Pages

03 May 2020

સફળ દામ્પત્યજીવન માટે ફાયદાકારક પરીબળ કયુ, હમઉમ્ર કે ઉમરમાં તફાવત


ટૂંકાગાળામાં તૂટી પડતા લગ્નો એ આજે સામાજીક સમસ્યા બની ગઈ છે, વિવિધ સમાજમાં આ વિષય ઘણો ગહન વિષય બની રહ્યો છે, જે તે સમાજના બુદ્ધિજીવીઓની આ ચુપકીદી છે કે લગ્નો તૂટે છે કેમ એ કારણ શોધવામાં પુરોગામી પેઢીને કોઈ સુરાગ હાથ નથી લાગતો, ? તેવો જ બીજો સળગતો પ્રશ્ન છે યુવકોના લગ્ન ન થવા ? અથવા મોડી ઉમરે લગ્ન થવા, જો કે ત્રીજો પણ એક સળગતો પ્રશ્ન છે ભાગી જતી યુવતીઓ, પરંતુ ઉપરોક્ત પ્રશ્નોના મુકાબલે ત્રીજો પ્રશ્ન એટલો ગંભીર નથી. અને હવે ત્રીજા પ્રશ્ન અંગે જાગૃતિ વ્યાપક છે, મતલબ એ જ કે ત્રીજો પ્રશ્ન ઉપરોક્ત બંને પ્રશ્નોના મુકાબલે કંટ્રોલમાં આવી રહ્યો છે, આ ત્રણેય વિષય પરની સમસ્યા અને તેનું સશોધન કરતો આ લેખ છે.

ત્રણેય વિષયની ત્રુટીઓ અને ઉપાયની ચર્ચા કરીએ તે પહેલા ત્રણેય વિષયોની વર્તમાન સ્થિતિની સમીક્ષા અત્યંત જરૂરી છે જે માટે અખબારોમાં આવતા કિસ્સાઓ, કોર્ટમાં ચાલી જતા કેઈસ અને તેના પર આવેલા ચુકાદાઓની સાથે સામાજીક વ્યવસ્થા, સામાજીક ખામી અને સામાજીક મજબુરીઓની ચર્ચા એ આ લેખના આધાર છે, મોટાભાગે ટૂંકું દામ્પત્યજીવન ધરાવતા યુવક-યુવતીઓની સંખ્યા ઘણી વધી રહી છે અને વિવિધ સમાજના બુદ્ધિજીવીઓ આ અંગે ચિંતિત પણ છે. પરંતુ માત્ર ચિંતા કરવી એ આ સમસ્યાઓનો હલ નથી, સમાજ હોય એટલે સમસ્યાઓ તો આવતી જ રહેવાની અને સમસ્યાનો હલ જો સમયસર ન આવે તો સમસ્યા જીવલેણ નીવડે તેથી હાલ આ ત્રણેય સમસ્યાનો જે હલ મેળવી નથી શકતા એ લોકો આપઘાતની દિશામાં વળી રહ્યા છે અને આ આપઘાતો એ આ લેખની અને લેખકની ચિંતાનો વિષય છે. 

પહેલો વિષય જોઈએ તો લગ્નો ટૂંકાગાળામાં કેમ તૂટી પડે છે ? દેખાદેખીમાં લાખો રૂપીયા ખર્ચ કરી નાંખીને દીકરો કે દીકરી વળાવ્યાનો આનંદ ખરીદ કરતા પરીવારો જયારે લગ્નની તૈયારીઓમાં પહેલા એકત્ર થતા અને આનંદ પરસ્પર વહેંચી શકતા તેમ લગ્ન ફોક કરવા માટે ફરી જયારે એકત્ર થાય છે ત્યારે દુઃખને પરસ્પર વહેંચી નથી શકતા, કેટલો આનંદ અને ઉલ્લાસ હોય જયારે દીકરો કે દીકરી દામ્પત્યજીવનમાં પ્રભુતાના પગલા માંડે ત્યારે, અને આ દાંપત્ય ટૂંકા સમયમાં વિખૂટું પડે ત્યારે કેટલો વિષાદ છવાઈ જતો હશે, એ જેને અનુભવ થયો હોય અને તેના સૂરમાં જે વેદના હોય, એની અનુભવ ન કરનારા તો માત્ર કલ્પના જ કરી શકે, આજની યુવા પેઢીનો આ ગંભીર પ્રશ્ન છે ત્યારે પુરોગામી પેઢી ચિંતા તો કરે છે પરંતુ હલ હાથ લાગતો ન હોવાથી વિવશતા જ વ્યક્ત કરી શકે છે, અને આવા બુદ્ધિજીવીઓ જયારે અફસોસ સાથે માત્ર એટલું કહી શકે છે કે ભણતર વધ્યું યુવાપેઢીમાં પણ ગણતર બિલકુલ ખાડે ગયું છે.

