Translate

01 July 2020

અધીકાર



પ્રાચીન યુગ અને આદિકાળથી પ્રચલિત આ શબ્દ અજીબ અલંકાર છે. જો કે આ માત્ર શબ્દ કે અલંકાર ન હોતા અધિકાર એ એક વ્યવસ્થા છે. વ્યવસ્થામાં અધિકાર એકલો ન હોતા તેમાં કર્તવ્ય, ફરજ પણ સાથે છે અને એની અજીબીયત એ છે કે કર્તવ્ય એટલે કે ફરજ વ્યવસ્થામાં હોવા છતાં એ આદિકાળથી માત્ર એક શબ્દ બની રહ્યો છે.

અધિકારની જેટલી માત્રાનો માણસને કે અન્ય કોઈ પણ જીવને ખપ પડે તેણે વળતરમાં કર્તવ્ય બજાવવું પડે છે, જગતમાં મેં અનેક એવા કર્તવ્યનિષ્ઠ જોયા છે જેમણે અધિકાર ન ભોગવી ને કે અધિકારની ખપ ન રાખીને કર્તવ્ય આપ્યું છે. આજના સમયમાં અધિકારની સમજ ધરાવતા લોકો એના એકમાં ભાગની કર્તવ્યતા પણ જાણતા કે નિભાવતા નથી. અધિકાર દરેક પ્રાણીના અબાધિત છે અને કર્તવ્ય મરજીયાત છે, જો કે કર્તવ્ય વિનાનો અધિકાર કોઈને પચતો નથી તો પણ માણસ સ્વેચ્છાએ જેટલું મહત્વ અધિકારને આપે તેટલું ફરજને આપતો નથી, અધિકાર અને ફરજ એ એક ત્રાજવાના બે પલ્લા છે અથવા કહો કે એક નદીના બે કિનારા છે. એક ઉદાહરણ લઈએ તો એક ઘરમાં પિતા અથવા માતા (જે આજીવીકા રળતા હોય તે) ઉપરાંત એ ઘરમાં બાળકો અથવા સ્વજનો ઈત્યાદી રહેતા હોય છે, એ ઘરમાં અધિકાર બધાના સમાન હોય તો પણ ફરજ આજીવીકા રળતા વ્યક્તિને ભાગે વધુ આવે છે અને અધિકાર તેના ભાગે ઓછો આવે છે, જેમ કે એ ઘરમાં એક ટેલીવિઝન હોય તો બધાના ભાગે એક જ ચેનલ નથી હોતી, અધિકાર વશ અન્ય સદસ્યો વિવિધ ચેનલ નિહાળતા હોય છે પરંતુ આમાં જો ફરજ જોડી દેવામાં આવે તો એ ટેલીવિઝન નિહાળવાના સમયના સરખા ભાગ પડે અને એ અનુસાર દરેક સદસ્ય એના ભાગે આવતા સમયમાં ટેલીવિઝન નિહાળે પરંતુ એ જ ઘરમાં જો કોઈ સદસ્ય એવા હોય જે અન્યના ભાગનું ટીવી પણ પોતે જુએ અને એ પણ એને માફક આવતી ચેનલ મુજબ તો એ સદસ્યએ બીજાના અધિકાર ઉપર તરાપ મારી કહેવાય એટલું જ નહિ એનું નુકશાન જેનો અધિકાર છીનવાય તેને જાય છે એટલું જ નુકશાન એ ઘરમાં ફરજ નિભાવતા વ્યક્તિને પણ જાય છે.

પરંતુ જો આ વ્યવસ્થામાં અધિકાર અને ફરજ સમાન હોય તો ? વર્ષો પહેલા જગતના મોટા ભાગના દેશો અંગ્રેજી હુકુમતને તાબે હતા, અને ધીરે ધીરે એમાંથી બધા દેશોએ આઝાદી મેળવી અને એ દેશ આગળ નીકળી ગયા જે દેશમાં અધિકાર અને ફરજ સમાન હતા અને એ દેશ પાછળ રહી ગયા જેમાં ફરજથી વધુ મહત્વ અધિકારને આપ્યું હોય.

એક મહોલ્લામાં આપણે રહેતા હોય તો એ મહોલ્લાની લગભગ વસ્તુઓ પર રહેવાસીઓનો સમાન અધિકાર હોય છે, પરંતુ આવા મહોલ્લામાં કોઈએ દબાણ કર્યું હોય, કોઈએ પોતાના નિયમો થોપી બેસાડ્યા હોય તો એ અન્ય લોકોના આધિકાર પર તરાપ કહેવાય પરંતુ આમ કેમ બન્યું ? એ જો તપાસવામાં આવે તો કોઈએ અધિકાર પર તરાપ મારી એ પહેલા એ મહોલ્લામાં ફરજ અને કર્તવ્યના નામે મીંડું હશે, અન્યથા કોઈ કોઈના અધિકાર પર તરાપ મારી જ કેમ શકે ? કહેવાનો અર્થ જો અધિકાર મહત્વનો હોય તો ફરજ પણ અદા કરવી જોઈએ અથવા અધિકાર નો ખપ ન હોય તો પણ ફરજ પૂરી રીતે અદા કરવી જોઈએ અન્યથા બધાના સામુહિક અધિકાર પર તરાપ મારનાર કોઈને કોઈ ઉત્પન્ન થશે.