Translate

13 March 2020

આવેદન

~ કેવી બાબતે આવેદનપત્ર આપવા જોઇએ ?

આજકાલ આપણે જોઈએ છે કોઇપણ ઘટના બને એટલે દસ પંદર માણસને ભેગા કરી કોઇ વ્યક્તિ કે સંસ્થા રેલીઓ, ધારણા કરી જીલ્લા કલેકટર કે કોઈ ઉપલા અધિકારીને આવેદનપત્ર આપે છે. પણ પછી એ આવેદનપત્ર પર કામ થાય છે કે નહીં એ કોઇનું ધ્યાન નથી હોતુ, મારી જાણ મૂજબ આવા આવેદનપત્ર પત્રનું કોઇ સરકારી રજીસ્ટરમાં નોંધ થતી હોય એવુ ધ્યાનમાં નથી, બની શકે તમે આપેલ આવેદનપત્ર વાંચતા પણ ન હોય.

આપણી મુખ્ય વાત એ છે કે આવેદનપત્ર ક્યાંરે આપવું અને ક્યારે ન આપવુ. 

~ આવેદનપત્ર ક્યારે ન આપવું

તો ખાસ જ્યારે પણ કોઈપણ ક્રાઈમ બને છે. જેમકે ચોરી, મારામારી, હત્યા, બળાત્કાર કે પછી એવા કોઈપણ નાના મોટા ક્રાઈમ બને છે. ત્યારે લોકો આવેદનપત્ર આપે છે કે ગુનેગારને સજા કરો, ફાંસી આપો, કડક કાર્યવાહી કરો, પણ ખરેખર આવા આવેદનપત્ર આપવા એ મુર્ખામી જ કહેવાય, એક બાજુ તમે એમ કહો છો, ન્યાયાલયના કામમાં સરકારે ડખલગીરી ન કરવી જોઇએ અને બીજી બાજુ સરકારને આવેદનપત્ર આપી ગુનેગારનો ન્યાય કરવાનુ કહો છો. એટલે જેનૂં જે કામ હોય એજ કરવાનું હોય ખોટા આવેદનપત્ર  આપી સમય, શક્તિ, અને નાણાં આવા કામ વગરના આવેદનપત્ર આપવામાં બગાડવા ન જોઇએ, ખરેખર જો કંઇ કરવાની ઈચ્છા હોય તો એજ નાણામાંથી સારામાં સારા વકીલ રોકી કાયદાકીય રીતે કેસને મજબૂત કરો તો ન્યાય મળશે, નહી કે આવેદનપત્ર આપવાથી, સીધી વાત એજ કહેવા માંગુ છું કોર્ટના મેટરમાં સરકારને આવેદનપત્ર આપવાનો કોઈ મતલબ નથી એના કરતાં સારી કાયદાકીય વ્યવસ્થા કરી આપશો તો ન્યાય જલદી મળશે. જયારે આવા ક્રાઈમ વખતે તમને આવેદનપત્ર આપવાની વાત કરવામાં આવે તો ભોળવાશો નહીં કારણે કે એ રસ્તો જ ખોટો છે. તમારો ઊપયોગ કરી એ પોતાનું નામ બનાવવા માંગતો હોય એવુ પણ બને, એટલે ધ્યાન રાખવૂ જરુરી છે. ખરેખર આવા સમયે સૌથી વધારે મને એ વકીલો પર હસવું આવે છે જે આવા ધારણામાં જાય છે અને આવેદનપત્રો આપે છે. અરે ભાઈ તમે વકીલ છો તમને તમારી જવાબદારી ખબર હોવી જોઈએ, તમને ખબર હોવી જોઇએ કે કોર્ટમાંથી ન્યાય કેવી રીતે મળશે, ક્રાઈમ બને ત્યારે વહીવટીતંત્ર, વકીલો અને તે ફિલ્ડના નિષ્ણાતોએ ભેગા થઈ યોગ્ય દિશામાં કાર્યવાહી કરવાનુ કામ હોય, ટોળા ભેગા કરી આવેદનપત્ર આપવાથી ન્યાય કેવી રીતે મળે ?

~ આવેદનપત્ર ક્યારે આપવુ ?

