Translate

25 March 2020

કોરોના covid-19

વિશ્વ આખું જેનાથી હચમચી ગયું એ કોરોના વાઈરસનો ઈલાજ એક જ છે તેની સંક્રમણ ચેઈન તોડવી 

          અત્યારના તાજા આંકડાઓ જોઈએ તો સમુચા વિશ્વના ૮૦% ભાગમાં ફેલાયેલ આ કોરોના વાઈરસ થકી ૧૯૦૦૦ થી વધુ લોકો મોતના મુખમાં ધકેલાઈ ગયા, ત્યારે શું એ સારવારના અભાવે મૃત્યુ પામ્યા છે કે સાવચેતીના અભાવે ? એ પ્રશ્નાર્થ વિશ્વની તમામ મહાસતાઓ પાસે વણ ઉકેલ કોયડા સમાન કોયડો બની ગયો, ત્યારે ભારત સરકાર અને એના મુખ્યા નરેન્દ્રભાઈ મોદી જેવા અડાભીડ નેતા પણ લોકોને સાવચેત રહેવા અપીલ કરવા લાગ્યા, 

          અને રસ્તો પણ એ એક જ છે કોરોનાની કોઈ સારવાર હાલ કોઈ દેશ પાસે ઉપલબ્ધ નથી, ત્યારે સાવચેતી એ જ આ મહામારી સામે લડવાનો એક માત્ર રસ્તો છે, ભારત અને એના તમામ રાજ્યોમાં ૨૧ દિવસ માટે લોકડાઉનનો નિર્ણય એ સરકાર માટે પણ મજબુરીનો નિર્ણય છે, શું સરકાર આની દુરોગામી અસરો કેવી પડશે તે નહિ જાણતી હોય ? અવશ્ય જાણતી જ હશે, ૨૧ દિવસ લોકડાઉનનો અર્થ ભારતની અર્થવ્યવસ્થાને ૮૦% સીધું નુકશાન, તેમ છતાં પણ સરકાર આવો નિર્ણય લે તે જનતાએ સમજવાની જરૂર છે, ભારત એક લોકતાંત્રિક દેશ છે એટલે નિર્ણયની ફેવરમાં અને વિરુદ્ધમાં વિચારવાનો બધાને હક્ક છે પરંતુ પ્રધાનમંત્રીશ્રીએ કહ્યું તેમ "જાન હે તો જહાન હે" જો આ નિર્ણય ન લેવામાં આવે તો ભારત ૨૧ વર્ષ પાછળ ધકેલાય જાય તેમ છે તેમાં કોઈ બે-મત નથી.

           આ તકે તમામ ભારતવાસીઓએ રાજકીય મતભેદ ભૂલીને રાષ્ટ્ર પર આવેલી મુસીબતમાં જોડાઈ જવું જોઈએ અને સદનશીબે એમ જ થઇ રહ્યું છે ત્યારે આ નિર્ણયની આડઅસર પણ કોઈ નાની-સુની નથી, ભારતના નાગરીકો ઉત્સવ-પ્રિય નાગરીકો છે તે ઘરમાં પુરાઈને રહેવા ટેવાયેલ નથી તેમ છતાં ઉદ્યોગપતિથી માંડીને રોજનું રળી ખાતા મજૂરો સુધીના તમામ લોકોએ પ્રધાનમંત્રીની અપીલ અને દેશ પર આવી પડેલી મુસીબત નિવારવા ઘરવાસો કબુલ કર્યો, અને આ એક જ રસ્તો છે આ મહામારીથી બચવાનો, જો આ ચેપી વાઇરસની ચેઈન તોડવામાં ભારત સફળ રહ્યું તો વિશ્વ આખામાં ભારતનો ડંકો વાગશે સાથે સાથે ભારતના નાગરીકોનું મનોબળ પણ વધશે, ત્યારે વહીવટીતંત્ર, આરોગ્ય તંત્ર, પોલીસ વિભાગ, હોમગાર્ડસ તથા ભારતના સૈનિકોને આ શ્રેય જાશે કેમકે ભારતની ૯૦% જનતા જયારે ઘરમાં કોઈ જોખમ વગર સેલ્ફ ડીસ્ટન્સ પ્રણાલિથી ભારતની સેવા કરી રહી હશે ત્યારે ૧૦% જનતા, વહીવટીતંત્ર, આરોગ્ય તંત્ર, પોલીસ વિભાગ, હોમગાર્ડસ તથા ભારતના સૈનિકો જોખમ સાથે ભારતની સેવા કરી રહ્યું હશે.

      આ તકે વયોવૃદ્ધ નાગરીકો અને બાળકો આ વાઇરસના ચેપનું સોફ્ટ ટાર્ગેટ છે આ ઉપરાંત લાપરવાહ નાગરીકો પણ આ વાઇરસના ચેપનું સોફ્ટ ટાર્ગેટ છે, બધા માટે રસ્તો એક જ સાવચેતી છે, સરકાર અને એના જવાબદાર વિભાગો કોરોના વાઈરસ અંગે નાનામાં નાની માહિતી જનતા સુધી પહોચાડી રહ્યા છે આ સાથે તંત્રને કેટલાક કઠોર નિર્ણયો પણ જનતા સુધી જનતાની ભલાઈ માટે પહોચાડવા પડી રહ્યા છે. જે લોકો આને ગંભીરતાથી નથી લઇ રહ્યા તેઓ પોતાની સાથે સાથે અન્ય લોકોના જીવનને પણ જોખમમાં મૂકી રહ્યા છે. 

        સ્વાભાવિક છે કે ઘરમાં પુરાઈ રહેવાની આડઅસર પણ થશે જેમ કે કંટાળો આવવો, ખાસ કરીને બાળકોને વધુ કંટાળો આવી શકે, કામધંધો ન થવાથી ઘરના મુખ્ય માણસને આવનારા સમય માટે આર્થિક ચિંતાઓ સતાવે તેમ છતાં લોકડાઉન એ આખરી અને ફરજીયાત રસ્તો છે, તેથી જાન હે તો જહાન હે એ સુત્રને વળગીને જાતે જ એકબીજાથી અંતર રાખવાનું સ્વીકારી લો, આ સમય દરમ્યાન અથવા સરકાર બીજા આદેશો ન કરે ત્યાં સુધી એક બીજાને હાથ મિલાવવાનું, કોઈ પણ વસ્તુ અડકવાનું થાય તો તુરંત હાથને સાફ કરવાનું, મોઢા પર માસ્ક પહેરવાનું, આંખોને વારંવાર સાફ કરવાનું, તથા ઘર બહાર અન્ય કોઈ સ્થળ પર ન રહેવાનું એ જનતાએ જાતે અપનાવવું જ જોઈએ. 
~ ભાર્ગવ જોશી