Translate

31 March 2020

મન ની શાંતિ ક્યાં છે


મનની શાંતિ
માણસ આજીવન સદી દરસદી, ઉતરોતર, ક્રમાનુસાર મનની શાંતિ માટે ભટક્યો છે એને મનથી શાંત હોવાનો કાયમી અહેસાસ ક્યાંય થતો નથી, માણસે અનેક પ્રયોગો અજમાવ્યા જેમ કે મનપસંદ પૂર્ણઆહાર, નશો, યોગ, ભક્તિ, જેવા કેટલાય રસ્તાઓ અજમાવ્યા, શાંતિ મળી પરંતુ એ કામચલાવ સાબીત થઇ, જેવા આ કાર્યો પુરા કરી લીધા કે પાછા હતા એવાને એવા અશાંત. આહાર ઉપર વાત કરીએ તો માણસ પોતાની પસંદનો આહાર બનાવડાવી આરોગે છે અને તે આહારના આધારે બે ચાર કલાક મીઠી ઉંઘ પણ મેળવે છે પરંતુ આ શાંતિ કલાકોમાં પાછી હણાઈ જાય છે. નશો કરતો માણસ મદિરા કે અન્ય કેફી પદાર્થનું ગ્રહણ કરે છે અને એ આધારે એ બે ચાર કલાક મીઠી ઉંઘ પણ મેળવે છે પરંતુ આ કલાકો બાદ એ પાછો શાંતિની ખોજમાં લાગી જાય છે. યોગ, ભક્તિ જેવા અસંખ્ય પ્રયોગો માણસ સદીઓથી કરતો આવ્યો પણ શાંતિને હજુ મેળવી શક્યો નથી. માણસ એના પરીવાર સાથે હોટલમાં જમવા કે નાસ્તો કરવા જાય અને એ પળ કે કલાકોને એ દુનિયાની સર્વોચ્ચ ખુશી માની લે છે પરંતુ આ ખુશી બીજા દિવસે નાખુશીમાં તબદીલ થઇ ને જેટલા પ્રયત્નોથી તમે શાંતિ મેળવી એનાથી બમણા વેગે અશાંતિ ભેટ માં મળે છે, તો ગડબડ ક્યા છે ? 


શું માણસ કામચલાવ શાંતિ જ ઈચ્છે છે ? ના માણસ પૂર્ણ શાંતિ જ ઈચ્છે છે પરંતુ તે અસફળ રહેવાથી વધુ અશાંત બની જાય છે. સફળતા કેમ નથી મળતી, કેમકે માણસ એક સીમિત શક્તિથી અસીમિત શક્તિનો મુકાબલો કરવાની કોશીશ કરે છે અને એટલે એ અસફળ રહે છે, આવા એક પણ પ્રયોગ ક્યારેય કામ આવી જ ન શકે. મનની શાંતિ માટેનો એક આસાન પ્રયોગ અહી રજુ કરું છું અજમાવી જોજો અને મહેસુસ કરજો મનની શાંતિ કેમ અને કેવી આસાનીથી મળી રહે છે. પરંતુ આપણે અસફળ પ્રયોગો માટે ટેવાઈ ગયા છીએ, મનની શાંતિ માટે પહેલા તો અસીમિત દરેક શક્તિ, વ્યવસ્થા કે વ્યક્તિને મહાન માનવાનું છોડી દો, દુનિયાનો કોઈ પણ મહાન કે મહાનતમ એના જ્ઞાનથી નથી પરંતુ આપણા અજ્ઞાનથી એ મહાનતા હાશીલ કરે છે. બીજું જો તમે તમારા જ અનુભવોને વાંચી શકો છો તો એ વાંચો, વારંવાર વાંચો!! ત્રીજું તમે તમારા અનુભવની પ્રકૃતિ પોતે જ બનાવો, તમે અસીમિત છો પરંતુ એને તમે જ માનતા નથી એથી જ તમને એવું લાગે કે મારી મર્યાદાઓ સીમિત છે. અને મારે જે શાંતિ જોઈએ છે એ અસીમિત છે, જો તમે તમારા પૂર્વ અનુભવોને વાંચી શકશો તો શું તમને કેવું પડશે કે અનુભવો સારા જ પ્રાપ્ત કરો ? કોઈ કેમ તમને જાણ્યા વગર એમ કહી પણ શકે કે તમારો આ અનુભવ સારો રહ્યો કે ખરાબ ? એ તો આપણે જ જાણીએ પરંતુ આપણે તેવા અનુભવ ખરાબ છે તેમ માનીને તેને વિસરી (ભૂલી) જઈએ છે, જે ખરેખર ભુલાતા નથી, મનની શાંતિ માટે લોકો એમ માને છે કે ભૂલી જવામાં મજા છે અને વાસ્તવિકતા એ છે એ માનવા છતાં પણ પોતે જ એને ભૂલી શકતા નથી.

