Translate

30 March 2020

આત્મદર્શન



મોહ માયા લોભ લાલચ ભય તથા સામ દામ દંડ ભેદ તેમજ કર્મ અકર્મ કે વિકર્મ અને શિવ તથા જીવને જાણ્યા પહેલા કોઈ માણસ ક્યારેય પોતાની આત્માનો સાક્ષાત્કાર કરી શકતો નથી અને આત્મ સાક્ષાત્કાર વિના માણસ પોતે જન્મ્યો છે શા માટે? અને શા માટે મરી જશે? પોતાના જન્મનો અર્થ શું, એવા પ્રશ્નોનો જવાબ જાણી શકતો નથી, આવા સવાલ જવાબવાળા નિરર્થક અથવા સાર્થક જીવનને સમજવા અને જાણવા માટેના પ્રયોગ કેમ કરી શકાય એ સમજવા આ વાંચન કરવું જોઈએ  



આત્મદર્શન પુસ્તક પ્રકાશક દ્વારા બે બોલમાં સમજાવી શકાય તેવડુ નાનકડું પુસ્તક નથી, ખુબ છણાવટ સાથે પુસ્તકને લખવાનો પ્રયત્ન લેખકે કર્યો છે, જ્યાં સુધી લેખકને ઓળખું છું ત્યાં સુધી તેના માટે થોડા શબ્દોમાં બધું કહેવું મારા માટે શક્ય જ નથી, કઈ કેટલાય પુસ્તકોનો સમુંદર એની ભીતર છે, ચોક્કસ માન્યતા કે કોઈ ચોક્કસ વર્તુળમાં જીવનારો આ લેખક નથી, એને સમજવામાં મેં કોઈ શોર્ટકટ અપનાવ્યો નથી એટલે એના શબ્દો ગુઢ છે તેવી કોઈ ઉપાધી નહિ આપું પરંતુ પુસ્તક ગાગરમાં સાગર છે જેને નકારી શકાય નહિ, જવલ્લે જ આવા લેખો વાંચવા મળે, એકંદરે કે એવરેજ નહિ પરંતુ ખરેખર આ પુસ્તક વાંચવા, જાણવા અને સમજવા લાયક છે પુસ્તકમાં કોઈ શબ્દ હિરમાં વીંટીને નહિ પરંતુ સરળ અને સાચી સમજ સાથે પારદર્શક રીતે અને બેબાક કહેવામાં આવ્યા છે. લેખક જાતે જ પોતાના અનુભવને જયારે કલમના સહારે શબ્દનું રૂપ આપે ત્યારે એ ઉપદેશ ન બનતા સમજણ વધુ બની જાય છે અને આવી જ એક સમજણ આ પુસ્તકમાં બેબાક રીતે લખવામાં આવી છે, જન્મ-મરણ, સેક્સ-અનુભૂતિ, વ્યાપાર-વ્યવહાર, અહંકાર અને પ્રકાર આ પુસ્તકના આધાર છે, લેખકની કલમ ચોટદાર છે અને શબ્દો પણ વજનદાર છે, શબ્દને જો મનોવિજ્ઞાન કહેવામાં આવતું હોય તો આ પુસ્તકમાં જીવ-શિવના વિજ્ઞાનને રજુ કરવામાં આવ્યું છે, જો પ્રત્યેક આત્મા પરમાત્મા છે તો તમને કે મને સ્વયંની આત્મા ઓળખવામાં લાજ શેની જે છણાવટ આ પુસ્તકમાં છે, જો આપણે આપણી આત્માને જ ઓળખતા ન હોય, તો આપણે પરમાત્માને ઓળખતા હોવાનું માનવું એ પોતે જ પોતાની સાથે બનાવટ કરવા બરાબર છે, શિવ જાણવા જીવને જાણવો જરૂરી છે અને પરમાત્માને જોવા આત્માને જોવી ખુબ જ જરૂરી છે, ખુબ સરસ પુસ્તક છે આત્મરસનો સ્ત્રાવ આ પુસ્તકથી થશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી, ચેતન ઠકરાર-પત્રકાર, સંદેશ ટીવી 


આત્મદર્શન
                                              
ક્યા ખોયા ક્યા પાયા જેવા જીવનની સારણીનો હિશાબ કરીએ એટલે લેખા-જોખા બધા જ કરવા પડે, ક્યાંક સતત સહન કરનારો, માણસ ક્યાંય અત્યાચાર પણ કરતો જ હોય છે, સાધારણ રીતે અજન્મા માણસ એક અર્થપૂર્ણ સંતોષકારક જીવન જીવવાનું વચન આપીને ઈશ્વરના દરબારમાંથી ધરતી ઉપર પોતાના એક નામ માટે જન્મથી મરણ સુધીની આખી વેદના સહેવા જન્મ અને મરણ ધારણ કરતો હોય છે, અને આખરે આ ચક્રમાં ફસાઈ જતો હોય છે, માણસ માત્રનાં આમ તો લાખો પ્રકાર છે પરંતુ બે પ્રકાર એમાં મુખ્ય છે આશાવાદી અને નિરાશાવાદી, આંતરર્મુખી અને બહુર્મુખી એવા મારા જીવનના પ્રત્યેક અનુભવ જે વાસ્તવમાં તમારા અનુભવ પણ છે તે સાથે આ આત્મદર્શન સહુને પોતાના જીવનમાં કરવા દરેક વાંચકને આ સ્વલિખિત પુસ્તક અનન્ય સ્નેહ સાથે સમર્પિત કરું છું.