વિષય પર લખવું મારા માટે પણ આસાન નથી પરંતુ હું સુચન વ્યક્ત કરવા સિવાય આ પ્રશ્નોને મારું બીજું કોઈ યોગદાન હાલ આપી શકતો નથી, તેથી સાર્વજનિક સુચન અને વિકલ્પોના ભાગ રૂપે મને જે હાથ લાગ્યું તે આ લેખ દ્વારા યોગદાન આપવાનું કર્તવ્ય કરું છું. સીધા દાંપત્ય ઉપર આવીએ એ પહેલા આ દામ્પત્યને સાકાર કરવામાં યોગદાન આપતા પરીબળોને સમજવા જોઈએ, અગાઉના યુગમાં આજે જેમ મેરેજ બ્યુરો કે મેરેજ સાઈટ્સ કામ કરી રહી છે તે ગામ જે તે ગામના અને સમાજના વડીલો કરતા હતા, આ પ્રથા હવે સંપૂર્ણપણે નાબુદ થઇ ગઈ છે ત્યારે આ બોજ આજની યુવાપેઢી ઉપર આવી ગયો છે, અને આજની યુવાપેઢી એ ભવિષ્યની પુરોગામી પેઢી હશે એટલે સમસ્યા જો અહી આ પેઢી સુધી થંભી જશે તો ભવિષ્યમાં આ સમસ્યાનું સ્વરૂપ વિકરાળ હશે તેમાં કોઈ બેમત નથી. સામાજીક વ્યવસ્થા અને કાયદો આ બંને જુદી જુદી રીતે કામ કરે છે અને સામાજીક વ્યવસ્થા હલ લાવવામાં નિષ્ફળ જાય ત્યારે નિર્ણયો કાયદા અનુસાર આવે છે, ત્યારે કાયદાઓ એટલે શું ? એ પણ આ સાથે સમજવા આવશ્યક છે. કોઈ પણ દેશના કાયદા એ સમાજના બુદ્ધિજીવીઓએ કરેલા ચિંતનનું ફળ છે. કાયદો એટલે એક સર્વોપરી વ્યવસ્થા જેનું પાલન દરેકે કરવાનું હોય છે. ત્યારે કેટલાક ફેરફારો કાયદાકીય પણ જરૂરી બની જાય છે, અને કાયદામાં નાગરીક ૧૮ વર્ષનો થાય એટલે એ પુખ્ત થઇ જાય છે અને એના ફેસલાઓ કે નિર્ણયો કરવા એ હક્કદાર તથા સ્વતંત્ર બની જાય છે.

