Pages

12 May 2020

સમસ્યાઓ કેમ છે અને શું છે એનું સમાધાન


સમસ્યાઓ કેમ છે અને શું છે એનું સમાધાન

આર્થિક, માનસીક, સામાજીક, રાજકીય જેવી અનેક સમસ્યાઓ સાથે આજે ભારતનો એક એક નાગરીક જજુમી રહ્યો છે ત્યારે બધી સમસ્યાઓનું સમાધાન તો એકલો હું સુચવી ન શકું પરંતુ સામાજીક સમસ્યાઓના સમાધાન તરફ મારું એક સૂચન જરૂર સુચવી શકું, સમાધાનમાં સુચન તરફ જઈએ તે પહેલા કેટલીક કડવી મીઠી વાતો તરફ જવું પડશે જેથી કોઈને જો કડવી વાત ચુભે અને એની લાગણી દુભાય તો હું પહેલાથી એની માફી ચાહું છું. અને એક પ્રાર્થના કરું છું કે કડવું લાગે તો પણ વાંચજો અને વિચારજો....

મારા મતે દુનિયાની તમામ સમસ્યાઓનું મૂળ છે ભારતનું સામાજીક જીવન, ભારત વિવિધતાઓથી ભરેલો દેશ છે, કહેવાય છે કે બાર ગાવે બોલી બદલે અને પંદર ગાવે રીવાજ. આ રીવાજોનું સમજ્યા વિચાર્યા વગર આદાનપ્રદાન કરી નાંખ્યું એ સમસ્યાનું પહેલું મૂળ છે. જેમ કે એક ઉદાહરણ આપું તો શ્રીમંત લોકોના ઘરમાં જે રીતે પ્રસંગો ઉજવાય તેનું અનુસરણ મધ્યમ કે ગરીબ લોકો કરવા જાય તો શું થાય ? હું આ વાત ભેદભાવથી પર રહીને કહેવા માંગુ છું તેથી મારી વાત વાસ્તવિકતા સાથે હશે કોઈ રીવાજ કે કોઈ વર્ગ સાથે નહિ. હમણાં હમણાં દરેક સમાજમાં એક વિચિત્ર પરંપરા શરૂ થઇ છે. લગ્નપ્રસંગોમાં ઉજવાતી “સાંજી” માં લેણદેણ !! વિચારો, આ રીત કોઈએ પોતાની ખુશી વ્યક્ત કરવા શરૂ કરી હશે જેને તેની નીજી ખુશી રાખવાને બદલે આજે આ દરેક સમાજમાં પરંપરા અને રીવાજ બની ગયા છે. આવો જ બીજો વિચિત્ર રીવાજ છે બાળકના જન્મ વખતે પેંડા, સાકર કે ખજુર વહેચવાનો !! બેશક આ ખુશીના પ્રસંગો છે તેની નાં નહિ પણ આને રીવાજ શા માટે બનાવો છો ? સમાજના બીજા લોકોને આમ જ કરવા ફરજ કેમ પાડો છો ? દીકરો કે દીકરી જન્મે એટલે માતા પિતાની ખુશીમાં આનંદનો સાગર લહેરાતો હોય તેમાં કોઈ સંદેહ જ નથી, આવા બાળકો મોટા થાય અને પ્રભુતામાં પગલા પાડતા હોય ત્યારે આ આનંદ બેવડો હોય તેમાં પણ કોઈ સંદેહ નથી પરંતુ જયારે આ આનંદ છુટ્ટાછેડામાં પરીણમે ત્યારે આઘાત પણ ચાર ગણો થઇ જાય છે આવી વાસ્તવિકતાથી દુર છે આજનું માનસ.