        આપણે બધા સમજદાર જીવન સુધી પહોચ્યા ત્યાં સુધી અથવા એ પહેલા અણસમજુ હતા, જેને નકારી શકાય નહિ લોકો આ સમયને બચપણ કહે છે પરંતુ વાસ્તવમાં એ અણસમજ સમયગાળો જ કહી શકાય, જીવનથી મૃત્યુ સુધીનો સાર મેળવવા અનેક યોગીઓ, મહાપુરુષો, સંતો, ઓલિયાઓ, સૂફીઓ કે પાદરીઓ આપણી જેમ જ જીવનના આ ચક્રને પાર કરી ગયા, એ બધા આપણાથી મહાન છે એટલા માટે નહિ કે એ આપણાથી કવોલીટીમાં સુપેરીયર હતા કે એટલા માટે નહિ કે તેઓ આપણા કરતા ઈશ્વરથી વધુ નજીક હતા, એટલા માટે નહિ કે એ આપણાથી વિશેષ હતા, ના પેઢી દરપેઢી આવા મહાપુરુષો લોકમાનસની ક્યારેક પાસે તો ક્યારેક દુર રહ્યા, કેટલાય એવા મહાપુરુષો છે જેને આપણે ઓળખતા ન હોવાથી અથવા કોઈએ આપણું ધ્યાન એ તરફ આકર્ષિત કર્યું ન હોવાથી આપણે એમનાથી અપરિચિત છીએ, મારા મતે એઓ આપણા લોકમાનસ અથવા આપણા માનસપટ પર એટલે મહાનની પદવીધારી ગણાયા કે આપણે બસ એમના વિષે માત્ર સાંભળ્યું છે. એનાથી આગળ કહું તો આપણે ખુદને એ મહાનતાના શિખર ઉપર લઇ જવાની તસ્દી ન લીધી એટલે એ આપણને મહાન લાગ્યા, વાસ્તવમાં તો આપણે એ મહાનતા આપણી અંદર શોધતા હતા, જેને સાકાર ન કરી શક્યા એટલે આપણી માનસીક સંતુષ્ટી માટે આમાંના કોઈને આપણે મહાન માણસ, મહાપુરુષ, કે ઈત્યાદી ઉપાધી આપીને નવાજ્યા. આપણે આપણને એ જગ્યાએ જોવા માંગતા જ હતા પણ આપણે એ ન કરી શક્યા એટલે એ સ્વીકારી લીધું કે તેઓ મહાન છે. માણસ માત્રમાં ફિંગર અને આંખના ડોળા સિવાય બધું જ એકસમાન છે, જેમ કે એક તરફ શરીરની હ્રુષ્ટતા-પુષ્ટતા તો બીજી તરફ દુર્બળતા, ભેદ માત્ર એટલો કે એક શરીર તંદુરસ્ત અને મજબુત છે જયારે બીજું શરીર દુર્બળ અને રોગીષ્ટ છે, તફાવત શરીરની સંભાળનો છે જો દુર્બળ અને રોગીષ્ટ શરીર આપણું હોય તો આપણે બાકીની દરેક પરિસ્થિતિ માટે દોષ (અભાવ) જોઈએ છે આવો અભાવ આપણામાં લોભ, લાલચ, મોહ જેવા વિકારોને જન્મ આપે છે, અહી મારો કહેવાનો મતલબ એ નથી કે દુર્બળ શરીરના મુકાબલે સ્વસ્થ શરીર જેની પાસે હોય તેમનામાં લોભ, લાલચ કે મોહ જેવા વિકારો નહિ હોય? અહી શરીર એ મારી વાતને કહેવા માટે અને વાંચકને સરળતાથી સમજવા માટેનું એક ઉદાહરણ માત્ર છે. જન્મથી લઈને મૃત્યુ સુધીની સફરમાં બહેરો અથવા કુંઠીત બની ગયેલો માણસ જ માત્ર એની જીવનયાત્રામાં બેચાર તફાવતો જુએ છે જયારે પૂરી સફરમાં લાખો, કરોડો, ખરબો તફાવતો હોય છે જેને આપણે નજરઅંદાજ કર્યા હોય છે, બસ આ નજરઅંદાજ શું શું કર્યું એ જોવા જ આત્મદર્શન કરવું આવશ્યક હોય છે, આગળ મેં કહ્યું એમ એ બધા કે જેને આપણે મહાન માની લીધા અથવા વાસ્તવમાં તેઓ મહાન હોય પણ શકે તો પણ આત્મદર્શનનું પૂર્ણ સત્ય કે અંતિમ સત્ય એ ઇચ્છતા હોવા છતાં પણ કહી નથી શકતા કેમકે જયારે આ સત્ય કહેવા એ આતુર કે ઉત્સુક હોય તો પણ એની જીવનયાત્રા પૂરી થઇ જતી હોવાથી એ આખરી કે અંતિમ સત્ય આપણે સ્વાનુભવ વિના જાણી કે સમજી નથી શકતા.
