Translate

12 May 2020

આજનો યુગ સીતા કે અનસૂયા જેવી મહાન નારીઓનો નથી


આજના યુગમાં પ્રેમ એ શારીરીક આકર્ષણથી વધુ મૂલ્ય ધરાવતો નથી, પુરુષ અને સ્ત્રી માત્ર એકબીજાની શારીરીક પૂર્તતા પૂરતા જ અને એમાં છૂટછાટ મેળવવા દાંપત્યજીવનમાં પગલાં પાડે છે, તેમાં પણ જે દાંપત્યજીવન તૂટી જાય છે તે સમાજ માટે વધુ ખતરનાક છે, જો કે મહિલા સ્વાતંત્ર્ય માટે આ વાત આજના યુગમાં કહેવી એ મહિલાઓના અધિકાર ઝુટવવા જેવી વાત છે, પરંતુ એક પત્રકાર તરીકે જ્યારે આ વિષયની હકીકત જોવા મળે છે તે જોઈને હૃદય કંપી ઉઠે છે. હું જે પ્રકારની મહિલાઓની વાત કરવા માગું છું તેવા પ્રકારની મહિલાઓ ઉણપ પ્રેમની બતાવે પરંતુ વાસ્તવમાં એ એના ઓઠા હેઠળ પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ ચાહે છે, તેવી મહિલાઓને પ્રેમ અને સેક્સ બંને એક જ પુરુષથી મળી રહે એ પૂરતું નથી, એની આ માંગ કેટલી વ્યાજબી છે કે ગેરવ્યાજબી છે એ લેખા જોખા નથી કરવા માંગતો કે કરી પણ ન શકું પણ એનું ચિંતન વ્યક્ત કરવાનો અધિકાર એક પત્રકાર તરીકે મને પણ છે, આજનો યુગ સીતા કે અનસૂયા જેવી મહાન નારીઓનો નથી અને જે પ્રકારની સ્ત્રીઓની હું ચિંતા વ્યક્ત કરું છું તે આજે જ છે તેવુંય નથી કેમકે એ પૌરાણિક યુગમાં પણ અહલ્યા, કૈકેયી કે મંથરા જેવી નારીઓ હતી. કહેવાનો મતલબ એ છે કે તેમાં દંભ શા માટે ? આત્મનિર્ભર મહિલા હોય અને વિવિધ પુરુષો સાથે તેના સેક્સ્યુઅલ સંબંધો પ્રવર્તમાન હોય તો દંભ શા માટે ? અને તો સતી સાવિત્રી બનવાના ડોળ શા માટે, જ્યારે એ એના પતિને માત્ર દંભ પોષવાનું સાધન જ માનતી હોય, તો તેવા પતિની પીઠ પાછળ લીલા સર્જીને, દાંપત્યજીવનમાં એ સાબિત શું કરે છે ? એની સ્વતંત્રતા ? એના અધિકારો... ? મોટા ભાગના બળાત્કારના કેસોમાં તપાસ થયા બાદ જૂનો શારીરીક સંબંધ ઉપસી આવે છે ત્યારે એનો મતલબ તો એટલો જ થયો કે એ એની સ્વેચ્છા હતી હવે તેની ઈચ્છા હજુ વધુ એક પુરુષની છે. 