પરંતુ ભારતમાં કાયદાઓમાં જે સમાનતા પુરૂષ અને મહિલાઓમાં છે એ અપૂરતી છે તો સામાજીક વ્યવસ્થામાં તો આજે પણ મહિલાઓ બીજા ક્રમાંકે યથાવત રાખવામાં આવે છે. જો સમાન જ હોય તો પહેલો બીજો ક્રમાંક એ હાસ્યાસ્પદ નથી લાગતું ? અખબારના ઘણાં કિસ્સાઓમાં જયારે વાંચવા મળે કે યુવતી ભાગી ગઈ ત્યારે એ જે તે પરીવાર જ નહિ પરંતુ એ આખો સમાજ વ્યથિત થાય છે. ભાગી જતી યુવતીના લાચાર માતાપિતા આ અંગે કાયદાને જવાબદાર ઠેરવે છે, ઉદાહરણ લઈએ તો યુવતી ૧૭ વર્ષમાં લગભગ એ એની કોલેજ પૂરી કરી લે છે અને એ દરમ્યાન જો એની આંખ કોઈ યુવક સાથે ચાર થઇ હોય તો એને આવા કૃત્ય માટે મહજ એક વર્ષનો સમયગાળો વિતાવવો પડે છે, જેવી એની ઉમર ૧૮ વર્ષમાં પ્રવેશે એટલે એ એના નિર્ણય કરવા કાયદાકીય રીતે સ્વતંત્ર બની જાય છે. આ અંગે મારો કોઈ પક્ષપાત નથી કે સ્ત્રીઓ આમ કે તેમ ન કરી શકે પરંતુ જો તેમાં વિચાર કરીએ તો એને ૧૮ વર્ષ પાલન પોષણ કરનાર માતા-પિતાને આ કાયદો કોઈ અધિકાર નથી આપતો, ત્યારે યુવક કે યુવતીના વિવાહ સમ્પન્ન કરાવી આપવા એ માતાપિતાની સામાજીક જવાબદારી છે, પણ એ માતાપિતાને સમય કેટલો મળ્યો ? તો કે કાંઈ જ નહિ. મહીલા હક્કો કે પુરૂષ હક્કો માટે લડતા લોકોને આ લેખ વાંચવા મળી જાય તો ગહનતાથી આ વાતને સમજવાનો પ્રયત્ન કરજો. હું મહીલા કે પુરુષના કોઈ હક્ક વિરુદ્ધ કે તેના હક્કની ફેવરમાં આ નથી કહેતો, ન હું મહીલા કે પુરૂષના સ્વાતંત્ર પર કોઈ તરાપ મારવા ઈચ્છું છું, હું એક સામાજીક ચિંતન વ્યક્ત કરવા માંગુ છું અને એ ચિંતનના અંતે એક સુચન વ્યક્ત કરવા માંગુ છું.

જો ભારતના હિન્દુ મેરેજ એક્ટમાં એક નાનકડો સુધારો સર્વ સંમતીથી કરવામાં આવે તો આ સમસ્યાનો કાયમી ઈલાજ આવી જાય તેમ છે, જેમ કે કોઈ પણ યુવતી એના લગ્ન અંગેના નિર્ણય કરવા માટે ૧૮ વર્ષ પછી સ્વતંત્ર જ છે પરંતુ એનો વિવાહ અંગેનો અનુભવ એના માતાપિતાના અનુભવથી તો નહીવત જ હોવાનો, વાતને બારીકીથી સમજવા વિનંતી છે અહી હું એમ કહેવા નથી માંગતો કે યુવતીના દાંપત્ય અંગે એના માતાપિતા યુવતી પર જે નિર્ણય થોપે એ યુવતીએ સ્વીકારી લેવો જોઈએ. પરંતુ જે માતાપિતાએ એના બાળકને જન્મ આપ્યો, પાલન પોષણ કરીને ઉછેર કર્યો એ બાળક મોટું થઈને કાયદાને હથિયાર બનાવીને એનો નિર્ણય માતાપિતા પર થોપે છે એનું શું ? છે એને કોઈ કાયદાકીય સમર્થન ? ત્યારે કાયદો એમ કહે છે કે ૧૮ વર્ષ પછી યુવતી પોતાના લગ્ન કરવા અથવા એ અંગેના નિર્ણય માટે સ્વતંત્ર છે એ કાયદામાં જો સર્વ સંમતીથી એ ફેરફાર મંજુર કરવામાં આવે કે ૧૮ વર્ષ બાદ યુવતીના લગ્ન ભલે થાય પરંતુ યુવતીને ખુદનો નિર્ણય લેવા માટેની ઉમરમાં ત્રણ વર્ષનો ઉમેરો કરીને એ ઉમર ૨૧ વર્ષની કરવામાં આવે, જો યુવતીને લગ્ન કરવાની ઉતાવળ જ હોય તો એ ખુદ સ્વતંત્ર રીતે નહિ પણ એને ૨૧ વર્ષની ઉમર ન થાય ત્યાં સુધી પારિવારિક સંમતી મળ્યે જ લગ્ન કરી શકે.
આ ફેરફાર જો કાયદાનું સ્વરુપ લે તો ઘણા બધા પ્રશ્નોનો હલ આપમેળે આવી જાય જેમકે માત્ર ૧૮ વર્ષ થાય એટલે એના પાલનહારની પરવા કર્યા વગર જે યુવતીઓ ભાગી જવાનો નિર્ણય કરે છે તેને બ્રેક લાગી જાય, બીજું યુવતી અભ્યાસ પૂર્ણ કરે એટલે એના માતાપિતાની જે સામાજીક જવાબદારી હોય છે તેને પૂર્ણ કરવા એને જોઈતો અવસર મળી જાય, આમ એની જવાબદારીમાં પણ આવી જાય, અને જો તેવી યુવતીના માતા પિતા યુવતીની ૨૧ વર્ષની ઉમર સુધીમાં આ દાયિત્વ પૂર્ણ ન કરે તો ૨૧ વર્ષ પૂર્ણ કર્યે યુવતી સ્વતંત્ર રીતે નિર્ણય લેવા સ્વતંત્ર બની જાય, આ કોઈ કાયદો નથી આમાં જોઈતા તમામ સૂચનો ઉમેરી શકાય પરંતુ વાતનું હાર્દ એ છે કે અચાનક ૧૮ વર્ષ થાય એટલે બીનાનુભવી પણે ભાગી જતી યુવતી જો દામ્પત્યજીવનમાં સફળ ન થાય તો આત્મહત્યા કરવાના બનાવ પણ ઘટે, કેમકે ભાગી જવાના કિસ્સામાં પુખ્તતા ઓછી અને આરંભીક આકર્ષણ વધુ જવાબદાર હોય છે. જો આ માટે તેને વિચારવાનો સમય મળી રહે તો એ આવા કોઈ કદમ માટે જલ્દીથી સમર્પિત ન થાય, આજના આધુનીક યુગમાં એ જરૂરી નથી કે કે કોઈ પણ યુવતી કે યુવક ૧૮ વર્ષના થઇ જાય એટલે એ સર્વગુણ સંપન્ન પણ ત્યારથી જ થઇ ગયા હોય, ? એના માતાપિતાએ પણ પાલન પોષણ કરતી વખતે કેટલાક સપનાઓ જોયા હોય છે એ સપનાઓને પૂરો કરવાનો એક અવસર કાયદાઓથી બાધિત થયા વિના એના માતાપિતાને પણ મળવો જ જોઈએ. દામ્પત્યતા એક ગહન વિષય છે અને એમાં જ્યાં જ્યાં પારિવારિક નિર્ણયો લેવામાં આવ્યા છે ત્યાં ત્યાં એવા દામ્પત્યજીવન સફળ પણ થયા છે.

