Translate

22 April 2020

અનુભવો


માણસ આખરે જન્મથી મૃત્યુ સુધીની સફરમાં મેળવે છે શું ? તો ગુમાવે છે શું ? જીવનની સફર દરમ્યાન માણસ માત્રને એક પ્રશ્ન એના મનમાં જરૂર કમસેકમ એક વખત તો ઉદભવ્યો જ હોય છે કે પોતે કોણ છે ? ક્યાંથી આવ્યો (જન્મ) છે અને હવે તે ક્યાં (મૃત્યુ) જશે, અને ભાગ્યે જ કોઈ માણસ એવો હોય છે જે એના આ પ્રશ્નના રહસ્યને પામી લેતો હશે. માણસ ધાર્મિક પણ છે અને અધાર્મિક પણ છે, ધાર્મિકતા વખતે કોઈ જ્ઞાનીઓના જ્ઞાનને એ સાંભળે તો છે પરંતુ પોતાના મનમાં એને સંતુષ્ટી થતી નથી, ઉદાહરણ લઈએ તો હિન્દુ ધર્મમાં માન્યતા છે કે માણસ જન્મ મૃત્યુની સાઈકલમાં હોય છે, જન્મ લે છે, મૃત્યુ પામે છે અને પુનઃ જન્મ લે છે. જયારે બીજા એવા પણ કેટલાક ધર્મ છે જેમાં માણસના પુનઃ જન્મની વાતને નકારી દેવામાં આવે છે.

માણસ જન્મ અને મૃત્યુની સાઈકલમાં હોય તો પોતે પહેલા કોણ હતો ? શું હતો ? અને હવે શું હશે ? આવા પ્રશ્નોનો એ પોતાના મનમાં સંતોષકારક જવાબ મેળવતો ન હોવાથી આખરે આ પ્રશ્નોને ભૂલી જવામાં જ સાણપણ છે તેમ માની લે છે. વાસ્તવમાં માણસ જેમ ભોજનનો સ્વાદ એ ભોજન ગ્રહણ કરવાના અનુભવ બાદ જ જાણી શકે છે તેમ અથવા કેટલાક ભોજનને એ સુંઘીને કહી શકે છે કે તે ભોજન ઉતમ પ્રકારનું સ્વાદીષ્ટ છે, પરંતુ સુંઘવાથી કહી શકવાની કળા, એના ભોજન ગ્રહણ કરવાના અનુભવ બાદ જ પ્રાપ્ત કરેલ હોય છે અથવા કરી હોય છે. તો એ અનુસાર માણસ જન્મથી મૃત્યુ સુધીની સફરમાં એ મેળવે છે શું આ સવાલનો જવાબ એ હોય શકે કે માણસ આ દરમ્યાન મેળવે છે અનુભવ અથવા અનુભવોની હારમાળા।

તો ગુમાવે છે શું ? જો માણસ અનુભવ પ્રાપ્ત નથી કરી શકતો તો એ ગુમાવે છે પ્રગતિ!! આ પ્રશ્ન અને એના જવાબમાં કેટલાક તર્ક છે જેમકે માણસ જયારે જાણતો જ નથી કે એ કોણ છે અને ક્યાંથી આવ્યો છે ત્યારે એ પહેલેથી જ કોઈ પ્રગતીશીલ પરીવારમાં જન્મ લે, ત્યારે એ એણે અનુભવ રહીત જન્મ લીધો છે તો શું વગર અનુભવે એણે આ પ્રગતિ સાધી ? જો એમ હોય તો એ જે પ્રગતિ ગુમાવેત એ તો એમણે જન્મથી જ મેળવી લીધી એમ માની શકાય, તર્ક અસ્થાને પણ નથી. પણ આ તર્ક સુસંગત પણ નથી. કેમકે તર્ક અનુસાર તર્કને જવાબ તર્કથી જ આપવામાં આવે તો જો માણસે પહેલેથી પ્રગતીશીલ પરીવારમાં જન્મ લીધો છે તો એ પ્રગતિ એની એના મૃત્યુ સુધી યથાવત રહેશે ? જો તેમ ન હોય તો માણસ ગુમાવશે પ્રગતિ ? માણસ અનુભવ રહીત પ્રગતિ મેળવે છે તો એવા માણસ એના મૃત્યુ સુધીમાં પ્રગતિ જ ગુમાવશે કેમ કે તર્ક રહીત આ પ્રશ્નને સમજવામાં આવે તો અનુભવનો બીજો અર્થ જ પ્રગતિ છે, માણસ અનુભવ વિના પ્રગતિ પામી લે છે તેનો મતલબ અનુભવ માટે તેની પ્રગતિ જવાનો ખતરો છે. જો આ પ્રશ્નથી માણસને સંતોષ થઇ જાય તો એને પેલા વણઉકેલ પ્રશ્ન ફરી અકળાવે છે કે પોતે કોણ છે ? ક્યાંથી આવ્યો છે ? અને ક્યાં જશે અથવા ક્યા એને જવાનું છે. 

જીવન ક્યારેય તર્કથી જીવી શકાતું નથી, હા તર્કબદ્ધતા તમને અનુભવનું મજબુત ભાથું બાંધવા કામ જરૂર લાગી શકે પરંતુ વાસ્તવિકતામાં જીવન કોઈ તર્કથી નહિ પ્રત્યક્ષ અનુભવથી જ જીવી શકાય છે. અર્થાત જન્મથી મૃત્યુ સુધીની સફરમાં માણસ જેમ શરીર, ઘર, પરીવાર, વ્યવહાર અને સાધનોની ઉન્નતી એટલે કે પ્રગતિ કરે છે તે અનુભવ વિના શક્ય નથી.