નારી નારાયણી એ મંત્ર બોલીએ ત્યારે હૈયું ગદગદ થઈ જાય પરંતુ જ્યારે વ્યક્તિ આવી કુલક્ષીણી સ્ત્રીઓની ઝપટે ચડી જાય ત્યારે એ ગદગદિત હૈયામાં પાછળથી અફસોસનો સાગર ઉમટી જાય, ત્યારે મહિલાઓની આવી પણ કોઈ બાજુ હોય છે કે નહીં ? તે વધુ સ્પષ્ટતાથી સમજવા જો પૌરાણિક પુસ્તકો, ખ્યાતનામ મહિલાઓ દ્વારા લખવામાં આવેલી આત્મકથાઓનો અભ્યાસ કરીએ તો સમજવા મળે છે કે દરેક સ્ત્રીઓ સન્માનની ભૂખી હોય છે અને એક વખત એના સન્માનનું અપમાન જો કોઈ પુરુષ દ્વારા થઈ ગયું, તો તેવી અપમાનિત સ્ત્રી પુરુષોના નિકંદનમાં પોતાનું પતન ઇચ્છીને પણ પછીના દરેક પુરુષને યુઝ એન્ડ થ્રો ની થીયરીથી તે અપમાનિત કરવાને, એનો વિકૃત આનંદ માને છે, મને માફ કરજો પણ મહિલાઓના સ્વાતંત્ર્ય માટે લડતી મહિલા સંસ્થાઓ આવી ખામી કેટલીક સ્ત્રીઓમાં હોય તેવું ઓફલાઇન માને છે પણ ઓનલાઈન કશું ન કહેવા એ મજબુર છે. આવી સ્ત્રીઓને ઓળખવી અઘરી નથી પણ એટલી આસાન પણ નથી. સ્ત્રી પુરુષના ઝગડામાં જો કે કોઈની રુચિ ન હોય પરંતુ દાંપત્ય ભોગવી ચૂકેલા સ્ત્રી કે પુરુષો આવા ઝગડાઓથી વાકેફ જરૂર હોય છે, પત્રકાર તરીકે મેં સ્ત્રીઓના પક્ષમાં આવા અનેક અનુભવો પુરુષો સાથે અને છૂટાછેડા લીધેલી સ્ત્રીઓ સાથે ચર્ચયા છે, જેમાં જાણવા મળેલી હકીકતોને મેં પણ પ્રયોગ કરીને અનુભવી જોયો, ત્યારે મને જે હકીકતો જાણવા મળી તેમાં કેટલીક સ્ત્રી ન તો પિતાથી બંધનમાં રહેવા માંગે છે, ન પતિથી, એટલું જ નહીં જો એના ઉપર શંકા દોહરાવવામાં આવે તો તેવી શંકાના નિરાકરણને બદલે તેવી શંકાને હકીકતમાં બદલવા પણ તૈયાર હોય છે, એમાં એજન્ડા એક જ સર્વોચ્ય હોય છે, યેનકેન પ્રકારે આઝાદી અને આવી આઝાદીના ઓઠા હેઠળ તે પિતા કે પતિની પ્રતિષ્ઠા કે પોતાની પ્રતિષ્ઠાના ભોગે પણ એની અમર્યાદિત રાસલીલા આચરવામાં કોઈ કસર છોડતી નથી, હા તેની થંભવાની એક જ સીમા છે અને તે છે એના દેહનું ઘટવા માંડતું આકર્ષણ... માફી હજુ પણ માંગવી ઉચિત માનું છું કે સમાજમાં આવી છુપી સ્ત્રીઓથી તો લાખ દરજ્જે એ સ્ત્રીઓ સારી જે કમસેકમ એક લાયસન્સથી દેહવ્યાપર કરે છે. સમાજ માટે પણ આવી છુપાયેલી સ્ત્રીઓ ખતરાની ઘંટડી છે જે વાગે છે, એ દરેકને સંભળાય છે પણ અવાજ ક્યાંથી આવે એ નજરે નથી પડતું, ત્યારે કહેવાનું તાત્પર્ય એટલું જ છે કે પુરુષો સ્ત્રીઓના સન્માનમાં કોઈ કચાશ ન દાખવે, 

જો કોઈ સ્ત્રી સાથે એ દામ્પત્ય જીવનના પ્રભુતામાં પગલાં પાડવા ચાહે તો અન્ય બાબતોની જેમ એનું પ્રિયપાત્ર અપમાનના કોઈ ઊંડા આઘાતનું શીકાર નથી ને ? એ ચકાસણી પણ જરૂર કરે કેમકે એક વખત હદથી બહારનું અપમાન પામી ચુકેલી સ્ત્રી જ્યારે બદલાની પ્રબળ ભાવના તળે આવી જાય ત્યારે એને સાકાર કરવા એ ગમે તેવા પુરુષોની બલી ચડાવતા જરા પણ દયા દાખવતી નથી. હું તો ત્યાં સુધી કહીશ કે સ્ત્રીઓનું બદચલન હોય તો તેને પણ સ્વીકારી લેવાય કદાચ પણ જો કોઈ સ્ત્રી બદલાની વૃત્તિ ઉપર આવી જાય તો તેવી સ્ત્રીથી બચવું અઘરું છે, તેવી સ્ત્રી અપમાનની આગમાં મહાભારતનું સર્જન કરી શકે છે, તેને નકારી કે ટાળી શકાય નહીં. ભલા થઈને સ્ત્રીઓના અપમાનનું કારણ ન બનવું કેમકે એક પુરુષથી અપમાનિત થયેલ સ્ત્રી બાદમાં કેટલાય પુરુષોનું બલિદાન લેતા ખચકાતી નથી એ નક્કર હકીકત છે. 