આ કારણે લગ્ન ન થતા યુવકોની સમસ્યાઓનો હલ પણ આપોઆપ આવી જાય છે. આ વાતમાં ક્યાંય હું એવું કહેવા નથી માંગતો કે વાંક બધા યુવતીના જ હોય કે છે, કે એવું કહેવા પણ નથી માંગતો કે યુવતીની તાબેદારી એના માતાપિતાની રહે? પરંતુ હું કહેવા એ માંગું છું કે જે યુવતી જો ભાગી જવા માટે માત્ર ૧૮ વર્ષ પૂર્ણ થાય અને કાયદાકીય સંરક્ષણ મળી જાય એટલે એના માતાપિતાના સપનાઓને, પ્રતિષ્ઠાને ન પુરાય તેવું મોટું નુકશાન કરી જાય છે. આમ યુવતીને અને એના પરીવારને ત્રણ વર્ષનો સમય કાયદાકીય મળી રહે તો કોઈ પણ આકર્ષણ હોય એની અવધી એક વર્ષ માંડ હોય તેનું સમાધાન લાવી શકાય અને બીજી તરફ જો આવી ઘટના ૨૧ વર્ષે યુવતીને કરવી પડે તો એના માતાપિતાને અવસર ના મળ્યો તેમ કહી ન શકે એ અને જો એ આ ત્રણ વર્ષના સમયમાં પુત્રીના વિવાહ કરાવી ન શકે તો એણે ખરેખર એની જવાબદારી નિભાવી નથી એ માની શકાય. 

આ લેખ હજુ અનેક ભાગમાં છે અને આ બ્લોગ પર એ સમયસર વાંચવા મળશે, આ લેખનો હેતુ મહીલા હક્કો ઉપર તરાપ મારવાનો નથી પરંતુ હવે સમય આવી ગયો છે વિચારવાનો, જે માતા પિતા પોતાની ચાલીસ વર્ષની ઉમર ખર્ચી નાખતા હોય તે માતાપિતાના સપના કોઈ ૧૮ વર્ષે કેમ તોડી શકે? અને આને સામાજીક ઈમબેલેન્સ કેમ ના કહી શકાય તે અંગે પ્રકાશ પાડવા માટેનો આ લેખ છે.
અસ્તુ.