જીવનની આ કડવી સચ્ચાઈ છે કે આપણા ઘરની સાચી વાસ્તવિકતાને ઢાંકપીછોડા કરવા રીવાજ કે પરંપરાની ઢાલ ક્યારેય ન અપનાવો, બાળક મોબાઈલ માંગે એટલે તુરંત અપાવી દેવો, બાળક રીચાર્જ માંગે એટલે તુરંત કરાવી દેવું, બાળક બાઈક માંગે એટલે તુરંત અપાવી દેવું અને વર્ષના અંતે બજેટ ગડબડાય ત્યારે એકલા એકલા રોવું એ બાળકોની ખુશી માટેનો તમારો ત્યાગ નહિ પરંતુ સમાજમાં ખોટી દેખાદેખી કરવાની તમારી મહત્વકાંક્ષા પુરવાર થાય છે. વાત કડવી છે પણ ગુસ્સે થવાને બદલે વિચારજો, વાત વાસ્તવિકતાથી વિપરીત જરાય પુરવાર નહિ હોય.

ત્યારે પહેલી અને આખરી સચ્ચાઈ એ છે કે આપણા ઘરની વાસ્તવિકતાની આપણા ઘરના બધા લોકોને ખબર હોવી જોઈએ, આમાં દેખાદેખી કે સારૂ નરસું કશું નથી, નાનકડા એ બાળકને ખબર હોવી જ જોઈએ કે બહારના રીતરીવાજ અને પરંપરા માટે નહિ પણ અંદર (ઘર) ની સચ્ચાઈ મુજબ એણે જીવવાનું છે. જીવનની બીજી મોટી સચ્ચાઈ છે કે માણસ વાસ્તવિકતાની બહાર જે કરે તેમાં કોઈ પરીણામ નથી આવતું, વાસ્તવિકતા બહારની કોઈ પ્રક્રીયામાં પરીણામ ક્યારેય ન મળે.

બાળક ભણે છે એટલે મોબાઈલ, બાઈક કે લેપટોપ આપવા જોઈએ એવી કોઈ દલીલ હોય તો એને જવાબ આપવા નહિ પણ વાસ્તવિકતા તરફ ધ્યાન દોરવા જરૂર કહીશ કે એવા અસંખ્ય IAS કે IPS આપણી વચ્ચે છે જેના માતાપિતાએ રીવાજ કે પરંપરા નહિ પણ બાળકોને શિક્ષણમાં પોતાના ઘરની વાસ્તવિકતા કહી બતાવી, તો જ એવા બાળકને લગન અને લાગણી થતી હશે કદાચ કે પોતે એના ઘરની વાસ્તવિકતા બદલવા ઉચ્ચ અભ્યાસ કરશે અને તો જ એ બાઈક, લેપટોપ કે મોબાઈલ વગર પરીણામ લાવી શકતા હશે. એટલે પહેલી વાત તો એ કે આપણી આર્થિક સ્થિતિ શું છે ? આપણા ઘરની વાસ્તવિકતા શું છે એ આપણા દીકરા કે દીકરી ને ખબર હોવી જ જોઈએ. આજે આવી સામાજીક સમસ્યાઓ ભણેલા ગણેલા લોકોમાં વધારે છે, અભણમાં ઓછી છે. રીવાજ અને પરંપરાઓની આ છે સચ્ચાઈ, બેશક પૈસા પાત્ર હોવ અને ખુશીઓની ઉજાણી કરો તેમાં નાં નહિ પરંતુ ખુશીની ઉજાણીમાં વપરાતા પૈસા આવનારી મુસીબતો માટે સાચવીને રાખશો ને તો એ તમને કામ લાગશે. જે માતા પિતા લાખો રૂપિયાના ખર્ચે પોતાના દીકરા કે દીકરીના લગ્ન પાછળ ખર્ચ કરે છે અને જયારે ટૂંક જ સમયમાં તેઓ તે દીકરા કે દીકરીના છુટ્ટાછેડાના પ્રસંગનો સામનો કરે ત્યારે બાળકોના ભવિષ્યની નહિ પણ પોતે કરેલા ખર્ચની વાત પહેલા આવે છે.