         
         એથી જ અહી દુર્બળ કે સ્વસ્થ શરીર ભલે હોય પણ આગળના વિકારોને સમજ્યા વિના આખી વાતને સમજવી અશક્ય જ નહિ પરંતુ તદન અસંભવ છે, વિકારોને આગળ સમજીએ એ પહેલા નફો અને નુકશાન અથવા આનંદ અને શોકને સમજવા જરૂરી છે, જેમ કે આનંદ અને શોકને આપણે નફો અને નુકશાન સાથે જોડીને જોઈએ તો માણસ વહેપાર કરતો હોય તે ગઈકાલ કરતા આજ એક પણ પૈસાનો વધારો પોતાનામાં નોંધે એટલે એને નફો કર્યો કહેવાય અને ગઈકાલ કરતા એક પણ પૈસાનો ઘટાડો પોતાનામાં નોંધે એટલે એને નુકશાન કર્યું કહેવાય, એ જ રીતે કોઈ આપણને આનંદજનક વાત કરે જેમ કે જેને આજે ગઈકાલ કરતા એક પૈસાની વધુ જરૂર છે અને એ એને મળે એટલે એ આનંદિત થશે અને ગઈકાલ કરતા એક પૈસાની વધુ જરૂરીયાત હોવા છતાં એ ગઈકાલનો અને આજનો જોડીને કુલ વધુ બે પૈસાની જરૂર હોવા છતાં, વધુ મહેનત કરવા છતાં, જો તેમ ન થાય તો તેની મુશ્કેલીમાં વધારો થશે એ જાણતો હોવા છતાં પણ વધુ બે પૈસા ન મેળવે તો એ શોકાતુર થશે, જ્યાં સુધી શોક અને આનંદ તથા નફો અને નુકશાનની સમજદારી ન કેળવીએ ત્યાં સુધી આનંદને અને નફાને જ માણસ સુખની ચરમસીમા સમજતો રહેશે, સુખથી આગળ પણ ઘણું છે પરંતુ એ આગળ ઘણું હોય શકે એને આપણે યોગીઓ, મહાપુરુષો, સંતો, ઓલિયાઓ, સૂફીઓ કે પાદરીઓની ઉપાદી આપીને આપણો છુટકારો મેળવી લઈએ છે. જયારે જે લોકો આમ નથી કરી શકતા એ નફાની આગળ સેક્સ, સેક્સની આગળ અનુભૂતિ, અનુભૂતિ આગળ એના પુણ્યકર્મો અને આ બધાની સાથે જોડાયેલું પોતાનું નામ એને એ સુખની ચરમસીમા માની લે છે, એક ઉદાહરણ આપું મહાભારતમાં એક દાનવીર પાત્ર છે જે માત્ર દાનવીર સિવાય બીજા એક પણ આયામ કે ઉપાધિથી નથી ઓળખાયા, શું કર્ણ સારા માણસ કે ખરાબ માણસની વ્યાખ્યામાં આવ્યા? ના, જો મહાભારતનું પુસ્તક કોઈએ આ દ્રષ્ટિકોણથી વાંચ્યું હશે તો એ ચોક્કસ મારા ના વાળા અભિપ્રાયને સમર્થિત રહેશે, કર્ણ જો સારા હોય તો દુર્યોધન સાથે કેમ રહ્યા જયારે દુર્યોધનના પ્રતીપક્ષમાં ખુદ શ્રી કૃષ્ણ હોય, કર્ણ ખરાબ હતા તો જીવનના આખરી શ્વાસ સુધી દાન કેમ કરતા રહ્યા જયારે તેના દાનની યાચનામાં ઇન્દ્ર, તથા કુંતી જેવા મહાન હસ્તીઓ પણ યાચક હતા. કહેવાનું તાત્પર્ય એટલું જ કે આનંદ અને નફાના દ્રષ્ટિકોણ સુધી જ કશું નથી, મામલો આનાથી પણ ઘણો આગળનો છે
        
