Pages

10 May 2020

પ્રકૃતિ.

વહેલો કે મોડો પણ આખરે મનુષ્ય પ્રકૃતિના નિયમોનું અનુસરણ કરશે ત્યારે જ થાય, સંસારનો એ જ નિયમ છે. ત્યારે કેટલાક નિયમ છે જેને આપણે પોતે જ આપણા અનુભવો અને વર્તન સાથે મુલવીએ જેથી એક મનુષ્ય તરીકે કાંઈ ચૂક થતી હોય તો તેને સુધારી શકાય, જેવો કે જંગલનો સર્વાધિક એક નિયમ છે કે લોકોના પેટ ભરવા માટે ઇંધણ હેતુ લાકડાં આપવા, આજે તો જો કે સિમેન્ટના જંગલો ખડકાયેલા છે અને લોકો પણ એના ભોગ માટે ગેસ જેવા પદાર્થો વાપરે છે તેમ છતાં પણ આ ગેસ કે ઇત્યાદિ ઇંધણ આજે પણ પ્રકૃતિની જ દેન છે. પરંતુ લાકડા ઉપર જ વાત કરીએ તો સૂકા લાકડા જેટલા હોય તેટલા માણસ લે તેમાં પ્રકૃતિ રાજી હોય છે પણ જેવા લીલા લાકડા પર માણસનો લાલચ રૂપી કુહાડો વિઝાય એટલે પ્રકૃતિ તેને નિયમના ઉલ્લંઘન તરીકે જુએ છે. બીજો નિયમ છે સમાનતા... આજે તો માતા દિવસ છે એટલે પણ અને માતા જે બાળકને જન્મ આપે તેમાં પ્રકૃતિ કોઈ ભેદભાવ દાખવતી નથી, પરંતુ આજે જાતિવાદના વાઘ પર બેસેલા કોઈ સમાનતાને સમજવા તૈયાર નથી, પ્રકૃતિ આને પણ ઉલ્લંઘન તરીકે જ જુએ છે. ત્રીજો નિયમ છે, સહજતા... માણસ ને માણસ માટે જ નહીં પણ માણસને કોઈ જીવ માટે દુર્ભાવ ન હોવો જોઈએ, યદી કોઈ જીવ કે માણસ અહિતકારી છે તેવું પ્રકૃતિને લાગે તો એના ઉકેલ માટે એ તજવીજ કરે છે, જેમ કે "ટીડ" જો કોઈ ઉભાપાકને નુકશાન કરવા ટીડ ઉતરી પડે અને તેણે નુકશાન કર્યું એ નક્કી થઈ જાય તો તેવા જીવની હત્યા પ્રકૃતિ પોતે પણ ચાહે છે અને કરે કે કરાવે પણ છે. ચોથો નિયમ છે, પ્રગતિ કે વિકાસનો માર્ગ કંડરવો... માણસ જ્યારે સામુહિક પ્રગતિ કે વિકાસ કરવાને બદલે પોતાની પ્રગતિ કે વિકાસ કરવા લાગી જાય ત્યારે પ્રકૃતિ તેવા માણસને મદદ કરવામાંથી પોતાને પાછળ લઈ લેતી હોય છે. અનેક ઉદાહરણો આપણી વચ્ચે છે.

કોઈને આ લેખ વાંચીને એમ પણ લાગશે કે આવા સમયમાં આ જ્ઞાન ક્યાં આપવા બેઠા છો, વ્યર્થ છે. આ બધું. કોણ માને છે, કોણ સમજે છે અથવા આ શબ્દો વ્યર્થ છે કે શબ્દો પાસે માણસને પોતાની ભૂલો વ્યર્થ લાગે ? એ મારો વિષય નથી, પરંતુ હું આ સમયમાં આ વિષય કે સાર્વત્રિક વ્યથા કહી શકું છું એ મારો વિષય છે. કોઈ માને, ન માને, સ્વેચ્છાએ માને કે લાચારીવશ માને, પ્રકૃતિ પાસે આવા ઘણાબધા અનેક ઉપાયો છે, એક ઉદાહરણ પણ આપીશ. ઉત્તરાખંડમાં ઋષિકેશ વિસ્તારમાં ગંગા નદીનું વહેણ વર્ષો પહેલા 130 મીટરનું હતું, સિમેન્ટના જંગલો ખડકતા લોકોએ કિનારે બાંધકામ કરી ને આ વહેણ માત્ર 09 મીટર સુધી સીમિત કરી દીધેલું, અનેક ઇશારાઓ પછી પણ સમજમાં ન આવ્યું એટલે 2018 માં ત્યાં અતિવૃષ્ટિ થયેલી અને ગંગામાં પુર આવેલું, એ પુર કેટલું વિનાશક હતું એ દરેકને ખબર છે પણ આજે એ જ વહેણ પુનઃ 130 મીટરમાં વહે છે, કહેવાનો તાત્પર્ય એટલું જ કે વધુ કમાઈએ કે ઓછું કમાઈએ એ બધા કરતા ક્યાંય મહત્વનું એ છે કે પ્રકૃતિને નુકશાન ન કરીએ કેમકે પ્રકૃતિ જે સુર્જન કરે છે એ બધું જ ધરતી પર બધાના સમાન ભાગનું છે, તેમાંનો કોઈ હિસ્સો પડાવી લેવો એ પ્રકૃતિને ઉશ્કેરાવા જેવું છે.

ત્યારે અત્યારનો જ એક તાજો દાખલો જોઈએ તો "કોરોના" વાયરસ, સપ્ટેમ્બર મહિના સુધી આ કોરોના માણસને પ્રતિપલ પાગલ અવસ્થામાં રાખશે અને અસહાય માણસ પ્રકૃતિના આ પ્રકોપને સમજવાને બદલે તે વધુ નિયમ ઉલ્લંઘન કરશે. કહેવાનો મતલબ એટલો જ છે કે પ્રકૃતિના નિયમો શોધો, એને વાંચો, સમજો અને કોઈ ભૂલ એક માણસ તરીકે આપણાથી થતી હોય તો તેને સુધારવા પ્રયત્ન કરો, આજના મધર ડે માટે પ્રકૃતિ માતાનો આ સંદેશ બધાને આપીને મારી વાત પૂરી કરું છું.