એકવાત સમજી લો સરકારનુ કામ ન્યાય કરવાનુ નથી પણ કાયદો અને વ્યવસ્થા જળવાઈ એ જોવાનું છે. એટલે જે કામ સરકાર કરી શકે છે અથવા તો જે બાબતે સરકાર નિર્ણય લઈ શકે એવી બાબતોમાં આવેદનપત્ર આપવુ જોઈએ. તમે ક્રાઈમ વખતે  પણ આવેદનપત્ર આપો પણ એવી રીતે આપો કે સરકાર કાયદો અને વ્યવસ્થા જાળવવામાં નિષ્ફળ ગઈ છે. જેથી કાયદો અને વ્યવસ્થા જળવાઈ તેવી વ્યવસ્થા કરવામાં આવે. નહીં કે સરકાર ન્યાય કરી ગુનેગારને સજા કરે. એક ઉદાહરણ જોઇએ, તમારાં ગામમાં બસ નથી આવતી તો તમે ભેગા થઈ આવેદનપત્ર આપો કે તમારાં ગામમાં બસ ચાલુ કરવામાં આવે. એના પર સરકાર કાર્યવાહી કરશે કારણ કે એ વાત એમના હાથમાં છે. સરકારે લીધેલ કોઈ નિર્ણય તમને મંજૂર નથી તો તમે આવેદનપત્ર આપો એ યોગ્ય છે. કાયદો વ્યવસ્થા જાળવવામાં માટે આવેદનપત્ર આપો એ યોગ્ય છે. જે કામ સરકાર કરી શકે છે એને કરાવવા માટે આવેદનપત્ર આપવુ જોઈએ.

*આવેદનપત્ર કેવુ હોવુ જોઈએ.*

ઘણીવાર આવેદનપત્ર એટલુ સરસ અને લાંબુ બનવામાં આવે છે કે અધિકારી વાંચતા વાંચતા થાકી જાય અને કંટાળીને મુકી દે, કહેવાનો મતલબ કે એ છે કે, આવેદનપત્રમાં તમે એટલાં બધાં મુદ્દા ઉમેરો છો કે અધિકારી પણ મુંઝવણ અનુભવે, એટલે આવેદનપત્ર એવુ હોવું જોઈએ જે સમજાય, એકદમ સરળ ભાષામાં અને બહુ  ટુંકમાં જે મુખ્ય મુદ્દા હોય એજ લખવા જોઈએ, એક જ આવેદનપત્ર પત્રમાં દસ બાર મુદ્દા લખ્યા સિવાય કોઈ ચાર કે પાંચ જે મુખ્ય મુદ્દા છે એજ લખેલ હોય તો અધિકારી વાંચીને જલદી સમજી શકે છે. એટલે આવેદનપત્ર બહુ સરસ અને લાંબુ બનાવ્યા કરતાં એકદમ સરળ ભાષામાં અને ટુંકમાં મુદ્દાસર હોય તો વધૂ સારું રહેશે. 

~ આવેદનપત્ર આપ્યા પછી શું કરવુ? 

આપણે જોઇએ છીએ આવેદનપત્ર આપ્યા પછી લગભગ એની રીસીવ કોપી આપણે લેતા નથી પણ આવેદનપત્ર એ પણ એક અરજી જ છે અને જયારે કોઈ સરકારી કચેરીમાં અરજી આપો ત્યારે રજીસ્ટરમાં એની નોંધણી કરી તમને રીસીવ કોપી આપવામાં આવે છે. તો જયારે આવેદનપત્ર આપો ત્યારે તમે કચેરીના સહી સિક્કા સાથે રીસીવ કોપી મેળવી લો જેથી તમારી પાસે પુર્ફ રહેશે કે તમે અરજી કરી છે અને એના પર લાંબા સમય સુધી કાર્યવાહી ન થાય તો તમે ફરીથી એજ અરજી કરી એમને યાદ અપાવી શકો છો.

એ સિવાય બીજી એક ખાસ વાત કે આવેદનપત્ર આપ્યા પછી આપણે ફોટો પડાવી ન્યુઝ પેપરમાં આપીએ છીએ અને આવેદનપત્ર કેમ આપ્યું એની માહિતી સાથે છપાય પણ છે. પણ જયારે તમે આવેદનપત્ર આપો છો એની પ્રેસ નોટ મીડીયામાં આપો ત્યારે આવેદનપત્ર કેમ આપ્યું એ મુદ્દા પર હાઇલાઇટ કરી ન્યુઝ પેપરમાં આપો, જો અધિકારી આવેદનપત્ર નહીં વાંચે પણ એજ આવેદનપત્રના મુદા મીડીયામાં આવશે તો એ ચોક્કસ ધ્યાન આપશે એ બાબતે. એટલે મીડીયામાં આવેદનપત્રના મુદ્દા હાઇલાઇટ થાય એનુ ધ્યાન રાખવુ.