         તો શું નફાથી આગળ સેક્સ છે? અનુભૂતિ છે ? ના આ પ્રશ્નનો જવાબ પણ જેને નથી મળતો તે આનાથી આગળ કોઈને ઈશ્વરની ઉપાધી આપીને પોતાનો છુટકારો મેળવી લે છે, માણસ જ્યાં જ્યાં આગળ નથી વધ્યો ત્યાં ત્યાં એણે ઉપાદીઓ આપવાની એક અસહ્ય બેવકૂફી સતત નોંધાવી છે, વાત કરીએ કોઈ યોગીની અને આવા માણસની આવી બેવકુફીઓને વધુ વિસ્તારથી સમજીએ, અત્યાર સુધીના ઇતિહાસમાં યોગ અને યોગીઓની સાચી સમજ શ્રીમદ ભગવદ ગીતામાં શ્રી કૃષ્ણએ આપી છે તેનાથી વધુ વિસ્તારથી અન્ય કોઈ આ સમજ આપી જ ન શકે, શ્રી કૃષ્ણ એક મહાન ઉપદેશક હતા, સાથે સાથે અનુભવી પણ એણે એક પણ ઉપદેશ એવો ક્યારેય નથી આપ્યો જેમાં એનો પ્રત્યક્ષ અનુભવ ન હોય, અને એને ન સમજ્યા એમણે એમને ઈશ્વરની ઉપાદી આપીને ખુદને એ માથાકૂટથી બહાર કરી લીધા, ટૂંકમાં એ અનુભવમાંથી પોતાનો છુટકારો કરી લીધો, શ્રી કૃષ્ણ ઈશ્વર છે તેમાં ના નહિ પણ શું બે ચાર ડાયલોગ અને એક વિરાટયુદ્ધનું નેતૃત્વ કર્યું એટલે એ ઈશ્વર છે? આ બ્રહ્માંડમાં એક એક આત્મા પરમાત્મા છે અને હું એ પરમતત્વ બધાને સરળતાથી સમજાય એટલે જ આ આત્મદર્શન લખવાનો પ્રયત્ન કરું છું, વાત કરતા હતા આપણે કોઈ યોગીની આ યોગી તમે પણ છો, હું પણ છું અર્થાત વાંચનાર પણ યોગી છે અને લખનાર પણ યોગી જ છે, જે યોગી હોય છે આપણે વાત કરીએ એ કોઈ યોગી તો તમે જેને યોગી સમજ્યા હશો એ જ તમારા માનસપટ પર તરવરશે તેવા કોઈ પણ યોગી મોટાભાગે આપણને પોતાની આંખો બંધ કરેલી સ્થિતિમાં જ જોવા મળે છે, જાણો છો એનું કારણ શું? જો માણસ તરીકે આપણે જેને આનંદ કે નફાની ચરમસીમા ગણીએ છે તેવી એક પણ પ્રવૃતિમાં આવો કોઈ પણ યોગી કેમ રત નથી ? શું આપણે માની લીધો તેવો કોઈ આનંદ કે નફો આવા યોગીઓને નહિ સમજાતો હોય ? યોગીની આંખો બંધ એટલા માટે હોય છે કે જે આનંદ આપણે માણીએ છે એનાથી ક્યાંય વધુનો આનંદ એ ભોગવે છે ખુલ્લી આંખે એ આપણા આવા આનંદને એટલે નથી સ્વીકારતા કે આપણો આનંદ એના આનંદ પાસે ફિક્કો છે. માણસ કે અન્ય કોઈ પણ પશુ પક્ષી સેક્સમાં જે આનંદ મેળવે છે એ આનંદથી વધુ આનંદની ક્ષણ એવરેજ માણસે ક્યારેય ભોગવી નથી, પશુ પક્ષી તો સેક્સ માત્ર પ્રજનન માટે કરે છે એટલે કદાચ એ આનંદ એને આનંદ બરાબર હોય કે ન હોય પરંતુ માનવ સમાજ સેક્સ માત્રને માત્ર આનંદની અનુભૂતિ માટે કરે છે, ખુબ ધન અર્જિત કરી લેતા લોકો કેફી પીણા કે સેક્સ કે અન્ય ખતરનાક નશા કદાચ એ માટે જ કરે છે, તેનાથી એને આનંદ મળે છે, વાસ્તવમાં તો માણસ એ વખતે એ અવસ્થામાં હોય છે કે જો અગાઉ ઉપાદીઓ આપવાની રસમ ચાલુ ન થઇ હોત તો એને આનંદની ચરમસીમાએ જવાની તક, માર્ગ અથવા માર્ગદર્શક મળી રહેત, હકીકતે તો માણસ મરજીવો છે અને