આ વાત કોઈને ગમતી નથી, કોઈને નાં પાડીએ એ આજે ગમતું નથી, કેમકે દરેક માણસ એમ ઈચ્છે છે કે હું મારું મન પડે એમ કરવા માંગુ છું, ત્યારે એક કડવી હકીકત એ છે કે દરેક લોકોને એનું મન પડે તેમ કરવાની છૂટ જરૂર છે પરંતુ એની સચ્ચાઈ એ છે કે આ મન પોતાના ઘરના ઉંબરા સુધી જ ચાલે, સામાજીક રીતે તમે તમારા મન મુજબ જીવવા કે કરવા માંગો તો એ ન ચાલે. આજે લોકો વાસ્તવિકતા થી જોજનો દુર ઊભીને કાર્યો કરે છે અને બાદમાં તેની નિષ્ફળતા તેમનાથી સહન થતી નથી. ત્યારે ચાદર તેવડી સોડ તાણવી એ વાત અમથે અમથી ચર્ચામાં નથી આવતી, આ વાત હકીકત છે

સામાજીક પ્રક્રીયા એના સિદ્ધાંત અને એની પ્રક્રીયાથી ચાલે છે. તેમાં તમે સુચન કરી શકો મનનું ધાર્યું નહિ, સમાજની આ સળગતી સમસ્યાઓ છે તેને નાથી ન શકાય અને તેને રોકવા કે ટોકવાને બદલે માત્ર વાસ્તવિકતા સમજાવી શકાય અને એ હકીકત છે કે ભટકી ગયેલા લોકો જયારે વાસ્તવિકતા સમજવા તૈયાર નથી હોતા અને ભાગમભાગમાં રોકાતા નથી ત્યારે તેને થોભાવી દેવા માટે પ્રકૃતિ ફરજ પાડે છે. બાળકોના જન્મ વખતે થયેલી ખુશીના પૈસા, તેના પ્રત્યેક જન્મદિવસની ઉજાણીના પૈસા, તેના લગ્ન કે પરીવાર વિકાસના પૈસા ખર્ચ કરો કે બચાવો તેમ નહિ કહું પણ એની વાસ્તવિકતા બાળકોથી ન છુપાવો તો જ એ બાળક વાસ્તવિકતાને શીખશે કે સમજશે. અને તો જ વાસ્તવિકતા પેઢી દર પેઢી આગળ ચાલશે, બાકી તો બાર ગાવે બોલી બદલે તેમ રીવાજ અને પરંપરા સાથે નહિ ચાલે, સચ્ચાઈ, વાસ્તવિકતા અને હકીકત સાથે ચાલશે અને ત્યારે જ આને કહેવાય દુરોગામી અસરો.

મનપડતી વૃત્તિઓ મુજબ વર્તતા લોકોને એક સરળ ઉદાહરણથી સમજાવવા માગું છું કે ગાદલા પર માણસ ગમે તેમ બેસી શકે પણ ખુરશી ઉપર ગમે તેમ બેસાતું નથી, ખુરશી પર ગમે તેમ બેસવાનો મતલબ તમે દુરોગામી અસરોની એક મોટામાં મોટી બાધા છો. આમ ઘરમાં દરેક ગાદલા મુજબ વર્તી શકે પણ ઘરની બહાર તે ખુરશી ઉપર છે અને ત્યાં ગમે તેમ વર્તી ન શકે. સમાજનો આગેવાન તમારી આર્થિક સદ્ધરતા પાસે ગમે તેવડો નાનો હોય પણ એનું સમર્પણ તમારા ધન કરતા ક્યાંય મોટું હોય છે, એ સમાજને દિશા આપવાનું કામ કરે છે, એ સમાજને દુરોગામી અસરો આપવાનું કામ કરે છે, જો એ એને બેસવા આપેલી ખુરશી પર જેમ તેમ બેસતો હોય તો પળનો પણ વિચાર કર્યા વિના તેને તે ખુરશીથી દુર કરવો એ સમાજ સેવા છે.