લેખના શીર્ષક અનુસાર આજના યુગમાં સીતા કે અનસુયા જેવી સ્ત્રીઓ તો છે પણ તેવી મહિલાઓને આજનો યુગ તેવી બની રહેવા દેતો નથી,  એક પત્રકાર તરીકે મહિલાઓ સાથે થયેલા ક્રાઈમ અથવા મહિલા દ્વારા થયેલ ક્રાઇમના કિસ્સાઓનો મેં ઊંડો અભ્યાસ કર્યો છે. જેમાં મહિલાઓનો અભાવ અને પુરુષોનો પ્રભાવ સ્પષ્ટ વર્તાય છે, શારીરીક જરૂરીયાતો પુરુષ અને મહિલા બંનેને એકસરખી જ હોય છે, મહિલાઓ એને પુરુષ પ્રત્યેનું સમર્પણ માને છે અને મોટાભાગે પુરુષો એને ઉપભોગનું યંત્ર માને છે, આ અસમાનતામાં મહિલાઓનો બદલતો સ્વભાવ પુરુષોના પ્રભાવને ઓછો કરવા માટે જ બદલે છે. પુરુષ હોય કે સ્ત્રી બંનેને પ્રેમ પણ સરખો હોય છે, કહેવાય છે કે પુરુષોના આદરમાં સ્ત્રીઓ ત્રણ વાત ક્યારેય ભુલાવી શકતી નથી, એક પિતાનો પ્રેમ, બીજી એનાં જીવનમાં આવેલા પહેલા પુરુષનો પ્રેમ અને ત્રીજી એના ઉદરેથી પુત્રને જન્મ આપવાનો પ્રેમ. આ ત્રણ બાબતમાંથી કોઈ એક બાબતે કોઈ પણ ખોટી ચર્ચા કે દલીલમાં એ એનો આપો ગુમાવે છે. સામાજીક રીતે આ બાબતની નકકરતા તપાસીએ તો લગ્ન એક પરંપરા હોવાથી તે પિતાનું ઘર છોડવા મજબુર બને છે, પહેલો પુરુષ એના જીવનમાં આવે ત્યારે ભવિષ્યમાં એનો પતિ કોણ હશે તેનાથી એ અજાણ હોય છે એટલે લગભગ તો પતિ તરીકેનું સૌભાગ્ય એ તે પુરુષને જ આપવાનું બહેતર માને છે, અને તેમ નથી થતું ત્યારે એ ઈમાનદાર રહેવાનું મન બનાવે છે અને પુત્રનો જન્મ આપે ત્યારે એને એના દાંપત્યને અખંડ રાખવાનો એ ઉપાય બનાવે છે, આ ત્રણ બાબતો એના મનમાં એટલે ઊંડે સુધી હોય છે કે એના પાયા કોઈ હચમચાવે ત્યારે એને એ અપમાન માને છે.

ત્યારે જો આજે પણ સીતા માતા કે અનસુયા માં જેવી સ્ત્રીઓ પોતાના જીવનમાં ઈચ્છો છો તો એક પુરુષ તરીકે હું નાનામોટા દરેક પુરુષને એક વાત કહેવા માગું છું. કે કોઈ યુવતીના જીવનમાં પ્રવેશ કરો તો એને અર્ધાંગિની બનાવવા કમર કસી લેવી, અન્યથા માત્ર ડોકીયું કરવાનું હોય તો એ ન કરવું, પુત્રીને જન્મ આપો તો એ વાસ્તવિકતા ધ્યાનમાં રાખીને ચાલો કે દીકરી પરાયું ધન છે, એને પ્રેમ આપો, સ્નેહ આપો પણ એના હૃદયમાં એના પતિ માટેની જગ્યા ખાલી રાખો અને એને અવસર આપો કે એ જગ્યા પુરનાર પુરુષ તમારા જેવો જ સ્નેહાળ હોય, જે એનો પતિ હોય. અને ત્રીજી વાત જે માતાના ઉદરમાંથી જન્મ મળે તે ઋણ દુનિયાનું કોઈ ધન આપીને તમે ચૂકવી નહીં શકો, માતાને એ વાત યાદ ન આવે એટલે એ જગ્યા તમારા સ્નેહથી ભરી દો, દંભી સ્ત્રીઓથી નફરત નથી અને આદરણીય સ્ત્રીઓ માટે આદર જરાય ઓછો નથી, બલ્કે સ્ત્રીઓને નફરત કરી જ ન શકાય કેમકે એનામાં દંભનું કારણ કોઈને કોઈ પુરુષ હોય છે અને આ પુરૂષ, પહેલો પુરૂષ, પિતા અને પુત્ર ત્રણ પૈકી કોઈ એક જ હોય છે તેમાં કોઈ બેમત નથી. 
અસ્તુ!!