માણસે પોતાને આ સીમિતતામાંથી જ અસીમિત બનાવવાનો છે, બસ આગળ જે ગડબડનો ઉલ્લેખ કર્યો એ ગડબડ જ આ છે જો તમે તમારા અનુભવને વાંચી શકશો તો તમે તમારા અનુભવની પ્રકૃતિ બનાવી શકશો અને એ પ્રકૃતિ(દુનિયા) જો તમારી પોતાની બનાવેલી હોય તો એની સીમા પણ તમે જાણતા જ હોવ અને એ સીમામાં કોને પ્રવેશવા દેવા અને કોને નહિ એ પણ તમે જાતે જ નક્કી કરી શકશો, વધુ એક પ્રયોગ રજુ કરું છું. તમે કોઈને ઝગડતા જોયા હોય તો એને તમે ઝગડો ન કરો તેવું કહો અથવા કરો છો, સાચ્ચું!! એવી જ રીતે તમે કોઈને પ્રેમ કરતા જુવો છો તો એને પણ પ્રેમ ન કરો એવું જ કહો છો ને ? બસ આ તમારી મનની અશાંતિ છે, જેનો ઝગડો થઇ રહ્યો છે અને એને તમે ઝગડો ન કરો એમ કહો તો એનો મતલબ એ થાય કે તમે એને પ્રેમ કરવાનો સંદેશ આપી રહ્યા છો અને આનાથી વિપરીત તમે કોઈ પ્રેમ કરે એને એમ ન કરો એવું કહેવા માંગો છો!! એના આ કાર્યને તમે કઈ કહો એ તમારા મનનું અને એનું બંનેનું ઘોર અપમાન છે. તમે આમ કરીને તમારી સીમા બહાર અને એની સીમામાં અજાણતા જ પગ રાખી દો છો અને બસ મનની અશાંતિ અહી જ સક્રિય રહીને તમને ડીસ્ટર્બ કરી જાય છે, તમે તમારી સીમા બહારનું આ અસીમિત કાર્ય કરો છે અને એ જયારે તમારી સીમામાં આવે છે ત્યારે તેને નાપસંદ કરો છો

જયારે કોઈ માણસ ખુબ જ દુઃખી હોય અને એને તમે એમ કહો કે ખુશ રહો, એ એનું અપમાન છે!! એવી જ રીતે જેવી રીતે કોઈ માણસ ખુબ જ ખુશ હોય અને એને તમે એમ કહો કે દુઃખી રહો ? મારા અનુભવથી હું તો ત્યાં સુધી કહીશ કે જે વ્યક્તિ ને એની પ્રકૃતિની સીમાની ખબર નથી એ વ્યક્તિને ખુદ ઈશ્વર એના ખોળામાં બેસાડીને શાંતિનો અનુભવ કરાવડાવે તો પણ એ કામચલાવ શાંતિ જ સાબિત થશે અને એનાથી વિપરીત જે વ્યક્તિ એની પ્રકૃતિની સીમા જાણતો હશે એને ઈશ્વર ક્યારેય ન મળે તો પણ એની અમાપ શાંતિ હશે, બીજા અર્થમાં એ પોતે જ ઈશ્વર છે જે કામચલાવ નહિ કાયમી શાંતિને અનુભવે છે.

ધરતીનો પ્રારંભ થયો ત્યારથી જ આ હકીકતનો પણ પ્રારંભ થયેલો છે પરંતુ સીમિત દાયરો ધરાવતો મનુષ્ય પહેલા અસીમિત શક્તિ, વ્યવસ્થા કે વ્યક્તિને પડકારી લે છે અને પછી પોતે અશાંત બનીને શાંતિ માટે ભટકી જાય છે. જેમ એક સારા દિવસની કલ્પના માટે એક ઘોર કાળી રાત્રીમાંથી પસાર થવું જ પડે તેમ એક શાંતિ માટે મનુષ્યએ એક અશાંતિમાંથી પહેલા પસાર થવું જ પડે, શાંતિનો રસ્તો કોઈ અન્ય પ્રયોગોમાં નથી, શાંતિનો રસ્તો અશાંતિમાંથી જ છે. જો મનુષ્ય અશાંત થઇ શકે તો જ એ મનુષ્ય શાંત થઇ શકે અન્યથા શાંતિ અને અશાંતિની વચ્ચે અટવાવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. પરમ શાંતિ માટે અહં સીમાનો અભ્યાસ જરૂરી છે અને એ નિર્વિવાદ હકીકત છે કે જો સીમા બહાર પગ રાખીએ તો સુરક્ષાનો પહેલા વિચાર કરવો જોઈએ તેમ કોઈને સલાહ કે ઉપદેશ આપીએ તો આપણી શાંતિનો પહેલા વિચાર કરવો જોઈએ. જે લોકો આ કરી શકે છે એ એની સીમાઓથી સુપેરે પરીચિત હોય છે.
~ ભાર્ગવ જોશી