Pages

24 May 2020

વિચાર અને વિચારધારા (જમીન આસમાનનો ફરક હોય છે)

સફળતા અને નિષ્ફળતા યોદ્ધાઓના ભાગે નહીં થીંકટેન્કના ભાગે જતી હોય છે, 
મહાભારતના યુદ્ધમાં બે થીંકટેન્ક જવાબદાર હતી, શ્રી કૃષ્ણ અને શકુની...
બાકીના બધા જ લડવૈયા હતા!!

થીંક થીંક છે, થીંક એટલે વિચાર, વિચારધારા નહીં અને વિચાર એક વખત કોઈ દિમાગની સીમામાંથી બહાર આવે એટલે એ વાયરસની જેમ સંક્રમીત થતો થતો એના મુકામ સુધી જાય છે, અને આવા વિચારો વિચાર ધારાનું રૂપ લેતા પહેલા સમુદ્રના મોજાની જેમ કિનારે ખુબ જ અથડાય છે, કિનારે આવીને તે વિખાય છે, અફળાય છે તો ક્યારેક ક્યારેક ત્સુનામીની જેમ કિનારો ઓળંગી પણ જાય છે, તેથી વિચારધારા સાચી કે ખોટી એ નક્કી વિચારો નથી કરતા, એને નક્કી કરવાનું કામ સમય કરે છે અને એટલે જ સમયની સતત માંગ રહેતી હોય છે "પરીવર્તન", પરીવર્તન એ અમોઘ નિયમ છે અને આ નિયમ પાસે સાચા અને ખોટા બધા પામર છે, અસક્ષમ છે. એટલે આવા પરીવર્તન શીલ નિયમોમાં અનેક થીંક અને અસંખ્ય થીંકરો આવતા જતા રહે છે, તેમ જ જેમ સમુદ્રમાંથી મારફાડ, ગડગડાટ કરતા મોજા કિનારે આવીને વિંખાય છે, આવા અરબો ખરબો મોજાઓનો સાક્ષી આખો આ સાચો ખોટો ઈતિહાસ છે. 

એક પત્રકાર તથા લેખક તરીકે હું અનેક એવી અસમાનતાઓ જોવ છું જેની લગભગ કોઈ જરૂર હોતી નથી, છતાં તે છે. ઉદાહરણ લઈએ તો કેટલાક માણસો શાસ્ત્રોમાં લખ્યું છે તેમ કહીને અનુસરે છે તો કેટલાક કિસ્સા એવા પણ છે કે કાયદામાં, બંધારણમાં છે અને તેમ છતાં અનુસરતા નથી, કહેવાનો મતલબ મોટાભાગના માણસો લખેલું વાંચવા અને અનુસરવા ટેવાયેલા છે, પોતાની રીતે વિચારવા, સુધારવા કે ફેરફાર કરવા ટેવાયેલા નથી, તેથી આવો બદલાવ લાવવા થીંકરો એ કામ કરવું પડે છે અને એને એક ચહેરો આપવામાં આવે છે, જેમ કે ચુંટણી. ચુંટણીમાં ભાગ લેતા રાજકીય પક્ષો એક ચહેરાને આગળ કરે છે અને આ ચહેરાને સંચાલિત થીંકરો કરતા હોય છે. 

આવી જ કેટલીક વિચારધારાઓ માટે આ લેખ આપ સહુની વચ્ચે રાખું છું જે વિચાર અને વિચારધારાની દલીલો માટે ઉપયોગી થઇ શકે તેમ છે. ભારતમાં આવી કેટલીક વિચારધારાઓ અસ્તિત્વમાં છે જેમ કે આર્ય-અનાર્ય, અગડા-પિછડા, મનુવાદ-મૂડીવાદ, ગાંધીવાદ-અંગ્રેજવાદ, બ્રાહ્મણવાદ-અન્યવાદ, હિન્દુવાદ-બૌધ, ક્રિશ્ચન ઈત્યાદીવાદ તથા જાતિવાદ-જ્ઞાતિવાદ. આ બધાના મૂળમાં પણ જાતી અને જ્ઞાતિવાદ છે અને આના ટોપમાં પણ જાતી અને જ્ઞાતિવાદ જ સર્વોપરી છે, જેમ કે હિંદુવાદ, હિન્દુવાદના મુખ્યમાં એક જ વાદ છે "ધર્મ" પરંતુ તેના પેટામાં અનેક વાદ છે જે વિવાદની જેમ ઉપર નીચે થતા રહે છે, દા.ત. હિંદુઓમાં અને જ્ઞાતિઓ-જાતિઓ સમાવિષ્ટ છે તેમ છતાં આ બધી જ જાતિઓ પરસ્પર જાતીભેદભાવને અનુસરે છે અને તેના અનુસરણના અસંખ્ય ઐતિહાસિક દાખલાઓ આપણી વચ્ચે મોજુદ છે એટલું જ નહિ ભારતના બંધારણ મુજબ ભારતના રાષ્ટ્રપતિ ચૂંટાતા હોવા છતાં તેના સમર્થનમાં કે વિરોધમાં બેબાક પણે જાતિવાદ છલકાવવામાં આવે છે. ભારતના પ્રધાનમંત્રી પણ લોકશાહી ઢબે ચુંટાતા હોવા છતાં તેમાં પણ જાતિવાદ છલકાવવામાં આવે છે, કોણ કરે છે આ ? અને કોણ કરે છે આવું એ આપણને ક્યારેય જડતું જ નથી કેમકે એ કામ થીંકટેંક કરે છે. 