એનું મગજ (મસ્તિસ્ક) એ સાગર છે, જેમ જેમ એને સાગરમાં ઊંડું જવું હોય તેમ તેમ તેણે સમુદ્રમાં વધુ વખત ટકી રહેવાની પદ્ધતિ કેળવવી પડે, ઊંડા સમુદ્રમાં ઓક્સીજનનો અભાવ છે એવું નથી, જો ઓક્સિજનનો અભાવ હોય તો એવા અસંખ્ય જળચર જીવો છે જે સમુંદરના પેટાળમાં વસવાટ કરી શક્યા ન હોત, કહેવાનો મતલબ એ છે કે કમી છે માર્ગદર્શનની, માર્ગદર્શન પણ એવી બાબત છે કે કોઈ આપણને માર્ગદર્શન આપે છે એ સાચું છે કે ખોટું? કેમકે માર્ગદર્શનને માર્ગદર્શનથી વધુ ન આપણે જાણીએ છીએ ન ઓળખીએ છીએ, તો કોઈએ કશું કહ્યું એ સાચું છે કે કોઈએ કશું કહ્યું એ ખોટું, એ તપાસવાનું પરીક્ષણ શું ? જેમ કે એક દેશ હોય એનું બંધારણ હોય એ બંધારણમાં બધી જ બાબતો સ્પષ્ટતા પૂર્વક એક ગાઈડલાઈન્સના રૂપમાં વર્ણવવામાં આવી હોય આ વર્ણન અનુસાર વર્તે તે સાચા અને એની વિરુદ્ધ વર્તે તે ખોટા !! હવે આવા બંધારણીય દેશમાં સાચા અને ખોટા બધા જ રહેતા હોય તો એને ઓળખવા આપણે એ બંધારણીય દેશના બંધારણને વાંચીને કેટલા સાચા કેટલા ખોટના અભિપ્રાય ઉપર આવીએ છીએ, પરંતુ એને વાસ્તવિક રીતે જોઈએ તો માણસની એવરેજ ૮૦ વર્ષની આયુમાં એ વિશ્વના બધા દેશોના બંધારણ વાંચવા નહિ બેસે, અને એને મતલબ પણ શું આ વાંચવાનો ? અહી મારી એ વાત સાથે તમે સંમત થશો કે મેં આગળ કહ્યું એમ માણસ જ્યાં પહોચવા નથી માંગતો ત્યાં સરળતાથી એક ઉપાદી આપીને પોતાને એ માથાકુટમાં નથી ઝોંકતો એટલે એ પેલા દેશનું બંધારણ સારૂ કે પેલા દેશનું બંધારણ ખોટું જેવી એને ફાવે તેવી ઉપાદી એ આપી દે છે, આવા કોઈ અભિપ્રાયોને ક્યારેય સાચું માર્ગદર્શન માનવું ન જોઈએ તેથી મારા મતે માર્ગદર્શન કોઈનું લેવું જ નહિ કેમ કે જો માર્ગદર્શન લેવા રોકાશો તો એ સાચું છે કે ખોટું તેમાં તમે મુંજાશો, ત્યારે ચટ મંગની પટ બ્યાહ જેવી રીતે પણ માણસ આગળ વધવા તત્પર નથી હોતો, બસ મગજની આ દશા જ તમે કોઈને ઉપાદી આપનાર છો કે નહિ એ દિશા આપે છે. અને આ જગ્યાએ જ માણસે આત્મદર્શન કરવું જોઈએ, આ દશા માણસના રોજબરોજના જીવનમાં લાખો વખત સર્જાય છે અને માણસ એમાં શોર્ટકટમાંથી નીકળી જાય છે અને આવા શોર્ટકટનો આધાર માત્રને માત્ર એનું નામ જીવિત રાખવાની પ્રક્રીયા ભર છે અને આ સંસારની રચનામાં કોઈ અનંતકાળ સુધી જીવિત રહેતું નથી, ના માણસ, ના માણસે આપેલી ઉપાધી, અને ના માણસનું નામ. આપણી અગાઉના માણસોએ એ ગંભીર ભૂલ કરી એમ કહેવા નથી માંગતો પરંતુ તમે કે હું આવી કોઈ ભૂલ તો નથી કરતાને? એ જરૂર કહેવા માંગું છું.
