Translate

13 May 2020

અહંકાર, અભિમાન, ગુમાન અને ઘમંડસામાન્ય રીતે એક જ પ્રકારના વર્તનને ઉપરના ચારેય શબ્દો સાથે માણસ સરખાવી લેતો હોય છે, પરંતુ અહંકાર, અભિમાન, ગુમાન અને ઘમંડનો સામાન્યતઃ અર્થ એક થતો હોવા છતાં એના પ્રકાર અને અર્થ જુદાજુદા છે. તેમજ એ “મદ” ના ચાર અલગ અલગ પ્રકાર અને અર્થ છે, “ગર્વ” ની સીમા જયારે મોહ તરફ સરકે એટલે તે મદ બની જાય છે અને આવા મદમાં સમજ નથી ભળી શકતી ત્યારે એ ગુમાનના પ્રથમ લક્ષણમાં આવે છે, જેનું બીજું લક્ષણ ઘમંડ છે અને ત્રીજું અને ચોથું લક્ષણ અભિમાન અને અહંકારમાં આવે છે. જેમ સ્વભાવમાં સમ, રજો અને તમો એવા ત્રણ ગુણ છે તેમ “મદ” ગર્વમાંથી સરકી પડે ત્યારે તે સમ ગુણના લોકોમાં સ્ફુરે છે, ઘમંડ રજોગુણમાં સ્ફુરે છે અને અહંકાર તથા અભિમાન તમો ગુણમાં સ્ફુરે છે. ગર્વ ના મુકાબલે મોહ અને મદ ખરાબ છે જયારે મદ ના મુકાબલે ઘમંડ ખરાબ છે અને ઘમંડના મુકાબલે અહંકાર અને અભિમાન ખરાબ છે.

સામવેદમાં અહંકાર, અભિમાન, ગુમાન અને ઘમંડની વિશેષ સમજ છે, જો કે અન્ય વેદમાં પણ આ અંગે સમજ આપવામાં આવી છે પરંતુ સર્વાધિક સમજ શ્રીમદ ગીતાજીમાં વિસ્તારપૂર્વક રીતે આપવામાં આવી છે. મદથી ઉત્પન્ન થતા આ ચારેય લક્ષણો ગર્વના અતિરેક્તથી જન્મે છે. તેથી આ ચારેય લક્ષણો સહીત મદ અને મોહ ને ઉત્પન્ન ન થવા દેવા હોય તો ગર્વ પ્રત્યે સંયમ રાખવો હિતાવહ છે. જેમ કે કોઈનો પુત્રોનો ગર્વ હોવો, સત્તાનો ગર્વ હોવો, માતાપિતાનો ગર્વ હોવો, અભ્યાસ કે વ્યાપારનો ગર્વ હોવો ઈત્યાદી, આ ગર્વ માં સમજનો અભાવ માણસમાં મદ અને મોહ નામના વિકારોને જન્મ આપે છે અને આ વિકારો વિકસ્યા પછી સંભાળવામાં ન આવે ત્યારે ક્રમશ અહંકાર, અભિમાન, ગુમાન અને ઘમંડ નામના અતિક્રુર વિકારો અદ્રશ્ય સ્વરૂપે માણસના શરીરમાં વિકસે છે, શરીરની પ્રકૃતિ ઉપર મુજબ, સમ, રજો અને તમો ગુણ મુજબ હોય છે અને તે રીતે આ વિકારો સમ, રજ અને તમો ગુણમાં અલગ અલગ રીતે વર્તાવ કરે છે. કહેવાનો મતલબ આ ચારેય લક્ષણને સમજવા માટે માણસના આહાર, વિચાર અને શારીરીક અભ્યાસ આવશ્યક છે. આહાર એટલે ભોજન, વિચાર એટલે આચરણ, વ્યવહાર અને શારીરીક એટલે બીમારીઓ ઈત્યાદી. માણસ માત્ર શરીરથી જ બીમાર નથી હોતો તેની બીમારી મગજ સુધી હોય છે.