ભારતમાં બંધારણ જ સર્વોપરી હોવા છતાં એક હિડન બંધારણ કામ કરી રહ્યું છે, તેથી ભારતને અનેક વાદ વિવાદોમાંથી પસાર થવું પડી રહ્યું છે. એવું નથી કે આ માત્ર ભારતમાં જ છે અન્ય દેશોમાં પણ આવું પ્રચલિત છે, જેમકે અમેરિકામાં શ્વેત-અશ્વેતવાદ, ક્રિશ્ચન દેશોમાં પણ આવી ભિન્નતા છે, ઇસ્લામિક રાષ્ટ્રોમાં પણ શિયા-સુન્ની જેવા વિવાદો અસ્તિત્વમાં છે. પરંતુ આપણે વાત કરવી છે ભારતની, જો ભારતમાં ધર્મને આધીન ચાલવાનું મુનાસીબ હોય તો ભારત બિનસાંપ્રદાયિક રાષ્ટ્ર છે એ ભારતનું બંધારણ પોતે જ કહે છે, જો ભારતને રાષ્ટ્રવાદ તરફ ચાલવું હોય તો, ભારતના નાગરીકોમાંથી જાતિવાદ અને જાતીભેદભાવનો નિકાલ લાવવો ફરજીયાત છે. અને આ નિકાલ આસાન હોવા છતાં નિકાલ ને ન તો શાશકો લાવવા માંગે છે, ન લાભાર્થીઓ, ન પીડીતો. બધા જ આ દૂષણમાં સબડવા તૈયાર છે પણ આ પ્રશ્નના નિકાલ માટે ત્રણમાંથી એક પણ એ બદલાવ ઇચ્છતા નથી, એના બે જ કારણ છે, એક આમાંના એક પણ ઇચ્છતા નથી કે બદલાવ આવે, બીજું જો બદલાવ આવે તો અસ્તિત્વના પ્રશ્નો ઉભા થશે તે ત્રણેય પક્ષ જાણે છે, (સરકાર-લાભાર્થી અને પીડિત)

ત્યારે મહાભારત યુગમાં બે થીંકટેંક લડી હતી, યોદ્ધાઓ તો એના નિમિત માત્ર હતા, એક શકુનીની વિચારધારા અને એક કૃષ્ણની વિચારધારા, આખું યુદ્ધ આ બે વિચારધારા વચ્ચે હતું, જે પુરૂ થયું અને એક વિચારધારા પણ ત્યાં પૂરી થઇ, (આમાંથી કઈ વિચારધારા યોગ્ય હતી અને કઈ અયોગ્ય એ એક અલગ ચર્ચાનો વિષય છે અહી માત્ર એ સમજ પુરતું વર્ણવવામાં આવી રહ્યું છે) ભારતમાં આમ તો ઘણાં બધા વાદ છે અને તેના ઉપર અસખ્ય વિચારકો કામ કરી રહ્યા છે પરંતુ મારા મતે ભારતમાં બે થીંકટેંક જોરદાર રીતે એનું પરફોર્મન્સ આપી રહી છે એક ઊંચનીચનો હાર્ડ જાતિવાદ અને બીજી સોફ્ટ મૂડીવાદ, ઉચનીચનો જાતિવાદ હાર્ડ હોવા છતાં સોફ્ટ છે અને મૂડીવાદ સોફ્ટ હોવા છતાં હાર્ડ છે, ઉદાહરણ લઈએ તો ભારતમાં ડેમોક્રેટિક ગમે તેવડા મોટા પદ પર ચુંટાવું હોય તો ભારતના નાગરીકે બીજી બધી કાબેલીયતને કોરાણે મુકીને જાતિવાદનો આધાર લેવો જ પડે, જયારે જો કોઈ બ્યુરોક્રેટ પર એક ભારતીય તરીકે કોઈ મોટા પદની લાલસા હોય તો મૂડીવાદ વિના એ શક્ય નથી, આમ ભારતનું લોકતંત્ર ન તો ડેમોક્રેસીને આધીન છે ન બ્યુરોક્રેસીને, (ભારતમાં ખાનગી રીતે આ પણ બે જબરી થીંકટેંક છે) 