       
          એટલે આપણે સહુ પહેલા કર્મ, અકર્મ અને વિકર્મને સમજવા જોઈએ જે શ્રીમદ ભગવદ ગીતામાં છે એનાથી વધુ સારી રીતે તો નહી જ સમજાવી શકું પરંતુ જો ગીતાજીમાં લખ્યા એ જ સિદ્ધાંતો કોઈને ગુઢ લાગતા હોય તો એને આત્મદર્શનથી સરળ બનાવવા પ્રયાસ જરૂર કરું છું. કર્મ એટલે શું ? માણસ જ નહિ જીવ માત્ર કર્મ વગર રહી ન શકે ઈશ્વરે માણસ સિવાય બાકીના કોઈ જીવને કર્મ કેમ કરવા એનો અવસર કુદરતે આપ્યો નથી, જેમ કે આપણે પશુપાલન કરતા હોય અને બધા પશુને નભાવતા હોય તો એમાંના કેટલાક પશુ બળશાળી હોય છે કેટલાક પશુ સરળ હોય છે કેટલાક પશુ લાચાર તો કેટલાક પશુ અણઘડ હોય છે આમ પશુના આ સમૂહના કર્મો કેટલા છે એ જોઈએ આ બધા જ પશુ ચારો ચરશે એ એનું કર્મ છે, આ બધા જ પશુ મળમૂત્ર ત્યાગ કરશે એ એનું કર્મ છે, આ બધા પશુઓ પૈકી કેટલાક દૂધ આપશે એ એનું કર્મ છે, આ બધા પશુઓ પૈકી કેટલાક વધુ પશુઓને જન્મ આપશે એ એનું કર્મ છે, જયારે આ પશુઓ થકી માણસ નફો કે નુકશાન કરે તો એ કોનો? માણસનો ને? પશુઓનો કેમ નહિ? જો એમાંના એક પણ પશુને ખબર હોય કે મારા દ્વારા આપવામાં આવતા દુધના એક લીટરની કીમત ૧૦૦ રૂપિયા છે તો એ પશુપાલકના બંધનમાં રહે ખરું? આવા પશુને ચારો આપો તો પણ અને ચારો ન આપો તો પણ એ જીવિત છે ત્યાં સુધી એના કર્મ એ કરતા જ રહેશે, કહેવાનો મતલબ માણસ સિવાય અન્ય કોઈ જીવને આ અવસર નથી મળ્યો કે એણે શું કરવું અને શું ના કરવું જેથી એ કર્મ તરીકે ગણાય. વિકર્મ એટલે શું ? વિકર્મ એટલે કર્મના બદલામાં તુરંત પ્રતીક્રીયા આપી દેતી ઘટના, કે વસ્તુ. જેમ કે પશુપાલક કોઈ પશુને કશું સાધન મારે એની પ્રતિક્રિયામાં એ પશુ પાલકને ઢીક મારે એ વિકર્મ, અથવા પાલક પશુને ચારો નાખતા હોય અને પશુ તેમાં મોઢું નાખીને પાલકના કાર્યને બાધા પહોચાડતું હોય ત્યારે પશુપાલક દ્વારા એને કોઈ સાધન મારવામાં આવે એ વિકર્મ, વિકર્મ એટલે એ ઘટના જેની પ્રતીક્રીયા થવાની પુરેપુરી સંભાવના હોય અને એને અટક્વાવવું હોય તો કર્મની જેમ જ વિકર્મને ન કરવું એ વિકર્મ, વિકર્મની વધુ એક સમજ એ પણ છે કે જેમ એક સિનેમા હોલની ટીકીટબારીએ આપણે પૈસા આપીએ એટલે તે બારી પરથી આપણને ચલચિત્ર જોવાની ટીકીટ મળે એ, અથવા માણસ કોઈ તરસ્યા પશુને પાણી પીવડાવે અને બદલામાં એ પશુ અંતરથી સંતોષ અનુભવ્યાનો આનંદ ઉદગારે એ વિકર્મ છે, કોઈ ભૂખ્યાને આપણે ભોજન કરાવીએ અને એને જે સંતોષ મળે એનાથી આનંદિત થઈ ને એ લાભાર્થી જે વ્યક્ત કરે જેમ કે ઈશ્વર તમારું સારૂ કરે ઈત્યાદી એ વિકર્મ, અકર્મ એટલે શું ? અકર્મ એટલે કર્મ અને વિકર્મની સમજ પછી આપણે જે કરીએ કે ન કરીએ એ અકર્મ, જેમ કે કોઈ સિપાઈની પાછળ લુટારાઓ પડ્યા હોય અને એ સિપાઈ ક્યા છુપાયો છે એ જાણવા છતાં અને પેલા લુટારાઓ ધમકાવે છતાં પણ તેને સિપાઈના છુપાવાનું સ્થળ ન કહીએ એ અથવા કોઈ લુટારાની પાછળ સિપાઈ પડ્યા હોય અને સિપાઈ દ્વારા