતે આગળ વધવાને બદલે ભારત સરકાર ભૂતાનને, નેપાળને, શ્રીલંકા જેવા નાના દેશના લોકોની સુખાકારી માટે માતબર આર્થિક સહાય જાહેર કરે છે અને આપે પણ છે. ત્યારે સરકાર માટે પોતાનો નાગરીક પહેલા એ સમજ કેમ નહિ કેળવાતી હોય, અને આવા સંજોગોમાં ભારતના મીડિયાહાઉસ નાગરીકોની વ્યાજબી માંગ કે વાસ્તવિક વ્યથાને ટેલીવિઝન પર દર્શાવાને બદલે અથવા ટેલીવિઝનથી વ્યથાને વાચા આપવાને બદલે નાના દેશોને આર્થિક સહાય એ  સરકારનો માસ્ટર સ્ટ્રોક છે તેવું ગણાવીને જનતાની ઉપેક્ષા અને સરકારની ચાપલુસી કરીને ભારતની આર્થિક અને સામાજીક બંને બાબતોને ઇમબેલેન્સ કરતા હોય તેમ એક સાથે નાગરીકોની વ્યથાને દરકીનાર કરી નાખે છે.

        જનતાએ પણ જાગૃત બનીને ભારતના મતદારોને એ ફરજ પાડવી જોઇશે કે મતદારો પોતાના મતથી એવી સરકારને સત્તા સોંપે અથવા ચુનીંદી સરકારને તે ફરજ પાડે કે સરકાર નાગરીકોની આર્થિક અને સામાજીક સમન્વયતા માટે અગ્રતાથી અને ઈમાનદારીથી કામ કરે અને આ એક જ રસ્તો છે કે ભારત જેવા વિશાળ જનસંખ્યા ધરાવતા દેશને અવારનવાર આર્થિક મંદીમાં સપડાવું ન પડે.

      જો કે ભારતની જનતાની સાચી ઘોર તો કદમપોશીની બીમારીમાં સબડતા મીડીયાહાઉસ કદાચ ખોદે છે. અને બદલામાં સરકાર લોકજાગૃતિ અભિયાન હેઠળ આવા મીડીયાહાઉસને જાહેરાતની ભેટ વળતરમાં પણ આપે છે. ભારતનું એક પણ મીડીયાહાઉસ, કોઈએ એવું નહી જોયું હોય જેમાં જનવેદના માટે મીડીયાએ લોકાવાજને અગ્રતા આપીને સરકારની નિંદ્રા ભંગ કરી હોય, ભૂતકાળમાં સરકાર લોકોના પ્રશ્નોથી ભટકી ન જાય તે માટે સરકાર તરફથી જ ઓલઇન્ડિયા રેડીયો અને દુરદર્શન ટેલિવિઝન ચેનલ જેવા માધ્યમોની સ્થાપના કરવામાં આવી હતી અને આજે આ માધ્યમો પ્રાઇવેટ સેક્ટરના મીડીયાહાઉસ પાસે લાચાર અને વિવશ બનીને મુક રીતે ભારતના j દબાવી દેવામાં આવતા લોક્પ્રશ્નોનો તમાશો પોતે મુક બનીને જુવે છે.
- ભાર્ગવ જોશી (વરીષ્ઠ પત્રકાર)