ભારતના નાગરીકો સ્વતંત્ર રીતે વિચાર કરવા હક્કદાર હોવા છતાં એ તેમાંનું કશું જ સ્વતંત્રતાથી કરી કે કરાવી શકતા નથી, એ યા તો કાયદાને આધીન ચાલવા વિવશ છે અથવા શાસ્ત્રોને આધીન ચાલવા મજબુર, તેથી ભારતમાં જાતિવાદ અને મૂડીવાદ લડતો જ રહેશે, અને તેને લડાવી રહેલી બંને થીંકટેંક આસાનીથી લડાવી રહી છે. હા નાગરીકો ઈચ્છે તો સામાજીક બદલાવ લાવી શકે પરંતુ એ સહેલો નથી અને જે સહેલું ન હોય એ દરેક લોકો કરતા નથી એટલે બસ્સો પાનસો વર્ષે થીંકરો એક ચહેરાને સામે લાવતા રહે છે અને એ ચહેરો પેલા થીંકરોની ઈચ્છા અનુસાર બદલાવ લાવતો-મિટાવતો રહે છે. 

ત્યારે સામાજીક બદલાવ કેવી રીતે લાવી શકાય એ ચર્ચા અનિવાર્ય છે તેથી અત્રે પ્રસ્તુત છે, સામાજીક રીતે પરીવર્તન લાવવા ભેદભાવને કોરાણે કરવો પડે, અને ભૌતિક નહિ પણ વૈચારીક ક્ષમતાઓના ઉપયોગને સામે લાવવો પડે, જો આ સમાનતા દાખલ કરવામાં આવે તો સમાજની મોટાભાગની વ્યવસ્થામાં એ ધીરે ધીરે લાગુ પડતું રહે, જેમકે જન્મ-લગ્ન-મરણ-શિક્ષણ અને વિકાસ (ઉન્નતી/પ્રગતિ) જો કોઈ માણસ એમ માને છે કે તેનો પરીવાર ૨૫ વર્ષ પહેલા અત્યંત ગરીબ હતો અને હવે પોતાના યોગદાનથી તે સમૃદ્ધ થયો છે તો એ તેની ગંભીર ભૂલ છે, સમૃદ્ધિ જરૂર આવી હશે પણ એ પોતાના યોગદાનથી નહિ, પરીવારમાં કાપકૂપ કરવાથી એ સમૃદ્ધિ આવી છે. ઉદાહરણ લઈએ તો દાખલા તરીકે જાતીગત વિકાસ જોઈએ તો પણ (આ મારી વ્યક્તિગત વિચારધારા નથી, હું જાતીભેદભાવમાં માનતો નથી) જે જે સમાજમાં જેટલા પણ પરીવારોને આર્થિક ઉન્નતી થઇ હોય તેવું લાગતું હોય તે તે પરીવાર કેટલો ટૂંકો છે તે જોતા જ સમજાય જશે, પ્રગતિનો ગ્રાફ. ટૂંકમાં જેણે જેણે પણ ઉચ્ચ અભ્યાસ કર્યો તે પેલા થીંકરોની ચુંગાલમાં આવીને વધુ જાતીવાદી બન્યો, જો તેણે તેમ ન કર્યું હોત તો રીઝલ્ટ એવું જોવા મળેત કે એક સમૂહ, એક જ્ઞાતિ કે એક જાતિનો સામુહિક વિકાસ થયો છે. (જે ખરેખર થયો નથી) 

ત્રણ જ મિનિટમાં વગર યુદ્ધે આ સોલ્યુશન આવી જાય તેમ છે જો ભારતમાં જાતિવાદ કોરાણે મૂકી દેવાય તો, અથવા જાતિવાદ નાબુદીકરણ કાયદાથી અમલમાં આવે તો... પરંતુ આમ ન તો શાસકો ક્યારેય થવા દે છે, ન પીડિતો કે લાભાર્થીઓ તેમ ઈચ્છે છે, તેથી 73 વરહથી ચાલી રહેલી થીંકરોની આ ખોખલી લડાઈ 730 વર્ષ ચાલે તો પણ તેને મુકામ નહીં મળે... એ માટે બ્લડ મિક્સ થીયરી પર કામ કરવું પડે, અને જ્યાં સુધી આવી નવી સંતતિ ઉત્પન્ન ન થાય ત્યાં સુધી જાતિવાદની સમસ્યાનો અંત ભારતમાં આવે તેમ નથી.

ભારતમાં જાતિવાદનો ભોરીંગ અજગર ભરડો લઇ ચુક્યો છે અને તેનું નિવારણ સામાજીક બદલાવ સિવાય શક્ય નથી અને આગળ મેં કહ્યું તેમ અનેક મોજાઓ કિનારે આવીને ફંગોળાય જાય છે તેથી જો કોઈ ત્સુનામી ના આવે ત્યાં સુધી આ અજગર મરે તેમ નથી. અને વિચારોની ત્સુનામી લાવવી હોય તો ખોખલાપણામાંથી બહાર આવવું પડે અને જો કોઈ બહાર આવે પણ છે તો તે સોફ્ટ મુદીવાદમાં પાછો અંદર કુદી પડે છે.
અસ્તુ !!