પૂછવામાં આવે અને એ લુટારો તમારા શરણમાં હોવા છતાં તેના છુપાયેલા સ્થળની જાણકારી સિપાઈને આપવી એ અકર્મ, અર્થાત કર્મ કરવા યોગ્ય છે અથવા તે કરવાથી નફો થશે કે નુકશાન એ સ્થીતી એટલે અકર્મ, અને મોટાભાગે લોકો અહી જ અટવાય જાય છે અકર્મની સ્થિતિ વખતે એ કર્મ અને વિકર્મના અનુભવ છતાં માત ખાઈ જાય, એ અકર્મના પ્રતાપ છે. કર્મ, વિકર્મ અને અકર્મની વધુ સારી અને સાચી સમજ શ્રીમદ ભગવદ ગીતા સિવાય ક્યાંય ઉપલબ્ધ નથી તેથી એ મહાન પુસ્તકને વાંચવા અનુરોધ છે,
       
       પુસ્તકોને માણસ એક પુસ્તક તરીકે નથી લઇ શકતો કે કોઈ ઘટનાને એક ઘટના તરીકે નથી લઇ શકતો તેથી સુખ અથવા દુખની તેને અનુભૂતિ થાય છે. એટલે જ આવી ઘટના કે પુસ્તકોને વેદ,ગ્રંથ, જેવી ઉપાદીઓ આપીને માણસ છટકી જાય છે. અને મારા મતે લગભગ માણસ અકર્મની આ સ્થિતિએ શોર્ટકટ મારી લે છે, સામ દામ દંડ અને ભેદ એટલે શું? કર્મ-વિકર્મ અને અકર્મને સમજવામાં જો સહેલ પડી હોય તો જ સામ,દામ, દંડ અને ભેદને સમજવામાં સહેલ પડશે, સામ એટલે શું? સામ એટલે સમજણ અથવા કશું સમજવાની પદ્ધતિ કે પ્રક્રીયા, જેમ કે કોઈ ડોકટરના ક્લીનીક પર સમાન સુચના હોય કે શાંતિ જાળવો ? અથવા કોઈ હોસ્પીટલ, કોર્ટ કે તેવા સ્થળો ઉપર બોર્ડ લાગ્યા હોય છે કે શાંતિ જાળવો, ઘોંઘાટ કરશો નહિ ઈત્યાદી, જેમ એક પતિ-પત્નીના પરીવારમાં એક/બે બાળક હોય તે બાળકને માતા અથવા પિતા દ્વારા એક દંડનીય સમજ આપવામાં આવતી હોય કે આમ નહિ કર નહિ તો તારા પપ્પાને કહીશ ઉલટું કેટલાક સંજોગોમાં તારી મમ્મીને કહી દઈશ એવું કેટલાક પપ્પા કહેતા હોય તેમ, કહેવાનો મતલબ સમજણ આપવામાં આવે કે આમ કરીએ તો આટલો ફાયદો અથવા આમ કરીએ તો આટલું નુકશાન એ સમજદારીનું નામ એટલે સામ, સામને ઘણા કિસ્સાઓમાં લાલચ તરીકે પણ વર્ણિત કરવામાં આવે છે જે પુસ્તકના આગળના ભાગમાં વિસ્તારથી સમજવામાં સહાય થશે હાલ તો સમજદારી અથવા સમજણનું એક નામ એટલે સામ. દામ એટલે શું ? દામ એટલે ચલણ, મુદ્રા, વગેરે દામ દરેક દેશ અથવા વ્યવસ્થામાં અલગ અલગ હોય છે એટલે અહી દામને સમજવાનો અર્થ ચલણ જ રાખવો જોઈએ, દામ એટલે સામના અંતે અથવા સામની સમજણ બાદ દામની આવશ્યકતા હોય ત્યારે જે ચલણી સમજુતી સ્વીકારવામાં આવી હોય તેને દામ કહી શકાય, દંડ એટલે શું? દંડ એટલે સજા, એને પણ સામના અંતે જો ચલણી વ્યવસ્થા પણ કારગર ન રહેતી હોય તો જે રસ્તો સ્વીકારવામાં આવે એ રસ્તો કે માર્ગનું નામ દંડ. ભેદ એટલે શું ? ભેદના અર્થને ઘણા બધા લોકોએ શોર્ટકટ માટે છળકપટની ઉપાધી આપી દીધી છે, ભેદ એટલે છળકપટ તો જરાય નહિ, ભેદ એટલે છળ પણ નહિ, ભેદ એટલે ગુપ્ત, ભેદ એટલે એ વ્યવસ્થા જે સામેવાળાને માફક આવવાની નથી એની સમજનું નામ એટલે ભેદ, જેમ કે ઘરમાં બાળકને કોઈ મહત્વપૂર્ણ જાણકારી આપવી, નોકર કે માલિકને કોઈ જાણકારી ન આપવી, જે આપવાની તો હોય છે પરંતુ તે તેના સુધી પહોચાડીએ એ પહેલા ગુપ્ત