આમ જો આહાર અયોગ્ય હોય તો વિચાર અયોગ્ય હોવાના અને તો તે માણસ મન અથવા શરીરથી બીમાર પણ હોવાનો, અને તો તેના વ્યવહાર અને આચરણમાં ઉપરના વિકારો એનો ભાગ ભજવે છે, આહાર માટે કોઈ પદાર્થ ખાદ્ય કે અખાદ્ય છે એ મારી દલીલ નથી, માણસનું શરીર છે એને ફાવે તો એ ગમે તે ખાય (માંસ, કંદમૂળ, ફળફળાદી અથવા અન્નધાન્ય) એ કોઈ પણ પદાર્થ ખાવા સ્વતંત્ર છે, આવા પદાર્થોમાં રાંધેલું, કાચું, વાસી વગેરે પ્રકાર છે તે મુજબ ગમે તે પ્રકારે તે આરોગી શકે. ઉલ્લેખ માત્ર એટલો જ છે કે તેણે આરોગેલું ખાધ તેના જઠરમાં ઉપર મુજબના લક્ષણો અને પ્રકારોનું સર્જન કરે છે. તેથી સારા વિચાર માટે સારો ખોરાક બેહદ જરૂરી છે, અને સારા વિચારો થકી જ માણસ અહંકાર, અભિમાન, ગુમાન અને ઘમંડનો નાસ કરી શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ વાત તો થઇ અહંકાર, અભિમાન, ગુમાન અને ઘમંડને વિકસવા ન દેવા તેની, પરંતુ જેઓની અંદર આ પહેલેથી જ નાનામોટા પ્રમાણમાં અહંકાર, અભિમાન, ગુમાન અને ઘમંડ વિકસેલ હોય તેનું શું ? આવા વિકારોને માણસના શાકાહારી હોવું, માંસાહારી હોવું કે ઉપવાસી હોવું તેનાથી કોઈ ખાસ ફર્ક નથી પડતો, જેમ કે દુનિયામાં એવા અસંખ્ય બુદ્ધિજીવીઓ પાક્યા જેઓ પોતાના આહારમાં માંસનો ઉપયોગ કરતા હતા, તો એવા અસંખ્ય અબુદ્ધો પણ આપણને નજરે પડે છે જે શુદ્ધ શાકાહારી હોય ? વિચારોની શૃંખલામાં જેઓ હાઈ લેવલે પહોચી ગયા હોય તેને આહારથી એટલો ફર્ક નથી પડતો તેમ છતાં તેમણે આ લેવલ પર પહોચવા સર્વપ્રથમ આહારને જ આધાર બનાવવો પડે. પરંતુ આપણે વાત કરી રહ્યા હતા જે લોકોમાં આવા વિકારો વિકસેલ હોય તેનું સમાધાન શું, જેવો આવા વિકારોથી ગ્રસિત હોય તેમણે સર્વપ્રથમ મોહ નો ત્યાગ કરવો અત્યંત આવશ્યક છે સાથે સાથે દ્રઢતાનો વિકાસ કરવો પણ એટલો જ જરૂરી છે. તેમજ તેમણે પ્રબળ ઇચ્છાશક્તિ પણ વિકસાવવી જોઈએ, કોઈ પણ નિર્ણય વિચાર્યા વગર કરવો ન જોઈએ અને એક વખત જે નિર્ણય વિચારીને લઇ લીધો હોય તેમાં પીછેહઠ કરવી ન જોઈએ, જો આવા કેટલાક નાનકડા ફેરફારો કરવામાં આવે તો આવા જટીલ વિકારો નાબુદ કરી શકાય છે. જો વિકારો નાબુદ કરવા ન માંગતા હોય તો તેઓ પોતાના વિકારોના ગુલામ છે, તેના નિર્ણય અને પોતે પ્રભુત્વ ગુમાવી દે છે. અને આમ તે નિર્માલ્ય થઇ જાય છે.

માણસનો વિકાસ કે પ્રગતિ એક ચક્રમાં ચાલે છે જેને આગળ ગતી આપવામાં આવે તો વિકાસ અથવા પ્રગતિ સાધી શકાય છે અને પાછળ ગતિ આપવામાં આવે તો વિનાશ નોતરી શકાય છે ત્યારે પ્રશ્ન એ છે કે ચક્રની ગતી આગળ છે કે પાછળ તે કેમ જાણી શકાય ? ઉદાહરણ લઈએ તો પર્વતમાળા ઉચી હોય છે તેની ઉચાઈએ પહોચવા માણસને શ્રમ વધે કે ઘટે ? જવાબ પણ આ પ્રશ્નમાં જ સમાયેલો છે. જો માણસના જીવનમાં શ્રમનું મહત્વ ઘટતા ક્રમે હોય તો તેનું ચક્ર પાછળ ઘૂમી રહ્યું છે અને જો શ્રમનું મહત્વ વધતા ક્રમે હોય તો એનું ચક્ર આગળ ધપી રહ્યું છે, આજે નાની ઉમરમાં લોકો કેટલાક પૈસાની બદોલત પોતાના જીવનમાં શ્રમનો વિલય કરે છે તે ચિંતાજનક છે, હા ગધેડાની જેમ મહેનતને શ્રમ નથી કહેતા આપણે પરંતુ જો શરીરથી શ્રમ ન હોય તો વિચારોને શ્રમ નથી મળવાનો અને વિચારોથી શ્રમ ન હોય તેના વ્યવહાર અને આચરણમાં તેઓ બેશરમ હોય છે, શરમ ત્યજી ચુકેલા આવા લોકો સપના તો ઉચા જોઈ શકે છે પરંતુ હકીકતની ઉચાઈથી તેઓ હંમેશા નીચે જ રહી જાય છે.
અસ્તુ !!