એક કડવી વાત કહું જો ત્રેવડ (ક્ષમતા) વિનાનું કોઈને સર્ટીફીકેટ આપશો ને, તો તમે તેને ઉપાધી (સન્માન) જરૂર આપો છો પણ સાથે સાથે તમે અનેક લોકો માટે ઉપાદી (સમસ્યા) નું નિર્માણ પણ ત્યારે જ કરી નાંખો છો, સમાજ કોઈ પણ હોય તેનું નિર્માણ સમાજના સમર્પિત લોકો સિવાય કોઈ ન કરી શકે, કોઈ અગર માને છે કે સમાજનું નિર્માણ ધન (પૈસા) થી થાય, સમાજનું નિર્માણ રીવાજ (દેખાદેખી) થી થાય તો એ ભૂલ ભરેલું છે, વાસ્તવિકતાથી દુર આ ફુગ્ગો સમય જતા ફૂટી જ જાશે. અગાઉની જનરેશન કરતા અત્યારની જનરેશન ભિન્ન કે અલગ નથી, અગાઉની જનરેશન કરતા અત્યારની જનરેશન વધુ ટેલેન્ટેડ છે, બસ એ ટેલેન્ટમાં વાસ્તવિકતાને ઉમેરી દો, ઉપાધી એ મેળવશે અને સન્માન તમને અપાવશે. એના ટેલેન્ટને નક્કર હકીકત સાથે જોડી દો, એ તમારી ઉપાદી નિવારશે. મેં અનેક સમારંભોમાં કહ્યું છે કે સમાજની ખુરશી એવા લોકોને જ આપો જે સમાજને કઈક આપી શકે, સમાજની ખુરશીને એ ગાદલાની જેમ ઉપયોગમાં ન લે તેવા લોકોને જ જે-તે સમાજની ખુરશી સુધી પહોચવા દો. એ તમારી વાસ્તવિકતા પૂર્ણ સમાજ-સેવા છે. અને ત્યારે એવા લોકો જયારે સમાજમાં બેઠા હોય ને તો એની ઓથ સમાજને મળે.

એક વધુ કડવી હકીકત કહું છું કે ખરા લોકો જો સમાજમાં હોય તો સમાજની બાધાના ભુક્કા કાઢી નાંખે અને જો આવા લોકોને સમાજ ખુરશી ન આપે અને તેને ઘરે બેસાડે તો આવા લોકો સમાજના ભુક્કા બોલી જાય ત્યાં સુધી આગળ નથી આવતા, કારણ ? સમાજે જ તેને ઘરે બેસવાનો આદેશ કર્યો હોય છે !! આ છે સામાજીક વાસ્તવિકતા અને આટલું જ છે તેનું સમાધાન, સામાજીક સમસ્યાઓથી ઘેરાયેલા અનેક લોકો એવા છે જેના અનેક સવાલ છે પણ તેના જવાબ આજના આગેવાનો પાસે નથી ત્યારે એક કડવા ઉદાહરણ સાથે મારી વાત પૂરી કરું છું, શ્રી કૃષ્ણ પૂર્ણ પુરષોતમ કેમ કહેવાય છે, જાણો છો? જન્મ થયો જેલમાં, ઉછેર થયો પાલક માતા પિતા પાસે, યુવાની એની સાંદીપની આશ્રમમાં વીતી, અને સમાજને યોગદાન આપવાનો સમય આવ્યો તો સ્વાર્થ રહીત એણે સેવા કરી, કહેવાનો મતલબ એટલો જ કે સમાજને કશુંક આપવા માટે એ બધું છોડતા જ રહ્યા, અને જયારે સમાજમાં છોડતા રહેવાની ભાવના વાળો આગેવાન બેસે ને ત્યારે એ સમાજના આગેવાનો પૂર્ણ પુરષોતમથી કમ ન હોય, આવા એક એક શ્રી કૃષ્ણ આજે એક એક સમાજ પાસે છે પણ વિવશતા છે કે તેને તેના જ સમાજે ઘરે બેસવાનો આદેશ કર્યો છે.  
અસ્તુ !!