રાખવી જરૂરી હોય અથવા સમય પહેલા તે જાણે નહિ એવી પ્રવૃત્તિ એ ભેદ. મોહ, માયા લોભ લાલચ અને ભય એટલે શું ? મોહ એટલે શું ? મોહ પૃથીવી પરના બધા જ જીવોમાં જોવા મળતું એક તત્વ છે, મોહ ઘેરો હોય ત્યારે એ પ્રેમ જેવા પવિત્ર અને અર્થસભર વિષયોનું આડંબર પણ પહેરી લે છે તેથી અહી મોહ અને પ્રેમ બંનેને સમજવા જરૂરી છે સામાન્ય રીતે મોહ એટલે આકર્ષણ પણ કહેવાય જેમ કે કોઈ પુરુષને એની પત્નીનો કોઈ પશુને એના સંતાનનો, કોઈ પ્રજાને એના રાજાનો, કોઈ રાજાને એની પ્રજાનો, કોઈ વ્યાપારીને એના વેપારનો ઈત્યાદી, મોહ અતિ હોય તો ગંભીર છે પરંતુ અતિ મોહને હું કહું છું એમે છટકી જવાવાળા લોકો પ્રેમની ઉપાધી આપે છે જેમકે કોઈ પુરુષને એની પત્નીનો મોહ હોય અને આપણે એને વિસ્તૃત કરી શકતા ન હોઈએ એટલે સહજતાથી કહીએ કે પેલા પુરુષને એની પત્નીથી ખુબ પ્રેમ છે, ખુબ લગાવ છે અહી હું એમ નથી કહેતો કે કોઈ પુરુષને એની પત્નીથી પ્રેમ હોય જ નહિ, એટલે એ અર્થમાં આ વાત ન સમજવી પરંતુ મોહ જો વધુ કે અતિ હોય તો એ મોહ છે એમ આપણે સ્વીકારી શકતા નથી અને એ મોટાભાગે મોહ જ હોય છે કેમકે પ્રેમના બે સરસ ઉદાહરણ શ્રી કૃષ્ણ પોતે છે એક ઉદાહરણ રાધા-કૃષ્ણ અને બીજું ઉદાહરણ સુદામા-કૃષ્ણ સો ટકા એ મોહ નહિ પરંતુ પ્રેમના જ્વલંત ઉદાહરણ છે. એટલે મોહને અહી લગાવ કે આકર્ષણ જ સમજીએ તો સારૂ રહેશે, મોહ સમજાય જાય એટલે માયા પણ સમજાય જશે અને મોહ માયા સમજી લઈએ એટલે લોભ લાલચ પણ સમજવામાં આસાની રહેશે, પરંતુ આ બધાની પરાકાષ્ટા એટલે ભય અને ભયને વિસ્તારથી સમજવો જ જોઈએ અન્યથા આત્મદર્શન કરવામાં એ મોટી બાધા બની જાય, ભય એટલે કશુંક ખોવાનો ડર, કશુંક ગુમાવવાનો ડર, વાસ્તવમાં તો ભય વિના કશું સંભવ જ નથી, જો ભય ન હોય તો માણસ સાહસથી દુર જ રહે અને કહેવાય છે ને કે સાહસ વિના સિદ્ધિ નથી એટલે ભયને વિસ્તાર પૂર્વક કહેવાની હું કોશીશ કરીશ અને વાંચકે એને વિસ્તારથી જ સમજવાની કોશીશ કામ લાગશે, ભયમાં માણસ પ્રવેશ કરે એ પહેલા મોહ માયા લોભ અને લાલચના કુવામાં એ ડૂબકી લગાવીને આવ્યો હોય છે અને તે નિર્વિવાદ છે જો આવા કુવામાં ડૂબકી મારી ન હોય તો ભય ઉત્પન્ન થાય જ નહિ. ભય એ જવાબદારીના વહનનો આધાર છે જો ભય ન હોય તો કોઈ એની જવાબદારી નિભાવે જ નહિ કેમકે પ્રકૃતિ પોતે પણ ભય થકી જ એની જવાબદારી વહન કરે છે અરે પ્રકૃતિ જ નહિ ઈશ્વર પણ ભયભીત ન થતા હોય તો કદાચ પોતાની જવાબદારી સુપેરે નિભાવે નહિ એટલે ભયને મારા મતે શક્તિ માનવો ઉચીત છે, સર્વશ્રેષ્ઠ શક્તિશાળી એટલે સાર્વત્રિક ભયભીત એમ કહેવું વધારે પડતું નથી, ભય બે પ્રકારના હોય છે એક ભય સર્વશ્રેષ્ઠ શક્તિ છે અને બીજો ભય એ કાયરતા અથવા ડર છે. એટલે ભયને બરાબર સમજવો જ જોઈએ. આગળ આપેલી બધી ટૂંકી વિગતો છે જે પુસ્તકમાં આગળ જઈશું તેમ પુરા વિસ્તારથી વાંચવા સમજવા મળશે.

(વધુ આવતા અંકમાં)
પુસ્તક હજુ ઘણું બાકી છે